Accident: વડોદરામાં કન્ટેનર ST બસ સાથે અથડાયું, ભરૂચમાં ઈકો કારને ટ્રેને મારી ટક્કર; 2 અકસ્માતમાં 24 લોકો ઈજાગ્રસ્ત

malay kotecha

13 Jan 2024 (अपडेटेड: Jan 13 2024 5:37 AM)

Gujarat Accident News: ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં અકસ્માતના બે મોટા બનાવો સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં 24 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે…

gujarattak
follow google news
Gujarat Accident News: ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં અકસ્માતના બે મોટા બનાવો સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં 24 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઈજાગ્રસ્તો પૈકી 2 લોકોની સ્થિતિ નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

વડોદરાના નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત

વડોદરાના વરસાડા નજીક મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનરે એસ.ટી બસને ટક્કર મારતા 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જેઓની વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  મળતી માહિતી અનુસાર, વડોદરાના નેશનલ હાઈવે 48 પર ઓવર સ્પીડમાં આવતા કન્ટેનરના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કન્ટેનર ડિવાઈડર કુદાવીને સામેથી આવતી એસ.ટી બસ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં એસ.ટી બસના ડ્રાઈવર, કેન્ડક્ટર સહિત 20 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

રાહદારીઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક SSG હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ કન્ટેરનર વડોદરાથી સુરત તરફ જતું હતું.

ભરુચમાં ટ્રેનને કારને મારી ટક્કર

ભરુચમાંથી પણ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, દહેજ – ભરૂચ રેલવે ટ્રેક પર વાવ ગામ નજીક આવેલી ખુલ્લી ફાટક પરથી ઈકો ગાડી પસાર થઈ રહી હતી, ત્યારે ખુલ્લી ફાટક પર અચાનક ટ્રેન સામે આવી ગઈ હતી.

2 લોકોની હાલત નાજુક

ટ્રેને ટક્કર મારતા ઈકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, ઘટનામાં કારમાં સવાર 4 લોકોને ઈજાઓ પહોંચી હતી. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગસ્તો પૈકી બે લોકોની સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
આ પણ વાંચો
    follow whatsapp