Farmer’s News: ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ માટે પાવર કીટની ખરીદીમાં સહાયની યોજનાનો વર્ષે 33,000 ખેડૂતોને મળશે લાભ: રાઘવજી
Farmer’s News: ભારત સદીઓથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે, ખેડૂતો તરફથી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતા ચાલુ વર્ષના બજેટમાં ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે…
ADVERTISEMENT
Farmer’s News: ભારત સદીઓથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે, ખેડૂતો તરફથી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતા ચાલુ વર્ષના બજેટમાં ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર કીટની ખરીદી માટે ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજનામાં અઢી ગણો વધારો કરીને રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ચાલુ વર્ષના બજેટમાં 50 કરોડની જોગવાઈ
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં વન્ય અને રખડતા પ્રાણીઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને થતા નુકશાનને અટકાવવા રાજ્ય સરકાર દ્વારા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ૧૮ વર્ષથી અમલમાં છે. પરંતુ રક્ષિત વાડ માટે વ્યક્તિગત ધોરણે કામગીરી કરવી હોય તો તેવા કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષ ૨૦૨૨-૨૩માં વૈકલ્પિક યોજના સ્વરૂપે ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર કીટની ખરીદી માટે ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજના રૂ. ૨૦ કરોડની જોગવાઈ સાથે અમલમાં મૂકવામાં આવી હતી. ચાલુ વર્ષે આ યોજના માટે બજેટમાં રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
કેવા ખેડૂતોને મળશે સહાય?
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે યોજનાના બજેટમાં અઢી ગણો વધારો થતા ગત વર્ષની સરખામણીમાં ૧૩ હજાર ખેડૂતોની જગ્યાએ ચાલુ વર્ષે ૩૩ હજાર ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજના માટે રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧૫,૦૦૦ બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ ટૂંક સમયમાં જ ખુલ્લું મૂકવામાં આવશે. જેનો મહત્તમ લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોને કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો હતો.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજના માટે ચાલુ વર્ષે અંદાજપત્રમાં રૂ. ૩૫૦ કરોડ અને સોલાર ફેન્સીંગ માટે સોલાર પાવર કીટની ખરીદીમાં ખેડૂતોને નાણાંકીય સહાય આપવાની યોજના માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ, ખેડૂતોના પાકને રક્ષણ આપવા માટે કુલ રૂ. ૪૦૦ કરોડ જેટલી માતબર રકમની જોગવાઈ કરી છે.
ADVERTISEMENT