'અમારા બાળકોને પાછા લાવવામાં મદદ કરો', નોકરી માટે થાઈલેન્ડ ગયેલા 3 યુવકોનું એરપોર્ટથી અપહરણ

ADVERTISEMENT

mahisagar news
મહિસાગર ન્યૂઝ
social share
google news

ગુજરાતના લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે. કેટલાક તો ચોરી છુપીથી કરોડો રૂપિયા ખર્ચીને વિદેશ જાય છે અને પોતાનો જીવ ગુમાવે છે અથવા તો તેઓનું અપહરણ કરી પૈસા માંગવામાં આવે છે. અત્યાર સુધીમાં આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે રાજ્યમાં વધુ એક આવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં ત્રણ ગુજરાતી યુવાનોનું વિદેશમાં અપહરણ થયું હોવાનું સામે આવતા પરિવારમાં ચિંતાનો માહોલ છવાયો છે. 

પૈસા કમાવવા ગયા થાઈલેન્ડ

મળતી માહિતી અનુસાર, મહિસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે રહેતા એક જ પરિવારના  ફૈઝલ શેખ, સકલેન શેખ અને વસીમ શેખ નામના ત્રણ યુવકો નોકરી કરવા માટે થાઈલેન્ડ ગયા હતા. પૈસા કમાવવાની લાલચમાં આ ત્રણેય યુવાનો 26 જૂનની રાતે અમદાવાદ એરપોર્ટથી થાઈલેન્ડ ગયા હતા. થાઈલેન્ડ પહોંચ્યા બાદ આ ત્રણેય યુવાનોના કોઈ સમાચાર ન આવતા પરિવાર ચિંતિત બન્યો હતો. 

ત્રણેયનું એરપોર્ટથી અપહરણ

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, બે દિવસ બાદ એટલે કે ગત 28 જૂનના રોજ એક ઈન્ટરનેટ કોલ આવ્યો હતો કે તમારા ત્રણેય બાળકોને બેંગકોક એરપોર્ટ ઉપરથી અજાણ્યા વ્યક્તિઓ બંદૂક બતાવીને ઉઠાવી ગયા છે અને ત્યાંથી તેમને મ્યાનમારની બોર્ડર ક્રોસ કરીને લઈ ગયા છે. તેમનો બધો સામાન પણ લઈ લીધો છે. 

ADVERTISEMENT

અજાણ્યા યુવકે નોકરીની આપી હતી લાલચ

પરિવારના જણાવ્યા અનુસાર, ફૈઝલ શેખ, સકલેન શેખ અને વસીમ શેખ 14 માર્ચ 2024ના રોજ યુરોપના અર્મેનીયા નોકરી કરવા ગયા હતા. જ્યાં તેમનો કોઈ અજાણ્યા શખ્સ સાથે સંપર્ક થયો હતો, તેણે આ ત્રણેયને વધુ પૈસા કમાવવા હોય તો થાઈલેન્ડમાં સારી નોકરી છે તેવું જણાવ્યું હતું. અમારા બાળકો આ શખ્સની વાતમાં આવી ગયા હતા અને ત્રણેય 25 જૂને ભારત પરત ફર્યા હતા. જે બાદ ત્રણેય 26 જૂને રાત્રે અમદાવાદ એરપોર્ટથી થાઈલેન્ડ ગયા હતા.  

પરિવારે મદદ માટે કરી વિનંતી

થાઈલેન્ડ ગયેલા ત્રણ યુવાનોમાંથી એક યુવકની પત્ની સબાનાએ જણાવ્યું કે તેમના પતિની સાથે તેમના બે ભાઈઓ થાઈલેન્ડ ગયા હતા અને હવે અમે સરકારને એક જ વિનંતી કરીએ છીએ કે તેમને પરત લાવવામાં અમારી મદદ કરો.

ADVERTISEMENT


ઈનપુટઃ વિરેન જોશી, મહિસાગર

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT