ઉઘરાણાનો ઉગ્ર વિરોધ: મહુવા નજીક ટોલનાકા પર 40 ગામના લોકો એકઠા થયા, ટોલમુક્તિ આપવાની માંગ

ADVERTISEMENT

Mahuva - Bhavnagar Toll Tax
મહુવા-ભાવનગર ટોલ ટેક્સ
social share
google news

Mahuva - Bhavnagar Toll Tax : ગુજરાત રાજ્યમાં 7 વર્ષમાં 24 હજાર કરોડનો ટોલટેક્સ વસુલાઈ ચૂક્યો છે. દેશમાં સૌથી વધુ ટોલટેક્સ ઉઘરાવનાર ટોપ 20 રાજ્યોમાં ગુજરાતના 5 ટોલપ્લાઝા છે. ત્યારે ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે છેલ્લા 12 વર્ષથી બની રહ્યો છે. સર્વિસ રોડ પણ નથી. સંપૂર્ણ રોડ પૂર્ણ થયા વગર મસમોટા ટોલ ઉઘરાણા શરૂ થયા છે. જેને લઈને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના 40 જેટલા ગામના લોકો લોંગડી ટોલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેનું કામ હજુ સુધી સંપુર્ણપણે પૂર્ણ થયું નથી તે પહેલા જ મહુવા તાલુકાના લોંગડી ખાતે ટોલટેક્સ શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને મહુવાથી 20 કિલોમીટરના અંતરે આવેલ લોંગડી ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવતા જ સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ શરૂ કરી દીધો છે. આ ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના અંતરના મહુવા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોને મુક્તિ મળે તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોની માંગ છે કે, નેશનલ હાઈવે દ્વારા 20 કિ.મી.ની ત્રિજ્યામાં જે ગામ આવેલા છે તેઓનો તેમજ મહુવાના શહેરીજનો તેમના આધાર કાર્ડ કે, ચૂંટણી કાર્ડ બતાવે તો તેઓની પાસેથી ટેક્સ ન લેવો અને જો ટેક્સ લેવામાં આવશે તો આગામી દિવસોમાં નેશનલ હાઇવે ઓથોરિટી સામે ટોલટેક્સ વિરોધ કમિટી હાઇકોર્ટમાં જઈને આ ટોલનાકા ઉપર સ્ટે લાવવામાં આવશે તેવી ચિમકી અપાઈ.

 

ADVERTISEMENT

આસપાસના ગામલોકોના જણાવ્યા અનુસાર, રોજ એક જ રોડ પરથી નિકળવાનું હોય છે અને ગામના સ્થાનિકો હોવાથી ટોલટેક્સ ભરવો શક્ય નથી જેને લઈ આજે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. તો અધિકારીઓએ સ્થાનિકો સાથે મિટીંગ યોજીને નિરાકરણ લાવવા સાંત્વના આપી હતી.

સ્થાનિકો સાથે હાઈવે ઓથોરિટીની યોજાઈ બેઠક

મહુવા તેમજ આસપાસના લોકોનો દિવસેને દિવસે વિરોધ ઉગ્ર થઈ રહ્યો છે. આ ટોલનાકાને લઈને રાહત આપવા માટે 10 દિવસનું અલ્ટીમેટમ અપાયું હતું. ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા અને કોંગ્રેસના વિજય બારીયા દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તા. 1 ઓગસ્ટ સુધીમાં જો આ પ્રશ્નનું નિવારણ નહીં આવે તો રોડ ચક્કાજામ કરી વિરોધ કરવાના પણ એંધાણ આપ્યા હતા. જેને લઇ આજે (1 ઓગસ્ટ) ગુરૂવારે આસપાસ વસતા લોકો અને કોંગ્રેસ દ્વારા આ ટોલનાકાનો વિરોધ કરવામાં આવ્યો. ત્યારે આજે 10 દિવસનો સમય પૂરો થતા સ્થાનિકો સાથે કોંગ્રેસ નેતા પણ પાછા ભેગા થયા હતા. આજે ફરી વિરોધનો વંટોળ શરૂ થયો હતો.  સ્થાનિકો સાથે તંત્રની મધ્યસ્થી હાઇવે ઓથોરિટી સાથે બેઠક યોજાઈ હતી. પરંતુ તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. સ્થાનિકોની માગ છે કે, ભાવનગર પાસિંગ(GJ 04)ના વાહનોને ટેક્સમાંથી મુકિત આપવામાં આવે. એક જગ્યાએથી બીજી જગ્યાએ વારંવાર જવા માટે રૂપિયા ચૂકવાય નહી પરંતુ જે સ્થાનિકો નજીકના ગામના છે તે લોકોના આધારકાર્ડ જોઈને તેમની પાસેથી ટેકસ વસૂલ કરવો ના જોઈએ.

ADVERTISEMENT

જો યોગ્ય સમાધાન નહીં આવે તો ઉગ્ર આંદોલન કરાશે

સ્થાનિકોએ કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી હાલ પૂરતું આંદોલન પૂરું કર્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે, જો સમજૂતી ન્યાય તરફ ન આવે તો આવતા દિવસોમાં ફરી ઉગ્ર આંદોલન કરાશે. આ ટોલ નાકા પર GJ04 ના વાહનો તેમજ મહુવાવાસીના આધાર કાર્ડ જોઈ ટોલટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

ADVERTISEMENT

મહુવાથી ભાવનગર જઈ આવો તો 480 રૂપિયાનો ડામ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મહુવાથી ભાવનગર જવા માટે બે ટોલટેક્સ આવે છે. જેમાં લોંગડી પર 140 રૂપિયા ટોલ ટેક્સ અને ભાવનગર નજીક 100 રૂપિયા ટોલ ટેક્સ ભરવાનો રહે છે. આમ, મહુવાથી ભાવનગર પહોંચવા માટે 240 રૂપિયાનો ટેક્સ ભરવાનો થાય છે. જો મહુવાનો વાહનચાલક ભાવનગર જઈને આવે તો તેને કુલ 480 રૂપિયાનો ટેક્સ લાગે છે. આમ, 100 કિલોમીટરમાં 480 રૂપિયાનું ઉઘરાણુ મહુવાવાસીઓ માટે મોટા ડામ સમાન છે.

