મહાઠગ કિરણ પટેલે સુરતના હીરા વેપારીને પણ ન છોડ્યા, G-20ના નામે જુઓ કેવી રીતે છેતરી નાખ્યા

Yogesh Gajjar

19 Mar 2023 (अपडेटेड: Mar 19 2023 7:10 AM)

સંજયસિંહ રાઠોડ/સુરત: ગુજરાતમાં અમદાવાદના રહેવાસી કિરણ પટેલે PMOમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતાં હોવાનો દાવો કરીને ગુજરાત અને દેશ ભરમાં કેટલા લોકોને છેતર્યા હશે. કિરણ…

gujarattak
follow google news

સંજયસિંહ રાઠોડ/સુરત: ગુજરાતમાં અમદાવાદના રહેવાસી કિરણ પટેલે PMOમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતાં હોવાનો દાવો કરીને ગુજરાત અને દેશ ભરમાં કેટલા લોકોને છેતર્યા હશે. કિરણ પટેલની મીડિયાથી લઈને સોશ્યલ મીડિયામા પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. કારણ કે તેનો ભાંડો ફૂટી ગયો છે. ભાંડો ફૂટતા કિરણ પટેલ હાલ જમ્મુ કાશ્મીરની પોલીસ કસ્ટડીમાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને છેતરીને જમ્મુ કાશ્મીરમાં Z+ સિક્યોરિટી લઈને ફરતા આ મિસ્ટર નટવરલાલ કિરણ પટેલે સુરતના ડાયમંડ કારોબારી દિનેશ ભાઈ નાવડિયાને પણ પોતાની જાળમાં ફસાવ્યા હોવાનો ખુલાસો ખુદ દિનેશ ભાઈ નાવડિયાએ મીડિયા સમક્ષ કર્યો છે.

આ પણ વાંચો

સુરતના હીરા વેપારીને કિરણ પટેલે G-20નું આમંત્રણ મોકલ્યું હતું
PMOના નકલી અધિકારી કિરણ પટેલે સુરતના ડાયમંડ કારોબારી દિનેશ નાવડીયાને જી-20 માં ભાગ લેવા માટે વોટસઅપ ઉપર ઇન્વિટેશન કાર્ડ મોકલ્યું હતું અને કહ્યું હતું કે જી-20 ની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એમને સોંપવામાં આવી છે. આ આમંત્રણ મળ્યા બાદ દિનેશ ભાઈ નાવડિયા એ કિરણ પટેલને કહ્યું હતું કે, તેમને ડાયમંડના કામ અર્થે વિદેશ જવાનું હોવાથી તેઓ જી-20માં નહીં આવી શકે. ત્યારે કિરણ પટેલ એમને કહ્યું હતું કે, રાજ્ય સરકારના એસીએસ ડોક્ટર એસ.કે.નંદા એ પણ આપને આવવા માટે આગ્રહ કર્યો છે. દિનેશ ભાઈ કિરણ પટેલની આ વાત સાંભળીને પીગળી ગયા હતા અને જી-20માં ભાગ લેવા માટે તૈયાર પણ થઈ ગયા હતા.

આ પણ વાંચો: MLA ક્રિકેટ લીગ: અલ્પેશ ઠાકોર સાબરમતી ટીમના, તો હાર્દિક પટેલ આ કેપ્ટન બન્યા, CM કઈ ટીમમાં રમશે?

