પરષોત્તમ રૂપાલા મુદ્દે રાજકોટના રાજવીનું મોટું નિવેદન, માંધાતાસિંહજી જાડેજા કોના સમર્થનમાં આગળ આવ્યા?

Rajkot News: રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મુદ્દે રાજકોટના રાજવી માંધાતાસિંહજીનું નિવેદન સામે આવ્યું છે. માંધાતાસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું.

રાજકોટના રાજવી માંધાતાસિંહજીની તસવીર

Rajkot News

follow google news

Rajkot News: રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનનો મુદ્દો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ક્ષત્રિય સમાજમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો ભાજપે હજુ સુધી આ મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી. આ વચ્ચે હવે રાજકોટના રાજવી માંધાતાસિંહજીનું નિવેદન સામે આવ્યું છે. માંધાતાસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું.

આ પણ વાંચો: 'નારીશક્તિના અપમાન બદલ ક્ષમાને અવકાશ જ નથી', ઝાલાવાડના 7 રાજવીઓનું ક્ષત્રિયોને ખુલ્લુ સમર્થન

રાજકોટના રાજવીએ શું કહ્યું?

રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, સ્વતંત્રતા પછી સત્તાધીશોમાં સંવેદનશીલતા ઘટી છે તે દુઃખની વાત છે. તાજેતરમાં પરષોત્તમ રૂપાલાના નિવેદનથી આપણી સમાજની દીકરીઓને ઊંડો આઘાત પહોંચ્યો છે. ભારતમાં સંવિધાને આપણને વાણી-સ્વતંત્રતા આપી છે તેનો અર્થ એ નથી કે આપણે ફાવે તેવી ભાષા અને શબ્દપ્રયોગ કરવો જોઈએ. 

'આ ઘટનાએ મને સ્તબ્ધ કરી દીધો'

તેમણે કહ્યું કે, કોઈ સમાજ માટે આવી ટિપ્પણીએ માનવતાનું હનન છે. આ ઘટનાએ મને સ્તબ્ધ કરી દીધો છે હું શાંતિ અને શબ્દવિહીન થઈ ગયો હતો. રૂપાલાએ હાથતોડીને ક્ષમા માંગી. ક્ષત્રિય સમાજના સંત પાસે પ્રદેશ પ્રમુખ પાટીલે પણ ક્ષમાયાચના કરી હતી. આજે અમારા સમાજની દીકરીઓ અને બહેનો, માતાઓએ જાહેરમાં જૌહરમાં આવવું પડે એનું દુઃખ હું અનુભવી શકું છું. આ સમસ્યાનું સુખદ નિરાકરણ આવે તેવી હું અપીલ કરું છું. હું અમારા સમાજની બહેનોને કહેવા માંગું છું કે કેસરિયા, જૌહર અને શાકા એ આપણી રાજપૂતોની પરંપરાનું આભૂષણ છે. પરંતુ આ આભૂષણનો ઉપયોગ આ લડાઈમાં ન કરે તેવી પ્રાર્થના કરું છું. લોકશાહીમાં લોકતાંત્રિક રીતે વિરોધ કરવાની સંભાવનાઓ પર વિચારવું જોઈએ.

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં ખુલ્લેઆમ ગૌમાંસનાં સમોસાંનું વેચાણ, 326 કિલોનો જથ્થો પકડાયો 

માંધાતાસિંહજીએ ક્ષત્રિય સમાજને આપ્યું સમર્થન

માંધાતાસિંહજીએ કહ્યું કે, હું રાષ્ટ્રવાદની વિચારધારાને વરેલો છું અને જ્ઞાતિએ ક્ષત્રિય હોવાથી હાલની પરિસ્થિતિ પર મને રંજ છે. સૌહર્દપૂર્વક સંવાચ રચાય એ દિશામાં સમાજ અને સરકાર આગળ વધે તેવી હું આશા રાખું છું. હું ક્ષત્રિય સમાજની સાથે છું અને સંવાદથી નિવેડો આવે તેવી અપેક્ષા રાખું છું. આ મુદ્દે સંવાદથી સમાધાન માટેના ચોક્કસ પ્રયત્નો થઈ રહ્યા છે. હું સમાજ વિરુદ્ઘની કોઈપણ પ્રકારની ખેદજનક ટિપ્પણીને સ્પષ્ટ શબ્દોમાં વખોડું છે અને સમાજને સમર્પિત છું. 

    follow whatsapp