PM જ્યાં મુલાકાતે આવવાના છે તે માનગઢની, જલિયાવાલા બાગ કરતાં પણ કંપારી છોડાવી દેનારી કહાની

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહિસાગરઃ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ માનવઢ હિલ કે જ્યાં આદિવાસી સમાજના સમાજ સુધારક ગોવિંદ ગુરુની ધૂણી આવેલ છે અને જ્યાં આદિવાસી સમાજની આસ્થા જોડાયેલી છે. માનગઢ ખાતે 1507 જેટલા આદિવાસી સુરમાઓ 17 નવેમ્બર 1913 ના રોજ અંગ્રેજો સામે લડત લડતા લડતા શહીદ થયા હતા અને જલિયા વાલા બાગ કરતા મોટો નર સંહાર થયો હતો અને આ સ્થળ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી નવેમ્બર ના રોજ આવશે ત્યારે આ સ્થળ ને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવામાં આવી તેવી શકયતાઓ છે જેને લઇ આદિવાસી સમાજમાં ઉત્સાહ છે. ત્યારે આ મુલાકાત પહેલા માનગઢ અંગે આવો જાણીએ, જાણીએ તેની કહાની અંગે, જાણીએ તેના બલિદાન અંગે અને જાણીએ જલિયાવાલા બાગ કરતાં પણ મોટી ઘટના અંગે.

ઘટના જલિવાવાલા બાગ સંહારને મળતી આવે છે
રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર અરાવલ્લી પર્વત શ્રુંખલામાં દફન છે અંદાજીત એક સદી પહેલા 17 નવેમ્બર 1913એ અંજામ આપવામા આવેલા બર્બરતા ભર્યા આદિવાસી નરસંહારની કહાની. ઈંડિયા ટુડીએ બાંસવાડા, પંચમહાલ, ડુંગરપુર જિલ્લાના વિસ્તારોમાં વસેલા ભીલ ગામોમાં જઈને અને મૌખિક ઈતિહાસ તથા એકેડેમિક શોધના પન્નાને પલટીને એક એવી અપરિચિત ત્રાસદીનો પર્દાફાશ કર્યો જે 13 એપ્રિલ 1919એ પંજાબમાં થયેલા જલિયાવાલા બાગ નરસંહારને મળતો આવે છે. જેમાં અંગ્રેજ જનરલ ડાયરના આદેશ પર પોલીસે 379 લોકોને ગોળીઓથી વિંધિ નાખ્યા હતા જોકે રાષ્ટ્રવાદી ઈતિહાસકારોનું માનીએ તો તેમાં માર્યા ગયેલાઓની સંખ્યા 1000થી વધુ હતી.

ગોવિંદ ગુરુએ શરું કર્યું ભગત આંદોલન
ભીલોના મૌખિક ઈતિહાસ પર વિશ્વાસ કરીએ તો માનગઢ ટેકરી પર અંગ્રેજી ફૌજે આદિવાસી નેતા અને સુધારક ગોવિંદ ગુરુના 1500 સમર્થકોને ગોળીઓથી વિંધિ નાખ્યા હતા. રાજસ્થાનના ડુંગરપુર પાસે સ્થિત વેદસા ગામના નિવાસી ગોવિંદ ગુરુ વણજારા સમાજના હતા. તેમણે 19મી શતાબ્દી પછી ભીલો વચ્ચે તેમના સશક્તિકરણ માટે ભગત આંદોલન ચલાવ્યું હતું, જેને કારણે ભીલોને શાકાહાર અપનાવવાનો હતો અને દરેક પ્રકારના માદક પદાર્થોથી દુર રહેવાનું હતું. ગુરુથી પ્રેરિત થઈને ભીલોએ અંગ્રેજોની દમનકારી નીતિઓનો વિરોધ કર્યો અને તે બાંસવાડા, સંતરામપુર, ડુંગરપુર અને કુશલગઢના રજવાડાઓ દ્વારા જબરજસ્તી કરીને કરાવવામાં આવતી બંધુઆ મજુરીના વિરોધમાં ઊભા થયા.

ADVERTISEMENT

ભીલોએ ટેકરી ખાલી કરવાની ના પાડી
એ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોના વંશજો આજે પણ એ દિવસને યાદ કરે છે અને વિવિધ બનાવો વાગોળે છે. માર્યા ગયેલાઓમાં મગન હીરા પારઘીના દાદા ધરજીનો પણ સમાવેશ થાય છે. બાંસવાડાના અમલિયા ગામનો રહેવાસી 75 વર્ષીય મગન કહે છે, મારા પિતા હીરા પારઘી, જેઓ એક દાયકા પહેલા મૃત્યુ પામ્યા હતા, તેઓ કહેતા હતા કે જ્યારે ભીલોએ ટેકરી ખાલી કરવાની ના પાડી દેતા હતા અને અંગ્રેજો તેમને તેવું કરવા માટે મનાવી શક્યા ન હતા, ત્યારે ગોળીબાર શરૂ થયો.

ADVERTISEMENT

મૃતક ભીલ મહિલાનું બાળક તેને વળગી રહ્યું
આ અસંસ્કારી ગોળીબાર એક અંગ્રેજ અધિકારીએ ત્યારે અટકાવ્યો જ્યારે તેણે જોયું કે મરી ગયેલી ભીલ મહિલાનું બાળક તેને વળગીને સ્તનપાન કરતું હતું.” બાંસવાડાના ખુટા ટિકમા ગામના 86 વર્ષીય વીરજી પારઘી જણાવે છે કે તેના પિતા સોમા તે સમયે 1913 માં ગોળીબારમાં બચી ગયા હતા. 2000 માં 110 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. તેઓ કહેતા હતા કે અંગ્રેજોએ ખચ્ચરો પર ‘તોપ જેવી બંદૂકો’ લોડ કરી હતી. ત્યારે તેઓ તેને ગોળમાં દોડાવતા અને ગોળીઓ ચલાવતા હતા. જેથી વધુથી વધુ લોકોને મારી શકાય.

ADVERTISEMENT

1500 ભીલ માર્યા ગયા
નસીબદાર સોમા બચીને નીકળી ગયા અને ઘરે પરત ફરતા પહેલા ઘણા દિવસો સુધી ગુફામાં સંતાઈ ગયા. વીરજી કહે છે, “તેઓ કહેતા હતા કે સેંકડો લોકો ગોળીઓનો ભોગ બન્યા હતા અને જેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો તેઓ પહાડીઓ પરથી પડીને માર્યા ગયા હતા.” 58 વર્ષીય ભાનજી રંગજી ગરાસિયાના દાદા ગાલા કચરાને પણ અંગ્રેજોએ ગોળી મારી હતી. બાંસવાડાના ભોંગાપુરા ગામના ભાનજી કહે છે, “મારા પિતા રંગજી તે સમયે માત્ર 11 વર્ષના હતા. 1991 માં તેમના મૃત્યુ સુધી, તે ઘણીવાર કિસ્સો કહેતા કે તે દિવસે 1,500 ભીલો માર્યા ગયા હતા.” તે જ ગામના રહેનારા 69 વર્ષીય મત્થા જિઠડા ગરાસિયાના દાદા વારસિંહ ગરાસિયા અને તેમની કાકીની તે ગોળીબારમાં હત્યા થઈ ગઈ હતી. મત્થા કહે છે કે, “આ નરસંહારથી એટલો ભય ફેલાયો હતો કે આઝાદીના ઘણા દાયકાઓ સુધી ભીલો માનગઢ જવાનું ટાળતા હતા.”

તિહાના દેહને જંગલમાં દફનાવાયો
બાંસવાડાના ટેમરવા ગામના 66 વર્ષીય ભીલ ખેડૂત લાલશંકર પારઘી આ ઈતિહાસના ટુકડાઓ એકત્ર કરવા ગામડે ગામડે ગયા છે. તેમના દાદા તિહા પણ, કે જે ગોવિંદ ગુરુના સહયોગી હતા, તે પણ આમાં માર્યા ગયા હતા. ભગત ચળવળને મજબૂત કરવા ગુરુએ સંફ સભા નામની સામાજિક-ધાર્મિક સંસ્થાની રચના કરી હતી. ગામ-ગામમાં તેના એકમો સ્થાપવામાં તિહાનો વિશેષ ફાળો હતો. જેમના પરિવારો માનગઢ ટેકરીમાં માર્યા ગયા તેવા લગભગ 250 પરિવારો પાસેથી લાલશંકરે અત્યાર સુધીમાં ઘટના વિશેની મૌખિક માહિતી એકત્રિત કરી છે, ગોળીબારમાં બચી ગયેલા છ ભીલો દ્વારા તિહાના મૃતદેહને ગામમાં લાવવામાં આવ્યો હતો. તેમને નજીકના જંગલમાં દફનાવવામાં આવ્યા હતા. પાછળથી લાલશંકરના પિતા પોંગરે અહીં એક સ્મારક બાંધ્યું અને તેનું નામ ‘જગમંદિર સત કા ચોપરા’ (જગમંદિર, સાચા ઇતિહાસનું સ્થળ) રાખ્યું.

ચળવળમાં અગ્નીદેવને પ્રતિક મનાયા
ઐતિહાસિક સંશોધનો પણ ભીલોના આ મૌખિક ઇતિહાસની પુષ્ટિ કરે છે. ગુજરાત યુનિવર્સિટીમાં ઈતિહાસ ભણાવતા 43 વર્ષીય અરુણ વાઘેલાએ કહ્યું હતું કે, ગોવિંદ ગુરુએ 1890ના દાયકામાં ભીલો વચ્ચે તેમનું આંદોલન શરૂ કર્યું હતું. ચળવળમાં અગ્નિ દેવને પ્રતિક માનવામાં આવતા હતા. અનુયાયીઓને પવિત્ર અગ્નિની સામે ઊભા રહીને પૂજા સાથે હવન (એટલે ​​કે ધૂની) કરવાનું હતું. 1903 માં, ગુરુએ તેમની ધૂની માનગઢ ટેકરી ખાતે જમાવી. તેમના આહ્વાન પર, ભીલોએ 1910 સુધી તેમની 33 માંગણીઓ અંગ્રેજો સમક્ષ રજૂ કરી હતી. જેમાં મુખ્ય માંગણીઓ અંગ્રેજો અને સ્થાનિક રજવાડાઓ દ્વારા કરવામાં આવતી બંધુઆ મજૂરી, લાદવામાં આવતા ભારે કર અને ગુરુના અનુયાયીઓ પર થતા જુલમને લગતી હતી. લાલશંકર કહે છે, “જ્યારે અંગ્રેજો અને રજવાડાઓએ આ માંગણીઓ સ્વીકારવાની ના પાડી અને તેઓએ ભગત ચળવળને તોડવાનું શરૂ કર્યું, ત્યારે ગોવિંદ ગુરુના નેતૃત્વમાં ભીલોના સંઘર્ષે નિર્ણાયક વળાંક લીધો.”

અંગ્રેજોએ આ છેલ્લો દાવપેચ પણ અજમાવ્યો
સાકજીભાઈ ડામોરના દાદા એક દાયકા સુધી ગુરુના સહયોગી હતા. તેઓ ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગરાડુ ગામના રહેવાસી હતા. તેઓ પણ માનગઢમાં માર્યા ગયા હતા. 62 વર્ષીય ડામોર કહે છે, “મારા પિતા ગેંદરભાઈ કહેતા હતા કે, માગણીઓ ફગાવી દેવાયા પછી, ખાસ કરીને મફતમાં બંધુઓની મજુરીની વ્યવસ્થાને ખત્મ ન કરવાના મામલે નરસંહારના એક મહિના પહેલા હજારો ભીલોએ માનગઢ ટેકરી પર કબ્જો કરી લીધો હતો અને અંગ્રેજો પાસે પોતાની આઝાદીનું એલાન કરવાની કસમ લીધી હતી. અંગ્રેજોએ, છેલ્લો દાવપેચ રમતા, વાર્ષીક મજુરીને માટે સવા રૂપિયાની પેશકશ કરી, પરંતુ ભીલોએ તેનો સદંતર અસ્વીકાર કર્યો.” સાકજીભાઈ તેમના પિતા દ્વારા ગાયેલા ભીલ ક્રાંતિકારી ગીતને યાદ કરીને ગણગણી ઉઠે છે, “ઓ ભુરેટિયા નઈ માનુ રે, નઈ માનુ” (ઓ. અંગ્રેજો, અમે તમારી આગળ ઝૂકીશું નહીં).

ઈન્સપેક્ટર ગુલ મહોમ્મદનું મોત અંગ્રેજોને ખટક્યું
વાઘેલા કહેતા કે અંગ્રેજોને ઉશ્કેરનારી સૌથી પહેલી કાર્યવાહી માનગઢના નજીકના સંતરામપુર મથક પર હુમલાના સ્વરૂપમાં સામે આવી. જે ગુરુના જમણા હાથ સમાન પૂંજા ધીરજી પારઘી અને તેમના સમર્થકો દ્વારા કરવામાં આવી હતી. જેમાં ઈન્સ્પેક્ટર ગુલ મોહમ્મદનું મોત થયું હતું. આ ઘટના પછી, બાંસવાડા, સંતરામપુર, ડુંગરપુર અને કુશલગઢ રજવાડાઓમાં ગુરુ અને તેમના સમર્થકોનું જોર વધતું ગયું, જેના કારણે અંગ્રેજો અને સ્થાનિક રજવાડાઓને લાગવા માંડ્યું કે હવે આ આંદોલનને કચડી નાખવું જોઈએ. દરમિયાન ભીલોને માનગઢ ખાલી કરવાની છેલ્લી ચેતવણી આપવામાં આવી હતી, જેની અંતિમ તારીખ 15 નવેમ્બર, 1913 હતી, પરંતુ તેઓએ ઇનકાર કર્યો હતો.

ભીલોને વિખેરવા હવામાં ગોળીબાર
લાલશંકર કહે છે, “ભીલોએ માનગઢ ટેકરીને કિલ્લામાં ફેરવી દીધી હતી, જેની અંદર દેશી બંદૂકો અને તલવારોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.” ભાનજી રંગજી ગરાસિયા કહે છે, “તેમણે બ્રિટિશ દળોનો સામનો કર્યો કારણ કે તેમને ગોવિંદ ગુરુની આધ્યાત્મિક શક્તિમાં સંપૂર્ણ વિશ્વાસ હતો. તેઓએ વિચાર્યું કે ગુરુની શક્તિ ગોળીઓને ભમરીમાં ફેરવી દેશે.” મેવાડ ભીલ કોર્પ્સની આગેવાની હેઠળ ત્રણ બ્રિટિશ અધિકારીઓ અને તેમના રજવાડાઓની સેનાએ સંયુક્ત રીતે માનગઢને ઘેરી લીધું અને ભીલોને વિખેરવા હવામાં ગોળીબાર કર્યો, જેણે પાછળથી એક બર્બર નરસંહારનું સ્વરૂપ લીધું. ”

વનવિભાગે પુસ્તક પ્રકાશિત કર્યું હતું
ગુજરાત વન વિભાગે ગોવિંદ ગુરુરુ ધ ચીફ એક્ટર ઓફ ધ માનગઢ રિવોલ્યુશન નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. તેમાં લખે છે કે, “હુમલા માટે ઉપયોગમાં લેવા માટે મશીનગન અને તોપો ખચ્ચર અને ગધેડા પર લાદવામાં આવી હતી અને માનગઢ અને અન્ય નજીકની ટેકરીઓ પર લાવવામાં આવી હતી. જેની કમાન બ્રિટિશ અધિકારીઓ મેજર એસ. બેઈલી અને કેપ્ટન ઇ. સ્ટોલી.ના હાથમાં હતી.” આ પુસ્તકના શોધકાર્યને સંચાલિત કરનારા પૂર્વ પ્રધાન સચિવ એસ કે નંદાએ કહ્યું હતું કે, વિભાગે આ પુસ્તકને તૈયાર કરવા માટે અધિકારીઓ, ઈતિહાસકારો અને નવા શોધાર્થિઓની મદદ લીધી હતી.

ગોવિંદ ગુરુ પકડાયા અને થઈ આજીવન કેદ
આ હુમલો કરવામાં આ વિસ્તારના ફિરંગી એજન્ટ આર.ઇ. હેમિલ્ટનનો પણ મોટો હાથ હતો. 14 ફેબ્રુઆરી, 1914ના રોજ, યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઓફ મિનેસોટાના સંશોધક રીમા હૂજાએ તેમના પુસ્તક અ હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં તત્કાલીન ઉત્તર વિભાગના કમિશનર આર.પી. બેરોનો અહેવાલ કહે છે, “ઘણા ભીલો માર્યા ગયા, ઘાયલ થયા અને લગભગ 900 જીવતા પકડાયા, જેઓ ગોળીબાર છતાં માનગઢ હિલ ખાલી કરવા તૈયાર ન હતા.” ગોવિંદ ગુરુને પકડવામાં આવ્યા, તેમના પર કાર્યવાહી કરવામાં આવી અને તેમને આજીવન કેદની સજા કરી જેલમાં મોકલવામાં આવ્યા. તેમની લોકપ્રિયતા અને સારા વર્તનને કારણે, તેમને 1919 માં હૈદરાબાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા પરંતુ તે રજવાડાઓમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યાં તેમના સમર્થકો હતા.

પુંજા ધીજીને થઈ કાલાપાની
તેઓ ગુજરાતમાં લીંબડી નજીક કંબોઈમાં સ્થાયી થયા અને 1931માં તેમનું અવસાન થયું. આજે પણ તેમના અનુયાયીઓ કંબોઈમાં આવેલા ગોવિંદ ગુરુ સમાધિ મંદિરમાં શ્રદ્ધાંજલિ આપવા આવે છે. તેના સહાયક પુંજા ધીજીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેમને કાલા પાની આપવામાં આવી હતી. જેના ઘણા વર્ષો પછી તેમના મૃત્યુની જાણકારી પ્રાપ્ત થઈ હતી. હૂજા અને વાઘેલાએ જે સરકારી રેકોર્ડ્સનો ઉલ્લેખ કર્યો હતો તેનાથી ભીલો વચ્ચે પ્રચલિત કેટલીક બાબતોની પુષ્ટી થાય છે, ચાહે તે માહિતી ખચ્ચરોની પીઠ પર તોપ મુકીને લઈ જવાની હોય કે ચાહે તે એ વાત હોય જે વીરજી પારઘીએ કહી કે પછી શાકજીભાઈ દ્વારા માનગઢ હિલ પર ભીલોના કબ્જાનું આપવામાં આવેલું વિવરણ હોય.

ગોવિંદ ગુરુ અને માનગઢ હત્યાકાંડ ભીલોની સ્મૃતિનો એક ભાગ બની ગયા
ગોવિંદ ગુરુ અને માનગઢ હત્યાકાંડ ભીલોની સ્મૃતિનો એક ભાગ બની ગયા છે. તેમ છતાં, રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર આવેલા બાંસવાડા-પંચમહાલના દૂરના વિસ્તારમાં દટાયેલી આ ઐતિહાસિક દુર્ઘટનાને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં ફૂટનોટથી વધુ કોઈ સ્થાન મળતું નહોતું. વાઘેલા કહેતા કે, “સરકારે માત્ર માનગઢ હત્યાકાંડ પર જ નહીં, પરંતુ વસાહતી સત્તા સામે ઉભરેલા સમાન આદિવાસી સંઘર્ષો પર પણ મોટા સંશોધન માટે ગ્રાન્ટ આપવી જોઈએ. જલિયાવાલા બાગ હત્યાકાંડમાં આદિવાસીઓ સાથે આવું સાવકું વર્તન શા માટે?” જોકે હવે સ્થિતિ થોડી બદલાયેલી જોઈ શકાય છે.

2013માં નરેન્દ્ર મોદીએ ગુરુના પ્રપૌત્રનું કર્યું હતું સમ્માન
ઈન્ડિયા ટુડેએ 1997માં ઉત્તર ગુજરાતના વિજયનગર નજીક પાલ-ચિતારિયામાં અંગ્રેજો દ્વારા 1922માં 1,200 આદિવાસીઓના નરસંહાર પરથી 1997માં પડદો ઉચક્યો હતો. જોકે આશાઓ પૂરી રીતે દફન નથી. ગુજરાત સરકારે વર્ષ 2013માં 31 જુલાઈએ જાહેરાત કરી હતી કે તે અંગ્રેજો સામે આદિવાસીઓની શહાદતની શતાબ્દી ઉજવશે. માનગઢ હિલ પર ગોવિંદ ગુરુના નામે બોટનિકલ ગાર્ડનનું ઉદ્ઘાટન કરવા આવેલા ગુજરાતના તે વખતના મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુના પ્રપૌત્ર માનસિંહનું પણ સન્માન કર્યું હતું. તે સમયના કાર્યક્રમમાં ઉદ્ઘાટન સમારોહમાં 80,000 થી વધુ ભીલોએ ભાગ લીધો હતો. હવે ફરી જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા છે ત્યારે વધુ એક વખત માનગઢ આવી રહ્યા છે અને અહીં વિવિધ કાર્યક્રમો અને તૈયારીઓ શરૂ કરવામાં આવશે.

(વીથ ઈનપુટઃ વિરેન જોશી)

    follow whatsapp

    ADVERTISEMENT