સૌરાષ્ટ્રમાં અનરાધાર : અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગરમાં કડાકા-ભડાકા અને ભારે પવન સાથે મેઘરાજા મંડાયા
ગુજરાતમાં આજે (23 જૂન) મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, બોટાદ અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
Rain in Saurashtra : ગુજરાતમાં આજે (23 જૂન) મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, બોટાદ અને ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરી વિસ્તારોમાં વરસાદ પડતા જ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા છે. તો અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. તો કેટલીક નદીઓ બે કાંઠે થઈ હતી. ત્યારે નદીઓના પુરમાં ખેડૂત અને ભેંસ તણાયા હતા.
જૂનાગઢમાં વરસાદનું ધમાકેદાર આગમન
સખત ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદે મોજ કરાવી દીધી છે. જૂનાગઢ પંથકમાં વરસેલા વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જૂનાગઢ, વિસાવદર, ભેંસાણ, મેંદરડા, ભેસાણ, માળીયા હાટીના, કેશોદ, વંથલી સહિત જિલ્લાભરના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. મીઠાપુરમાં દોઢથી બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો બાળકોએ રવિવારે વરસાદની મોજ માણી હતી. ગાજવીજ સાથે વરસેલા વરસાદના માહોલ વચ્ચે ગરમીમાં લોકોને હાશકારો આપ્યો.
મેંદરડામાં સૌથી વધુ વરસાદ : જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ મેંદરડામાં અને સૌથી ઓછો વરસાદ ભેસાણમાં વરસાદ પડ્યો છે. મેંદરડામાં પાંચ ઇંચ, વંથલી અને જૂનાગઢમાં બે-બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે માંગરોળ અને માણાવદરમાં માત્ર હળવા ઝાપટા પડ્યા છે. ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદથી ગરમીમાં રાહત મળતી જોવા મળી છે.
ADVERTISEMENT
વિસાવદરમાં વૃક્ષ નીચે દબાયો બાઈક સવાર : વિસાવદરના બસ સ્ટેન્ડ નજીક વૃક્ષ ધરાશાયી થયું હતી. જેમાં વૃક્ષ નીચે બાઈક સવાર દબાઈ ગયો હતો. સ્થાનિકોએ બાઈક સવારને હેમખેમ બહાર કાઢ્યો છે. ઈજાગ્રસ્ત બનેલા બાઈક સવારને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. વૃક્ષ નીચે બાઈક દબાઈ જતા ભારે નુકસાન થયું હતું.
મીઠાપુરની મધુવંતી નદીમાં ખેડૂત તણાયા : મેંદરડાના મીઠાપુરમાં નદીના પૂરમાં ખેડૂત તણાયા હતા. મીઠાપુરમાં દોઢથી બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદીમાં પુર આવ્યું હતું. ખેતરેથી ઘરે આવતા હતા ત્યારે મધુવંતી નદીના પુરમાં હરિભાઈ સવજીભાઈ કુંભાણી નામના ખેડૂત તણાયા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમર, પીએસઆઇ સહિતના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ખેડૂતને શોધવા માટે તંત્રએ કવાયત હાથ ધરી હતી. મીઠાપુરના ખેડૂત પુરમાં તણાતા સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી છે.
ADVERTISEMENT
બિલ્યા નદીમાં બે ભેંસ તણાઇ : જૂનાગઢ પંથકમાં વરસાદની તુફાની બેટીંગમાં નદીઓમાં પૂર આવતા ભેંસો તણાઈ હતી. કેશોદ તાલુકાનાં પ્રાંસ્લી ગામે બિલ્યા નદીમાં બે ભેંસ તણાઈ હતી. વહેતા પાણીમાં ભેંસો કોઝ વે પાર કરતા ભેંસો તણાઈ હતી.
ADVERTISEMENT
રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ
રાજકોટ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જિલ્લાના જેતપુર, ગોંડલ, વડિયા મેઘરાજાની પધરામણી થઈ છે. તો રાજકોટ શહેરમાં મનપાની પોલ ખુલી છે. વરસાદની શરૂઆત થતા જ શહેરમાં પાણી ભરાયા છે.
રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના 150 ફૂટ રિંગરોડ, મવડી, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઇન્દિરા સર્કલ, નાના મૌવા સર્કલ અને ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. 150 ફૂટ રિંગરોડ પર મવડી ચોકડી અને રામાપીર ચોકડી પર સામાન્ય વરસાદી ઝાપટાંમાં ગોઠણડૂબ પાણી ભરાયાં હતા. દર વર્ષે અહીંયા પાણી ભરાવાની સમસ્યા તેમ છતાં કોઈ ઉકેલ નહીં. એકાદ ઈંચ વરસાદે શહેરમાં અનેક જગ્યાએ RMCની પોલ ખોલી નાખી છે. નાના મવા સર્કલના ઓવરબ્રિજમાં બીઆરટીએસ રૂટમાં ગોઠણ ડુબ પાણી ભરાયા હતા. પાણી ભરાવાને કારણે 2 ઇલેક્ટ્રીક બીઆરટીએસ બસ બંધ પડી હતી. દર્દીને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઈ હતી. BRTS બસોના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાયા હતા. વરસાદ રહી ગયા બાદ પણ પાણી ન ઉતર્યા. જેના કારણે મુસાફરો પરેશાન થયા છે. બસમાંથી ગોઠણડૂબ પાણીમાં ઉતરીને નીકળ્યા હતા.
વડિયા પંથકમાં ધીમીધારે મેઘમહેર : વડિયા ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધારામણી થઈ. વડિયા પંથકમાં ધીમીધારે મેઘમહેર થઈ હતી. વડિયા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. લોકોને ગરમીના ઉકળાટથી હાશકારો થઈ રહ્યો છે.
ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ : ગોંડલના સીમ વિસ્તાર મોટા ઉમવાળા, નાના ઉમવાળા, અનિડા ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. અહીં ભારે પવન સાથે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું.
જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો વરસાદ : જેતપુર ગ્રામ્ય પંથકમાં બપોર બાદ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. પેઢલા, મંડલીકપૂર, ગુંદાળા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અમરેલી જિલ્લામાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘરાજાએ બેટિંગ કરી હતી. સાવરકુંડલા, ખાંભા, લાઠી, બાબરા, રાજુલા વરસાદ પડ્યો હતો. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત મેળવી છે.
અમરેલીના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ : અમરેલીના દેવળીયા, ચકરગઢ મોટા ગોખરવાળા, રાજસ્થળી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ : રાજુલાના ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. રાજુલાના ડુંગર, કુંભારીયા, દેવકા, વિક્ટર, માંડરડી, વાવેરા, દીપડીયા, ધારેશ્વર, વડલી, સારોડિયા સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સારો વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ થયા છે. ગામડાઓમાં વરસાદના પાણી રોડ પર વહેતા થયા છે.
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ : સાવરકુંડલા શહેર અને સમગ્ર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો છે. શહેરમાં પ્રથમ વરસાદની બાળકોએ મજા માણી છે. સાવરકુંડલાની નાવલી નદીમાં નવા નીરની આવક શરૂ થઇ છે. સાવરકુંડલાના ધજડી, સાકરપરા, જિક્યાલી, વીજપી, છાપરી, લીખાળા સહિત ગામોમાં મેઘો મહેરબાન થયો છે. ધજડી અને જીકયાળી ગામના ખેતરો પાણી પાણી થયા છે.
ખાંભા ગીર પંથકમાં બીજા દિવસે શરૂ ધોધમાર વરસાદ : ખાંભા ગીરના ગામડાઓ પવન સાથે વરસાદ પડ્યો છે. ખાંભાના ડેડાણ, ત્રાકુડા, મુંજીયાસર, રાણીગપરા, ભાવરડી, મોટા સરાકડીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખાંભા ગીરના ગામડામાં બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા.
બાબરા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : બાબરાના મોટા દેવળીયા, રાણપરડા અને વાવડા ગામે ધોધમાર વરસાદ પડ્યો છે. દોઢ કલાકમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દેવળીયાની પાલવો નદીમાં પુર આવતા મોટા દેવળીયા રાણપરનો રસ્તો બંધ થયો છે. બેઠાં પુલને કારણે પુલ પર વરસાદી પાણી આવી જતા રસ્તો બાધિત થયો છે. પુલ પરથી પાણી ઓછાં થયા બાદ ફરી રસ્તો શરૂ થશે. તો વાવડા ગામની બજારોમાં ગોઠણડૂબ પાણી વહેતાં થયા હતા. વાવડા ગામના ખેતરોમાં પણ ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું હતું.
લાઠીના ગ્રામીણ પંથકમાં વરસાદ : કવિ કલાપીના લાઠી ગામમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. લાઠીના માર્ગો થયા પાણીમાં તરબતર થયા હતા. દામનગર થઈ ગારીયાધાર રોડ પર આવેલા પાડર શીગા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. લાઠીના રામપરા, તાજપર, સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી ગામમાં પણ વરસાદ પડ્યો હતો.
લીલીયા પંથકમાં વરસાદની ધમાકેદાર બેટિંગ : લીલીયા ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. લીલીયાના બવાડા, બવાડી, ઇંગોરાળા ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
ઘારીના ગીર પંથકમાં ઘોઘમાર વરસાદ, શેત્રુંજીમાં આવ્યું પુર : ઘારીના ગીર કાંઠાના ગામોમાં વરસાદ પડતા ઘારીની શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ચોમાસાના પ્રથમ વરસાદે જ અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીમાં પુર આવતા લોકો ઉમટી પડ્યા હતા. ઘારીના ખોડીયાર ડેમ પણ નવા નીરની આવક જોવા મળી. ઘારીના ગીર કાંઠાના દલખાણીયા સહિતના ગામમો ઘોઘમાર વરસાદ ખાબક્યો હતો. ધારી ગીર પંથકમાં ઘોઘમાર વરસાદને કારણે ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો. મોરઝર ગામમા ધોધમાર વરસાદના કારણે કોઝવે પરથી પાણી વહેતા થયા. સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ધારીના ચાંચઈ, પાણીયા, આંબાગાળા, નક્કી મીઠાપુર, સમુહખેતી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.
ભાવનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદ
ભાવનગર પંથકમાં સમગ્ર પાલીતાણા, ગારીયાધાર, શિહોર, મહુવા સહિત તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પંથકનાં ગામોમાં વીજળીનાં કડાકા ભડાકા અને જોરદાર પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી.
ગારીયાધાર તાલુકામાં વરસાદ : ગારીયાધાર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો. ગારીયાધારનાં વીરડી, પરવડી, ડમરલા, ચોમાલ, ચોંડા સહિતનાં વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે.
પાલીતાણા શહેર અને વીરપુર વીજળી પડી : જિલ્લાનાં પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. પાલીતાણાનાં સોનપરી, ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા ડેમ, ભૂતિયા, મોટી પાણીયારી, અનિડા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. વીરપુર ગામમાં વીજ પોલ પર વીજળી પડી હતી. જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. પાલીતાણામાં શક્તિનગર વિસ્તારમાં વીજળી પડી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
પાલીતાણાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : ભાવનગરના પાલીતાણામાં નગરપાલિકાની પ્રિ-મોન્સ કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. પાલીતાણામાં પ્રથમ સારો વરસાદ વરસતા જ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા.નદીમાં કચરો ફસાતા નદીનું પાણી અટકાયું હતું. બાદમાં નગરપાલિકાનું તંત્ર દોડતું થયું હતું. પાલીતાણાના ભૈરવનાથ ચોક. ભીડભંજન રોડ, તળેટી રોડ, ગોરાવાડી, સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પ્રિ મોન્સૂન કામ માટે લાખો રૂપિયા ખર્ચવામાં તો આવે છે પણ માત્ર કાગળ પર તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
દુધાળા ગામના મુખ્ય માર્ગ પર વરસાદના પાણી ફરી વળ્યા : ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે નદીઓની માફક મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. મુખ્ય માર્ગ પર પાણી આવી જતા એક કલાક માટે દુધાળા ગામથી ગારીયાધાર-પાલીતાણા તાલુકાનો માર્ગ બંધ થયો હતો. હાલ આ માર્ગ પર પાણી ઓસરી જતા માર્ગ ખુલ્લો થયો છે. ભારે વરસાદના કારણે દુધાળા, ઘેટી, નાનીમાળ, કંજરડા, દેડરડા સહિતના ગામોમા તળાવમાં નવા નીર આવ્યા છે. આજે ભાવનગર જિલ્લાનાં પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.
ADVERTISEMENT