માનવ તસ્કરીનો કેસ: CID ક્રાઈમે શરૂ કર્યો તપાસનો ધમધમાટ, 8 લોકોના લીધા નિવેદન

ADVERTISEMENT

gujarattak
social share
google news

France plane detention case: ફ્રાંસ કબૂતરબાજી પ્રકરણમાં CID ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આ કેસની તપાસ માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. CID ક્રાઈમની ટીમે એવા લોકોની શોધ શરૂ કરી છે, જેમણે ફ્લાઈટમાં સવાર મુસાફરોને અમેરિકા અને અન્ય દેશોમાં (ગેરકાયદેસર રીતે) મોકલવાના વાયદા આપ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલ ફ્રાન્સથી જે લોકો ગુજરાત પરત આવી ચૂક્યા છે, તેમાંથી CID ક્રાઈમની ટીમે 8 જેટલા લોકોના નિવેદન લીધા છે. જ્યારે અન્ય લોકોના નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આટલા રૂપિયામાં થઈ હતી ડીલઃ રિપોર્ટ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તમામની પૂછપરછમાં એવું સામે આવ્યું છે કે એજન્ટો તેમની સાથે ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવામા માટે 40 લાખથી લઈને સવા કરોડ રૂપિયા સુધીની ડીલ નક્કી કરી હતી. આ એજન્ટોના નામ પણ CID ક્રાઈમ પાસે આવી ગયા છે. પરંતુ ટીમ પૂરાવા એકઠા કરી રહી છે.

શું છે સમગ્ર મામલો?

ગત સપ્તાહે ફ્રાંસમાં લેન્ડ થયેલ દુબઈથી નિકારગુઆ જઈ રહેલા વિમાનને માનવ તસ્કરીની આશંકાએ રોકી લેવાયું હતું. ફ્રાન્સમાં ચાર દિવસ સુધી મુસાફરોની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ આ વિમાને ઉડાનની મંજૂરી અપાઈ હતી. જે આ ફ્લાઇટને ગંતવ્ય સ્થળે લઈ જવાને બદલે મુંબઈ લવાઈ હતી. વિમાનમાં ભારતીય મુસાફરો હોઈ અને અમેરિકા ગેરકાયદેસર રીતે પહોંચવાની આશંકા હોવાને લઈ આ મામલે તપાસ શરુ થઈ હતી. વિમાનમાં ગુજરાતીઓ હોવા અંગે પણ રાજ્યના સીઆઈડી ક્રાઈમ વિભાગ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

તપાસ માટે 4 ટીમો બનાવવામાં આવી

આ મામલે CID (ક્રાઈમ)ના પોલીસ અધિક્ષક સંજય ખરાતે જણાવ્યું હતું કે, આ કેસની તપાસ માટે ચાર ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો પીડિતોને પૂછપરછ કરશે કે તેમને કેવા વાયદા આપવામાં આવ્યા હતા. સંજય ખરાતે જણાવ્યું હતું કે, ફ્લાઇટમાં સવાર મોટાભાગના મુસાફરો બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આણંદ જિલ્લામાંથી હતા. જ્યારે આ મુસાફરો મુંબઈથી ગુજરાત પહોંચશે ત્યારે પોલીસ તેમની પૂછપરછ કરશે. તેઓ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે મુસાફરોને અમેરિકા અને અન્ય દેશોમાં જવા માટે આપવામાં આવેલા ડોક્યુમેન્ટ અસલી હતા કે નકલી. આ રીતે કેટલા લોકોને વિદેશ મોકલવામાં આવ્યા છે અને આ કબુતરબાજીમાં કેટલા લોકો સામેલ છે.

    follow whatsapp

    ADVERTISEMENT