અલ્પેશ કથિરીયા આવ્યા ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં, જૂના વીડિયો અને અટકાયત પર શું બોલ્યા?
સંજયસિંહ રાઠોડ/સુરત: ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. ભાજપ અને AAP વચ્ચે વીડિયો વોર ચાલી રહી…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ/સુરત: ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે. ભાજપ અને AAP વચ્ચે વીડિયો વોર ચાલી રહી છે. બંને પક્ષો વિરોધ પક્ષના નેતાના જૂના અને વિવાદિત વીડિયો રોજ સામે લાવી રહ્યા છે. ભાજપ દ્વારા ગોપાલ ઈટાલિયાનો જૂનો વીડિયો હાલમાં પોસ્ટ કરાયો હતો, જેમાં તેઓ PM વિશે ખરાબ ભાષાનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં ચાલતા આ વીડિયો વોર મુદ્દે પહેલીવાર PAASના નેતા અલ્પેશ કથિરીયાએ પોતાનો પક્ષ સામે મૂક્યો છે.
ગોપાલ ઈટાલિયા સામે કેમ કાર્યવાહી થઈ રહી છે?
અલ્પેશ કથિરીયાએ Gujarat Tak સાથેની વાતચીતમાં કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક હથ્થુ શાસન છે અને સત્તા છે તો સ્વભાવિક છે કે તમારા વાણી કે વર્તનમાં કોઈ એ પ્રકારની વાત આવી જાય તો સત્તા પક્ષ તેનો ઉપયોગ કરતી હોય છે. અને એ પ્રકારે ગુજરાતમાં કોઈ નવા લોકો ઊભા ન થાય, આંદોલનો ઊભા ન થાય તે માટે સરકાર પ્રયાસ કરતી હોય છે. ગોપાલ ઈટાલિયા સામેની કાર્યવાહી યોગ્ય નથી. કેમ કે એવા કોઈ ખાસ મુદ્દાઓ છે નહીં. હું એવું માનું છું કે, રાજનીતિના જે સ્તર હોય તે મુજબ રાજનીતિ થવી જોઈએ. તેથી ઉતરતા સ્તરની રાજનીતિ ન થવી જોઈએ.
વીડિયો વોર મુદ્દે શું કહ્યું?
ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો પર PAAS નેતાએ કહ્યું, જૂના વીડિયો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બાબતના હતા એ અત્યારે વર્તમાન સમયમાં વાઈરલ થઈ રહ્યા છે. એના કરતા વર્તમાન મુદ્દાઓ પર રાજનીતિ થવી જોઈએ. ખરેખર રાજનીતિના જે માધ્યમો છે તમે સેવા આપવા માગો છે, શિક્ષણ છે, રોડ છે, આરોગ્ય છે, પાણી છે, સિંચાઈ છે, લોકોની સમસ્યા છે, ખેડૂતોના પ્રશ્નો છે, વાવણીની સમસ્યા છે, રોજગાર છે, મહિલાઓ છે આ મુદ્દાઓ પર રાજનીતિ થવી જોઈએ.
ADVERTISEMENT
ગોપાલ ઈટાલિયાની અટકાયત પર શું કહ્યું?
તેમણે કહ્યું કે, દિલ્હીમાં ગોપાલ ઈટાલિયાની અટકાયત કરી નિવેદન લઈને મુક્ત કરવામાં આવ્યા હતા. પણ આ મુદ્દામાં દિલ્હી મહિલા આયોગ તરફથી પ્રોપગેન્ડા અગાઉથી તૈયાર હોય એવું લોકોના મનમાં લાગી રહ્યું છે. એવા અસંખ્ય મુદ્દા છે જેના પર મહિલાના સન્માન અને આત્મ સન્માનની લડાઈ છે તેવા મુદ્દા પર વધારે આગળ વધવું જોઈએ. મહિલા આયોગે આ પ્રકારના મુદ્દાઓ પર વધારે ધ્યાન આપવું જોઈએ.
ત્રણેય પાર્ટીમાંથી ઓફર મળી રહી છે
ભાજપ ગોપાલ ઈટાલિયાને ટાર્ગેટ કરી રહી છે એના પાછળ કારણ એવું છે કે AAP ઊભરી રહી હોય, વર્તમાન સમયમાં તેમની સભા, રેલી સારી બની રહી છે. મીડિયા કે IBના માધ્યમથી સરકારને કંઈક એવા રિપોર્ટ જતા હશે એટલે પાર્ટી ઊભરે નહીં, પાર્ટી તૂટે, લોકોનો વિશ્વાસ તૂટે એવા પ્રયાસ થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ સાથે જ તેમણે રાજકારણમાં જોડાવવા અંગે જણાવ્યું હતું કે, તેમને ભાજપ, કોંગ્રેસ તથા AAP ત્રણેય પાર્ટીના નેતાઓ દ્વારા તેમની પાર્ટીમાં જોડાવવા માટે ઓફરો મળી રહી છે. પરંતુ રાજકારણમાં જવા અંગેનો નિર્ણય તેઓ સમાજના હિત મુજબ બાદમાં લેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT