ગુજરાતમાં એક ઝાટકે 13 મેડિકલ કોલેજોમાં 80 ટકાનો તોતિંગ ફી વધારો, વાલીઓ થયા લાલઘૂમ
ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની ગુજરાતની 13 મેડિકલ કોલેજોની ફીમાં 80 ટકાનો વધારો થયો છે.
ADVERTISEMENT
Gujrat Medical College Fees Hike : ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની ગુજરાતની 13 મેડિકલ કોલેજોની ફીમાં 80 ટકાનો વધારો થયો છે. ગુજરાત સરકારે સરકારી ક્વોટાની સીટની ફી રૂ.3.30 લાખ હતી જે વધારીને રૂ. 5.50 લાખ કરી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની સીટ માટેની ફી રૂ. 9.75 લાખથી વધારીને રૂ. 17 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી છે. NRI ક્વોટા માટેની ફી 22,000 ડોલરથી વધારીને 25,000 ડોલર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફીમાં આ વધારો આ શૈક્ષણિક સત્રથી લાગુ થશે.
GMERS હેઠળ સરકારી ક્વોટાની MBBS બેઠકો માટેની ફીમાં જંગી વધારાને લઈને પેરેન્ટ્સ એસોસિએશન નારાજ છે. ફી વધારાના આ નિર્ણયને લઈને વાલીઓ અને પેરેન્ટ્સ એસોસિએશન સોસાયટી સામે ભારે નારાજ છે. તેમની માંગ છે કે આ ફી ઘટાડવી જોઈએ જેથી મિડલ કે લોઅર મિડલ ક્લાસના વિદ્યાર્થીઓ પણ તેમનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરી શકે.
ગુજરાતની મેડિકલ કોલેજોમાં આટલી સીટો
ગુજરાતમાં GMERS હેઠળ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, હિંમતનગર, પાટણ, ગોધરા, વલસાડ, નવસારી, જૂનાગઢ સહિત કુલ 13 મેડિકલ કોલેજો છે. તેમની ફીમાં 80 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. આ કોલેજોમાં સ્ટેટ ક્વોટામાં 1500, ઓલ ઈન્ડિયા ક્વોટામાં 75, મેનેજમેન્ટ ક્વોટામાં 210 અને NRI ક્વોટામાં 315 બેઠકો ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
ગત વર્ષે વિરોધને કારણે નિર્ણય પાછો ખેંચી લેવાયો હતો
તમને જણાવી દઈએ કે સરકારે ગયા વર્ષે GMERS હેઠળ 13 મેડિકલ કોલેજોમાં ફી વધારવાનો નિર્ણય પણ લીધો હતો, પરંતુ તે સમયે પેરેન્ટ્સ એસોસિએશનના વિરોધને કારણે સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. હવે આ વખતે MBBS એડમિશન પહેલા જ GMERS કોલેજની ફી વધારી દેવામાં આવી છે. પેરેન્ટ્સ એસોસિએશનનું કહેવું છે કે સરકારના આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની મેડિકલ શિક્ષણ મેળવવાની આશા ઠગારી નીવડી રહી છે. જેની પાસે 1 કરોડ રૂપિયા છે તે જ મેનેજમેન્ટ ક્વોટામાં અભ્યાસ કરી શકશે.
ફી વધવાથી હોશિયાર વિદ્યાર્થીઓને અસર થશે
ગુજરાત મેડિકલ એસોસિએશને પણ CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને GMERS કોલેજની બેઠકોની ફી વધારાનો વિરોધ કર્યો છે. GMAએ કહ્યું છે કે ગુજરાતના છેવાડાના ગામડા સુધી મેડિકલ સુવિધા આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં GMERS કોલેજમાં ફી વધારો અસહ્ય છે. આવી સ્થિતિમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસથી વંચિત રહેશે. જીએમએ સીએમને અપીલ કરી છે કે સરકાર ફીમાં ઘટાડો કરે.
ADVERTISEMENT
GMERS કૉલેજોમાં ફી વધારા મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન
આજે કોંગ્રેસ નેતાઓ અને શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને GMERS કૉલેજોમાં ફી વધારાને દુર કરવાની માંગ કરી હતી. તેમને કહ્યું કે, GMERS કૉલેજોમાં ફી વધારો યોગ્ય નથી. સમાજની સેવા માટે ડૉક્ટર બનવાની ભાવના છે. છેલ્લે કોંગ્રેસના શાસનમાં સરકારી મેડિકલ કૉલેજ મળી હતી, વર્ષ 1994-95માં ભાવનગર, રાજકોટમાં મેડિકલ કૉલેજ મળી, જે પછી આટલા વર્ષોમાં એકપણ મેડિકલ કૉલેજ ગુજરાતમાં નથી મળી. ગરીબનો દિકરો ડૉક્ટર બને તેવી વ્યવસ્થા થવી જોઇએ, ફી વધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવો જોઇએ.
ADVERTISEMENT
NSUI દ્વારા ફી વધારાનો કરાયો વિરોધ
ગુજરાત NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને GMERS દ્વારા MBBSના અભ્યાસમાં કરાયેલો ફી વધારો અટકાવવા માંગ કરાઈ છે.
ADVERTISEMENT