‘માફી માંગો…માફી માંગો…વીરપુર આવીને માફી માંગો’, MLAની વિવાદિત ટિપ્પણી સામે રઘુવંશી સમાજ લાલઘુમ

malay kotecha

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો વીડિયો વાયરલ
  • વાંધાજનક ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજમાં ભારે રોષ
  • રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા કરાઈ આ માંગ 
Rajkot News: પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠકના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણનો જલારામ બાપા અને સાંઈબાબા વિશે ટિપ્પણી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની વાંધાજનક ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રઘુવંશી સમાજે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ વીરપુર આવીને જલારામ બાપા અને ભક્તોની માફી માંગે તેવી માંગ કરી છે.

રઘુવંશી સમાજમાં ભારે રોષ

જલારામ બાપા અને સાંઈબાબા વિશે ટિપ્પણી કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આજે રાજકોટ ખાતે ધારાસભ્યનો વિરોધ કરવામાં આવ્યો હતો. રઘુવંશી સમાજના યુવકો એકઠા થયા હતા અને ‘માફી માંગો…માફી માંગો…વીરપુર આવીને માફી માંગો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

‘જલારામ બાપાના ભક્તોની દુભાઈ લાગણી’

આ દરમિયાન પ્રિન્સ રઘુવંશી નામના યુવકે જણાવ્યું હતું કે, જલારામ બાપા અને સાંઈબાબા અઢારેય વરણમાં પૂજનીય સંતો છે. ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો જલારામ બાપા વિશે અભદ્ર ટિપ્પણી કરતો વીડિયો વાયરલ થયો છે. જેથી તમામ સમાજના જલારામ બાપાના ભક્તોની લાગણી દુભાઈ છે. અમારી સ્પષ્ટ માંગણી છે કે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ વીરપુર આવીને જલારામ બાપાની માફી માંગે.

… તો ગુજરાતભરમાં કરાશે વિરોધઃ પ્રિન્સ રઘુવંશી

તેઓએ જણાવ્યું કે, ફતેસિંહ એવું કહે છે કે જલારામ બાપાને ભગવાન બનાવી દીધા, તો તેમને કહી દઈએ કે વીરપુરના પાદરમાં અનેક લોકોને જલારામ બાપાના પરચા મળ્યા છે. તેઓએ જણાવ્યું કે, જો ધારાસભ્ય માફી નહીં માગે તો ગુજરાતભરમાં રઘુવંશી યુવા શક્તિ સંઘ(RYSS) વિરોધ કરશે.

શું છે સમગ્ર મામલો?

એક કાર્યક્રમ દરમિયાન મંચ પરથી પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠકના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ‘જલારામ બાપાને ભગવાન બનાવી દીધા’, સાંઈ બાબા પર ટિપ્પણી કરતા તેઓએ કહ્યું કે, ‘સાંઈ બાબાને પણ ભગવાન બનાવી દીધા. સાંઈ બાબા આપણા છે જ નહીં મુસ્લિમ છે. આ સાંઈ બાબને પણ ભગવાન બનાવ્યા.’  ધારાસભ્યનો વીડિયો વાયરલ થયા બાદ રઘુવંશી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
(ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ)

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT