Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પર વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ફાઈનલ થઈ ગયા છે. થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હવે ગેનીબેનને જ કોંગ્રેસ બનાસકાંઠાથી ટિકિટ આપશે તે કન્ફોર્મ થઈ ગયું છે. પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ફેસબુક પર ગેનીબેન સાથે ફોટો પોસ્ટ કરીને શુભેચ્છા પણ પાઠવી છે. જોકે, હજુ સુધી કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતમાં કોઈ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા નથી.
ADVERTISEMENT
ગુલાબસિંહ રાજપૂતે કરી સો.મીડિયા પર પોસ્ટ
થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે તેમની પોસ્ટમાં લખ્યું છે કે, 'આગામી લોકસભાની ચૂંટણી સબબ બનાસકાંઠા લોકસભા બેઠકના કોગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે વાવના લોકપ્રિય અને પ્રજા સાથે જોડાયેલા વાવના ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર આગામી લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આપ સૌ બનાસકાંઠા જિલ્લાના લોકો વચ્ચે હંરહમેશ હાજર રહેતા ગેનીબેન એ સર્વ સમાજના લોકપ્રિય નેતા છે તથા ઈતર સમાજનો મજબૂત અવાજ છે. આપણા જિલ્લાના પડતર પ્રશ્નો ખેડૂતો,યુવાનો અને મહિલાઓ ના અધિકારો માટે હમેશા વિધાનસભા તથા મીડિયામાં ધારદાર રજૂઆતો કરી ન્યાય અપાવવામાં હંમેશા અગ્રેસર રહેલ છે. તેઓ સંસદમાં મજબુતાઈ સાથે અવાજ પહોંચાડશે તે નિશ્ચિત છે.'
બનાસકાંઠાની જનતાને કરી અપીલ
ગુલાબસિંહ રાજપૂતે વધુમાં લખ્યું છે કે, 'આપ સૌ બનાસકાંઠા જિલ્લાના ભાઈઓ/બહેનોને નમ્ર વિનંતી કે આપ સૌ સમગ્ર જિલ્લામાં મેહનત કરીને આપણા સ્થાનિક અને સર્વ સમાજ અને ઈતરકોમના મજબૂત અવાજ એવા ઉમેદવાર બનાસના બેન ગેનીબેનને ભવ્ય વિજય અપાવશો એવી આશા.'
ગેનીબેન ઠાકોરે લોકોને કરી હતી અપીલ
તો આ પહેલા ગેનીબેન ઠાકોરે લોકોને પોતાના અંદાજમાં અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આપણી પાસે ક્યાં મોટી મોટી ગાડીઓ છે, તમારી પાસે જે હોય તે લઈને ફોર્મ ભરવા સમયે આવજો. આપણી પાસે હોન્ડા હોય તો હોન્ડા, રિક્ષા હોય તો તે અને ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર લઈને આવજો. સાથે બહેનોને પણ જોડાવા માટે આહ્વાન કર્યું હતું અને કહ્યું કે-આપણે ઢોલનગારા સાથે ફોર્મ ભરવાનું છે ઢીલું-પોચું નથી ભરવાનુ.
આ પણ વાંચોઃ '... બસ મારા આ બે રૂડા પ્રસંગને સાચવી લેજો' લોકસભાની યાદીમાં નામ જાહેર થાય તે પહેલા ગેનીબેનનો હુંકાર
'મારા બે રુડા પ્રસંગને સાચવી લેજો'
વધુમાં તેમણે હુંકાર કરતાં જણાવ્યું હતું કે, આપણે દીકરીને ત્યાં પહેલું મામેંરું લઈને જતાં હોય તે જ રીતે તમારે આ મારું પહેલું મામેરુ છે એવી રીતે કડાધડાનું મામેરું ભરવાનું છે. જો મતદારો એમ કહે કે, બેને તો બે વાર ભર્યુ છે પણ તમારા જિલ્લામાં તો પહેલીવાર જ ભરવાનું છે. મારો મત વિસ્તાર બનાસકાંઠા જ છે અને આપણા હરીફ મહેમાન ઉમેદવારનો મત વિસ્તાર વડગામ છે, એ પાટણ જિલ્લામાં આવે છે એટલે અઢારે આલમ પાસે મામેરાની હું જ સાચી હકદાર છું. આ મામેરામાં હું કંઈ તમારી પાસે પૈસા, હીરા-મોતી કે કોઈ કિંમતી વસ્તુ નથી માંગતી હું ફક્ત બે જ દિવસ માંગુ છું. એક દિવસ તો ફોર્મ ભરવાનું છે તે અને બીજો દિવસ મતદાન કરવા આવો ત્યારે 80થી 90 ટકા મતદાન થાય. બસ મારા આ બે રૂડા પ્રસંગને સાચવી લેજો.
હાઈકમાન્ડ દ્વારા અપાઈ સૂચના
આપને જણાવી દઈએ કે, હજુ સુધી સત્તવાર રીતે કોંગ્રેસ દ્વારા ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક નેતાઓને હાઈકમાન્ડ દ્વારા ફોન કરીને તૈયારીઓ શરૂ કરી દેવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં ગેનીબેન, લલિત વસોયા, ચંદનજી ઠાકોર, જેનીબેન ઠુમ્મરનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT