BREAKING: વિધાનસભાના પ્રથમ સત્ર પહેલા જ 3 બળવાખોર ધારાસભ્યોનો ભાજપને ટેકો!
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે 15મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળવા જઈ રહ્યું છે. એક દિવસીય આ સત્રમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી થશે. આ બાદ રાજ્યપાલ આચાર્ય…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે 15મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળવા જઈ રહ્યું છે. એક દિવસીય આ સત્રમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી થશે. આ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન માટે આભાર પ્રસ્તાવની રજૂઆત કરવામાં આવશે. જોકે આ પહેલા જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, જે મુજબ ગુજરાતના ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને ટેકો જાહેર કરવાનું નક્કી કર્યું છે.
આ ત્રણ ધારાસભ્યો આપશે ભાજપને સમર્થન
બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ થોડીવારમાં રાજ્યપાલને મળશે. ત્રણેય અપક્ષ ધારાસભ્યો આ બાદ ભાજપને ટેકો જાહેર કરશે. ખાસ વાત છે કે ત્રણેય ધારાસભ્યો પહેલા ભાજપમાં જ હતા પરંતુ પક્ષમાંથી ટિકિટ ન મળતા બળવો કરીને અપક્ષથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જોકે ત્રણેય ધારાસભ્યોના સમર્થન બાદ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ પણ 156થી વધીને 159 થઈ જશે.
ગૃહમાં પ્રથમ દિવસે ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવવા વિધેયક રજૂ કરાશે
નોંધનીય છે કે, આજે એક દિવસીય સત્રમાં ગૃહમાં ઈમ્પેક્ટ ફીનો કાયદો લાવવા વિધેયક રજૂ કરાશે. જે 30 સપ્ટેમ્બર 2022 પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામને લાગુ પડશે. જે અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા અને વિકાસ વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવામાં આવશે. જે બાંધકામોને બી.યુ પરમિશન નથી અથવા તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી છે, તેમને પણ નિયમિત કરી શકાશે.
ADVERTISEMENT
પહેલીવાર AAPના ધારાસભ્યો વિધાનસભા પહોંચશે
ગુજરાત વિધાનસભામાં પહેલીવાર આજે AAPની એન્ટ્રી થશે. આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો વિધાનસભામાં જોવા મળશે. બીજી તરફ હજુ પણ વિપક્ષ નેતાના નામને લઈને કોંગ્રેસમાં અસમંજસ છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય નેતૃત્વ આ અંગે નિર્ણય લેશે. આ માટે અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ઠરાવ મોકલવામાં આવ્યો છે અને 4 ધારાસભ્યો વિપક્ષ નેતાની રેસમાં છે. જેમાં અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર,અમિત ચાવડા અને સી.જે.ચાવડાનું નામ આગળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT