‘વેપારીઓ-બિલ્ડરોને પોલીસ ધમકાવે છે’- કલોલના કોંગ્રેસ ઉમેદવારની ચૂંટણીપંચમાં લેખિત ફરિયાદ
ગાંધીનગરઃ ગાંધીનગરની કલોલ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે કેન્દ્રીય ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ કરીને કલોલ પોલીસ…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગાંધીનગરની કલોલ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે કેન્દ્રીય ચૂંટણી પંચમાં લેખિત ફરિયાદ કરીને કલોલ પોલીસ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોને તથા બિલ્ડર, વેપારીઓને ધમકાવી રહી છે અને કોંગ્રેસ તરફી નહીં રહેવા, નિષ્ક્રિય થવાની વાત કરી રહી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ભાજપ પર ઘણા નેતાઓએ લગાવ્યા છે આરોપો
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં છેલ્લા કેટલાક સમયથી ગંભીર વાતાવરણ જોવા મળી રહ્યું છે. ધર્મની રાજનીતિ ઉપરાંત શાંતિમય વાતાવરણમાં મારામારી અને ગજગ્રાહનો તડકો પણ લાગી ગયો છે. ગુજરાત ભાજપ પર સતત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઘણા આરોપો લગાવાઈ રહ્યા છે કે તેઓ ચૂંટણી માટે બળ અને હિંસાનો સહારો લઈ રહ્યા છે. ગતરોજ આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પોતાની સભામાં બાળકને વાગેલા પથ્થરને લઈને ભાજપ પર પથ્થરમારો કર્યાનો આરોપ લગાવ્યો હતો. તે ઉપરાં કોંગ્રેસના દરિયાપુર બેઠકના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે પણ ચૂંટણી પંચમાં ફરિયાદ કરીને પોલીસ ભાજપ માટે કામ કરી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ તરફ હવે કોંગ્રેસના વધુ એક નેતા દ્વારા ભાજપ પર વિસ્તારના કોંગ્રેસ તરફી વ્યક્તિઓને ડરાવવાનો આરોપ લગાવ્યો છે.
#Gujarat @INCGujarat ના કલોલ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા બળદેવ ઠાકોરે કરી ચૂંટણી પંચને ફરિયાદ, કહ્યું- પોલીસનો ઉપયોગ કરી વેપારીઓ, બિલ્ડર, કોંગ્રેસના કાર્યકરોને ધમકાવાય છે તે બંધ કરાવો. પ્રાંત કચેરી સામે ઉપવાસ પર બેસવાની આપી ચીમકી#ElectionWithGujaratTak #Election2022 pic.twitter.com/Q2BjLzPQcy
— Gujarat Tak (@GujaratTak) November 27, 2022
ભાજપને લાભ કરવા આવું થઈ રહ્યું છેઃ બળદેવજી
બળદેવજી ઠાકોરના મુખ્ય ચૂંટણી એજન્ટ ગણપતસિંહ ઠાકોરે ફરિયાદમાં લખ્યું છે કે, કલોલ વિધાનસભા બેઠક પરથી બળદેવજી ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે. ચૂંટણી કોઈપણ પ્રકારે કોઈ પક્ષપાત વગર પુરી થાય તે જરૂરી છે. ચૂંટણી દરમિયાન દરેક પાર્ટીના કાર્યકર્તા ભયમુક્ત થઈને પ્રચાર કાર્ય કરી શકે તે વાત લોકશાહીના હિતમાં જરૂરી છે. છેલ્લા કેટલાક દિવસોથી મારી પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદારોને ગુજરાત પોલીસના ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ તથા અન્ય સરકારી એજન્સીઓ દ્વારા ગેરકાયદે રીતે ભાજપને લાભ કરવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના ગણમાન્ય કાર્યકરો પર ખોટી રીતે કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે અને કોઈ સામાન્ય નાગરિકોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને ધમકીઓ આપવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે જો આ ચૂંટણીમાં ભાજપની મદદ ન કરી તો તમારા ઉપર કેસ દાખલ કરવામાં આવશે અને તમને જુના કેસમાં જેલમાં બંધ કરવામાં આવશે એવી ધમકીઓ આપવામાં આવશે.
ADVERTISEMENT
‘ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે’
તેમણે ફરિયાદમાં એવું પણ લખ્યું છે કે, જે લોકો પર કોઈ કેસ દાખલ નથી તેવા કાર્યકર્તાઓને કોંગ્રેસનો પ્રચાર છોડીને ઘરમાં બેસી રહેવા માટે માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. અમારા પાર્ટીના ઘણા કાર્યકર્તાઓના ખાનગી ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે. પોલીસ અને સરકારી એજન્સીની આવી હરકતોથી સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. આ કારણે સામાન્ય નાગરિકો ભયમુક્ત થઈને મતદાન કરી શકે નહીં તેવી સંપૂર્ણ સંભાવનાઓ છે. અમારા મતવિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ (પોલીસ ઈન્સપેક્ટર) તથા જિલ્લા પોલીસ અધિકારી અને તેમના ઉપરી અધિકારી ભાજપને લાભ પહોંચાડવા માટે આ કામમાં જોડાયેલા છે. આ કારણે અમે મજબુર થઈને આપને ફરિયાદ કરી રહ્યા છીએ. અમારી ભુલ પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવે જે પણ દોષિત લાગે તેમના પર કાર્યવાહી થાય તેવી અમારી વિનંતી છે.
ADVERTISEMENT