ટોલનાકા નજીક આવેલા છે 20 ગામડાં

ઉલ્લેખનીય છે કે આ ટોલટેક્સની આસપાસ નાના-મોટા મળીને 15 થી 20 ગામડાંઓ આવેલા છે. ત્યારે સ્થાનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ફરજિયાત ટોલટેક્સ ક્રોસ કરવો પડે તેવી સ્થિતિ છે.

શું છે ટોલ ટેક્સનો નિયમ?

નેશનલ હાઈવે ટોલ રૂલ્સ 2008 હેઠળ કોને મુક્તિ આપવામાં આવી છે તે અંગે અમને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની વેબસાઈટ પરથી રિપોર્ટ મળ્યો છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે ટોલ બૂથથી 20 કિલોમીટરના અંતરે રહેતા લોકો, જેઓ વ્યવસાય (નોન કોમર્શિયલ) સિવાય પોતાની જરૂરિયાતો માટે વાહનોનો ઉપયોગ કરે છે, તેઓ 2007-2008 ટેરિફ દરોને આધારવર્ષ ગણીને દર મહિને રૂ. 150 ચૂકવીને આ પરમિટ મેળવી શકે છે.

જો તેમની પાસે સર્વિસ રોડ અથવા વૈકલ્પિક માર્ગ હશે તો આ પરમિટ આપવામાં આવશે નહીં તેવું પણ જણાવ્યું હતું.

રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગની વેબસાઇટ દ્વારા જાણવા મળ્યું કે આ પરમિટની માસિક ફી હાલમાં રૂ. 330 છે (2023-2024 ટેરિફ નિયમો મુજબ).

ટોલ બૂથની નજીક રહેતા લોકોને મળે છે પાસ 

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું હતું કે, "જે લોકો ટોલ બૂથની નજીક રહે છે તેમને ટોલ બૂથમાંથી પસાર થવા માટે એક પાસ એટલે કે પરમિટ બનાવી આપવામાં આવશે. તે પરમિટ માટે પણ દર મહિને રૂ.330 ફી ચૂકવવાની રહેશે."

ગુજરાતમાં 7 વર્ષમાં 24 હજાર કરોડ ટૉલ ટેક્સ વસૂલ્યો

ગુજરાતમાં છેલ્લાં સાત વર્ષમાં ટોલટેક્સથી લગભગ 24 હજાર કરોડ રૂપિયાની આવક થઇ છે. કેન્દ્ર સરાકરે રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ, ગુજરાતમાં ટોલ ટેક્સ વસૂલતા કુલ 46 પ્લાઝા છે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં 10 નવા ટોલ પ્લાઝા ખુલ્યાં છે. લોકસભામાં અન્ય એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 31 નેશનલ હાઇવે પ્રોજેક્ટ કમ્પલિશનનો એકપણ તબક્કો પૂરો કર્યા વિના પેન્ડિંગ ચાલી રહ્યા છે. છેલ્લાં 3 વર્ષમાં રાજ્યમાં 622 કિલોમીટરમાં નેશનલ હાઇવેને નુકસાન થયું છે. ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળ મુજબ, 2019થી 2022 દરમિયાન ગુજરાતમાં માત્ર નેશનલ હાઇવે પર જ 13,348 અકસ્માતોમાં 7682 લોકોનાં મોત થયા હતા. દેશમાં સૌથી વધુ કમાણી કરતાં ટોપ-20 ટોલ પ્લાઝામાંથી ગુજરાતના પાંચ છે.

આજથી FASTagના નિયમોમાં ફેરફાર થયો

દેશમાં આજથી (1 ઓગસ્ટ) નવા નિયમો લાગુ થઈ ગયા છે. નવા નિયમ પ્રમાણે, ફાસ્ટેગ માટે યુઝર્સે પોતાના FASTagની કેવાયસી પ્રક્રિયાને અપડેટ કરાવવી પડશે. નવા નિયમો હેઠળ પાંચ વર્ષ અથવા તેનાથી વધુ જૂના ફાસ્ટેગ ખાતાને ગુરુવારે પહેલી ઓગસ્ટથી બદલવો પડશે. આ માટે ફાસ્ટેગ યુઝરે પોતાના એકાઉન્ટના વીમા તારીખને તપાસવી પડશે. અને જરૂર પડયે ઓથોરિટીથી ફાસ્ટેગ કાર્ડ રિપ્લેસ કરાવવું પડશે. જૂના ફાસ્ટેગ ખાતા અમાન્ય થઈ જશે. નવા નિયમ દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં લાગુ થઈ જશે. 

આ ઉપરાંત જે ફાસ્ટેગ ખાતાને ત્રણ વર્ષ કરતાં વધુ સમય થયો છે અથવા ફરીથી કેવાયસી કરાવવાની જરૂર છે. ફાસ્ટેગ સર્વિસથી કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ 31 ઑક્ટોબર છે. ધ્યાન રાખવાની વાત એ છે કે જો પહેલી ઓગસ્ટથી ડેડલાઈનની વચ્ચે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહિ કરાય તો ફાસ્ટેગ એકાઉન્ટને બ્લેક લિસ્ટ કરાઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT