‘કોઈની સામે 20થી વધુ ગુના, તો કોઈ સામે 300 કરોડના કૌભાંડનો કેસ’, AAPના આ ઉમેદવારો ચૂંટણી પહેલા વિવાદમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે અલગ રહેવાની છે. ચૂંટણીમાં દર વર્ષે ગુનાહિત છબી ધરાવતા ઉમેદવારોને રાજકીય પક્ષો ટિકિટ આપતા હોય છે. આ વખતની ચૂંટણીમાં રાજકીય પાર્ટીએ ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને ટિકિટ શા માટે આપી તે પણ પાર્ટીએ જાહેર કરવું પડશે અને તેની સમાચાર અને પ્રિન્ટ મીડિયામાં જાહેરાત આપવી પડશે. ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ AAP દ્વારા તેમના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં AAPએ ઉમેદવારોની 4 જેટલી યાદી જાહેર કરીને 41 બેઠકો પરથી ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. જોકે સ્વચ્છ છબી ધરાવતી પાર્ટી હોવાનો દાવો કરતી AAPના કેટલાક ઉમેદવારો ચૂંટણી પહેલા જ વિવાદમાં સપડાયા છે.

દેવગઢબારીયાના ઉમેદવાર પર 20 ગુનાઓ
દેવગઢ બારીયા બેઠકના AAPના ઉમેદવાર ભારતસિંહ વાખળા પર 20થી વધુ ગુના દાખલ થયેલા છે. જેમાં દારૂની હેરાફેરી, મારામારી, લૂંટ, મર્ડર, હત્યાનો પ્રયાસ, ફાયરિંગ સહિતના ગુનાની ફરિયાદ દેવગઢબારીયા, પંચમહાલ સહિતના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. હાલમાં જ તેમની સામે વિદેશી દારૂના ગુનામાં પાસા થઈ હતી અને જેલમાંથી છૂટીને આવ્યાના 12 દિવસમાં જ પત્ની સાથે આડા સંબંધોની અદાવતમાં બે વ્યક્તિઓની બાઈકને સ્કોર્પિયોથી ટક્કર મારી ભાગી ગયા હતા. જે બાદ તેમને પકડીને કોર્ટમાં રજૂ કરતા ધાનપુર કોર્ટે તેમને દાહોદની ડોકી સબજેલમાં મોકલી દીધા હતા. ભારતસિંહ વાખળા વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી લડ્યા હતા. જેમાં તેમની ભાજપના બચુભાઈ ખાબડ સામે હાર થઈ હતી. તાજેતરમાં જ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

આ પણ વાંચો: AAPના વધુ એક ઉમેદવાર વિવાદમાં, દારૂની હેરાફેરી, લૂંટ, મારામારી સહિત 20થી વધુ ગુના નોંધાયેલા છે

ADVERTISEMENT

વેજલપુરના ઉમેદવાર દારૂ-હુક્કા પાર્ટીની તસવીરો વાઈરલ
આમ આદમી પાર્ટીના વેજલપુર બેઠકથી ઉમેદવાર કલ્પેશ પટેલના દારૂ અને હુક્કાની મહેફિલ માણતી તસવીરો સામે આવી હતી. ગુજરાત ભાજપના સ્ટેટ-મીડિયા કો-હેડ ઝુબિન આસરાએ કહ્યું હતું કે, ગાંધીના ગુજરાતમાં એક વધુ દારૂડિયાને ટિકિટ. કલ્પેશ પટેલ પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. જોકે બાદમાં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે ટિકિટ બાદ તેમની પ્રકારની તસવીરો સામે આવતા તેઓ વિવાદમાં ઘેરાયા હતા.

આ પણ વાંચો: AAPના વધુ એક ઉમેદવાર વિવાદમાં, વેજલપુરના ઉમેદવારની હુક્કા-દારૂ પાર્ટીની તસવીરો વાઈરલ

ADVERTISEMENT

ગીર સોમનાથના ઉમેદવારે દારૂ પીવાય એટલો પીવા કહ્યું હતું
ગાંધીના ગુજરાતમાં દારૂ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા અને જગમલ વાળા બેફામ વાણી વિલાસ કરતા સામે આવ્યો હતો. ગીર સોમનાથ બેઠકથી AAPના ઉમેદવારે જુનાગઢની એક સભામાં જાણે દારૂની બ્રાન્ડિંગ કરી રહ્યા હોય તેમ નિવેદન આપતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, વિશ્વમાં 196 દેશો છે જ્યાં દારૂ પીવાય છે. પરંતુ ભારતમાં ગુજરાતની અંદર દારૂ બંધી કેટલી યોગ્ય ગણાય. અત્યારે IAS, IPS અધિકારીઓ સહિત દિગ્ગજ ડોકટરો પણ દારૂનું સેવન કરતા હોય છે. તો પછી ગુજરાતમાં દારૂ બંધી કેમ છે. દારૂ જો તમે પીતા હોય તો ચાલે જેટલો પીવાય એટલો દારૂ પીવો જોઈએ. પરંતુ દારૂ જો તમને પીવા લાગે તો એમા મુશ્કેલી ઉભી થાય છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: શું AAP ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા વિચારી રહી છે? દિગ્ગજ નેતાના દારૂ મુદ્દે નિવેદને આપ્યા સંકેત!

અસારવાના ઉમેદવાર સામે 300 કરોડની અપ્રમાણસર મિલકલનો આરોપ
આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ તથા અસારવા વિધાનસભા બેઠક પરથી AAPના ઉમેદવાર જયંતીલાલ મેવાડા વિરુદ્ધ 300 કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદ કોર્ટમાં દાખલ થઈ છે. કલોલના નિવાસી વિરલગિરી ગૌસ્વામીએ મોડાસાના પૂર્વ ડી.વાય.એસ.પી વિરુદ્ધ અપ્રમાણસર મિકલતનો મામલે અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે.જે મેવાડાએ ફરજ દરમિયાન રૂ.300 કરોડનો ભ્રષ્ટાચાર કરીને અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકામાં 59 મિકલત-જમીનની ખરીદી કરી હોવાનો આક્ષેપ છે. સેશન્સ કોર્ટમાં કરાયેલી ફરિયાદમાં નિવૃત્ત ડી.વાય.એસ.પી સહિત તેમના પત્ની, પુત્ર, પુત્રી સહિત 6 લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે એફિડેવિટમાં ઓછી મિકલત દર્શાવી અને ખોટું સોગંદનામું કરીને દાણીલીમડા બેઠક પરથી ચૂંટણી લડ્યા.

આ પણ વાંચો: અમદાવાદ શહેર AAP પ્રમુખ અને અસારવાના ઉમેદવાર પર રૂ.300 કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં (Assembly Elections) જો કોઈ રાજકીય પક્ષ ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપશે તો તેમણે જણાવવું પડશે કે શા માટે આ જ ઉમેદવારની પસંદગી કરવામાં આવી? તાજેતરમાં જ ગુજરાત આવેલા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, જો કોઈ ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોય તો તેની માહિતી મતદારોને મળે તે અમારી ફરજ છે. આથી અમે નક્કી કર્યું છે કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા દરેક ઉમેદવારોના કેસની માહિતી સમાચાર પત્રોમાં પબ્લિશ થાય. ઉપરાંત એફિડેવિટ પણ કરવાનું રહેશે. આ માટે અમે KYC એપ પણ બનાવી છે. આ એપમાં તમે એફિડેવિટ, મિલકત અને ગુનાહિત ઈતિહાસ સહિતની તમામ વિગતો જોઈ શકશો. તેમણે વધુમાં ઉમેર્યું કે, જો કોઈ રાજકીય પાર્ટી ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારને ટિકિટ આપે છે તો પાર્ટીએ પણ ત્રણ વખત ઉમેદવારના ગુનાહિત ઈતિહાસ વિશે અને તેમને શા માટે પસંદ કરવામાં આવ્યા તેની જાહેરાત આપવી પડશે.

આ પણ વાંચો: ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને કેમ ટિકિટ આપી? રાજકીય પક્ષોએ મતદારો સામે ખુલાસો કરવો પડશે

    follow whatsapp

    ADVERTISEMENT