ગરબા પર 18 ટકા GST: AAPએ CMને પત્ર લખી કહ્યું- આ ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિનું અપમાન

Yogesh Gajjar

02 Aug 2022 (अपडेटेड: Aug 2 2022 6:20 PM)

અમદાવાદ: કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે વર્ષોથી નવરાત્રિની મજા ફિક્કી રહી હતી. જોકે આ વર્ષે નવરાત્રિ યોજાવાની છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગરબાના પાસ પર…

gujarattak
follow google news

અમદાવાદ: કોરોનાની મહામારીના કારણે છેલ્લા બે વર્ષોથી નવરાત્રિની મજા ફિક્કી રહી હતી. જોકે આ વર્ષે નવરાત્રિ યોજાવાની છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગરબાના પાસ પર 18 ટકા GST લાગુ કરવામાં આવ્યો છે. એવામાં ખેલૈયાઓની મજા આ વર્ષે બગડી શકે છે. તેમણે ગરબા માટેના પાસ પર સામાન્યથી વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. ત્યારે આ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી બંનેએ આ મુદ્દે સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે. AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા તથા નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ નિર્ણયને ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિના અપમાન સમાન ગણાવ્યો છે. આ સાથે જ તેમણે GST ટેક્સને પાછો ખેંચવાની માગણી કરી છે.

આ પણ વાંચો

AAPએ મુખ્યમંત્રીને લખેલો પત્ર અક્ષરસઃ વાંચો….

વિષય: ભાજપ સરકારે ગરબા રમવા ઉપર 18% GST નાખીને ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિનું અપમાન કરવા બાબત.

જય ભારત સાથે સવિનય જણાવવાનું કે, કેન્દ્રમાં રહેલી ભાજપની સરકારે હાલમાં જ ગરબા રમવા ઉપર 18% GST ટેક્સ નાખ્યો છે, આ બાબતને આમ આદમી પાર્ટી સખ્ત શબ્દોમાં વિરોધ કરે છે તેમજ ભાજપ સરકારની આવી નિમ્ન માનસિકતાની નિંદા કરે છે.

ભાજપની સરકારે હમણા જ દૂધ, છાશ અને દહીં જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપર પણ GST ટેક્સ નાખીને લોકોનાં મોઢામાંથી દૂધનું ટીપું પણ છીનવી લેવાનો હીન પ્રયાસ કર્યો છે. આજે વળી પાછો ગુજરાતના ગરબા રમવા ઉપર GST ટેક્સ નાખીને લોકોની આસ્થાનું અપમાન કર્યું છે.

માતાજીના ગરબા એ શક્તિ સ્વરૂપ જગદંબાને પ્રસન્ન કરવાનો પ્રસંગ છે, GST ટેકસ ઉઘરાવવાનો કાર્યક્રમ નથી, તો આમ આદમી પાર્ટી માંગણી કરે છે કે આ ગરબા રમવા ઉપરનો 18% GST ટેક્સ પાછો ખેંચવામાં આવે.

ગમે તેમ કરીને લોકો પાસેથી ટેક્સ ભેગો કરવાની હલકી કક્ષાની માનસિકતામાંથી ભાજપનાં સત્તાધીશો બહાર આવે એવી માતાજી ભાજપવાળાને સદબુદ્ધિ આપે એ જ પ્રાર્થના.

જય જય ગરવી ગુજરાત

    follow whatsapp