કિરણ પટેલનો ભાંડો ફૂટતા હીરા વેપારીએ કર્યો ખુલાસો
કિરણ પટેલનો ભાંડો જમ્મુ કાશ્મીરમાં ફૂટતા હવે તેઓ પણ મીડિયાની સામે આવ્યા છે અને કહ્યું છે કે, આ કિરણ પટેલે એમને પણ PMOના અધિકારી હોવાની માહિતી આપી હતી અને જી-20 માં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. PMOના અધિકારી બનીને કિરણ પટેલે દિનેશભાઈ નાવડીયા ને વોટ્સએપ પર મોકલેલા આમંત્રણ કાર્ડમાં ગુજરાત સરકારના કેટલાક અધિકારીઓના ફોટા સાથે સાથે ખુદ દિનેશભાઈ નાવડીયાનો ફોટો વાળો આમંત્રણ કાર્ડ પણ એમને મોકલ્યું હતું. જી-20 માં ભાગ લેવા માટે દિનેશ નાવડિયાને મળેલા આમંત્રણને લઈને એમને પોતાની બેલ્જિયમ જવાની જે ટિકિટ હતી એમાં પણ ફેરબદલ કરી હતી.

કિરણ પટેલે ભારતના કોઈપણ રાજ્યમાં કામ કરી આપવાની ખાતરી આપી હતી
દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, આ આમંત્રણ મળ્યા પછી તેઓ એક કામ અર્થે ગાંધીનગર ગયા હતા અને આ દરમિયાન કિરણ પટેલનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે આપ ગાંધીનગરમાં છો તો હું પણ ગાંધીનગરમાં છું અને આપણે બપોરે સાથે જમીશું આપ ના નહીં પાડતા. કિરણ પટેલની આ વાત સાંભળીને દિનેશભાઈ નાવડીયા કિરણ પટેલની વાતમાં આવી ગયા હતા અને તેઓ બપોરે જમવા માટે ગયા હતા. ત્યારે હોટલના મેનેજર અને સ્ટાફ દિનેશભાઈ નાવડીયાનું સ્વાગત કરવા માટે પહેલાથી જ ત્યાં ઊભા હતા અને જ્યારે કિરણ પટેલે હોટલ ઉપર એન્ટ્રી કરી હતી ત્યારે હોટલના સ્ટાફે એમને સેલ્યુટ કર્યું હતું અને કહ્યું હતું સાહેબ કેટલા દિવસ પછી આપ અહીંયા આવ્યા છો કેમ આવતા નથી ત્યારે એમને હોટલે સ્ટાફને કહ્યું હતું કે અત્યારે હું બહુ વ્યસ્ત રહું છું અને PMO દ્વારા એમને કાશ્મીરનો વિકાસ કરવા માટે જવાબદારી આપી છે તેઓ કોઈપણ કામ કરવા માટે સ્વતંત્ર છે. કિરણ પટેલે દિનેશ નાવડીયાને એ પણ જણાવ્યું હતું કે, ભારતના કોઈપણ સ્ટેટનું કામ તમારે કરાવવાનું હોય તો તેઓ એમને સંપર્ક કરી શકે છે.

જમ્મુ-કાશ્મીરમાં પણ તાજ હોટલમાં ચા પીવા મળ્યા હતા
દિનેશભાઈએ ફેબ્રુઆરી મહિનામાં જમ્મુ કાશ્મીર ફરવા જવાના હોય એ વાત એમને કિરણ પટેલને કરી હતી. ત્યારે કિરણ પટેલે પણ કહ્યું હતું કે તેઓ પર જમ્મુ કાશ્મીર જવાના છે. બંને જણા એક જ તારીખે જમ્મુ કશ્મીર પહોંચ્યા હતા. દિનેશભાઈ જમ્મુ કાશ્મીરની તાજ હોટલમાં રોકાયા હતા ત્યારે કિરણ પટેલે ફોન કર્યો હતો કે સરકાર દ્વારા તેમનું બુકિંગ લલિત હોટલમાં કરાવવામાં આવ્યું છે. કિરણ પટેલ ચા પીવા માટે સવારમાં જ્યારે તાજ હોટલ પર પહોંચ્યો હતો ત્યારે એમની આગળ જમ્મુ કાશ્મીર પોલીસના જવાનો ચાલી રહ્યા હતા, બે મીલેટરીની ગાડીઓ ચાલી રહી હતી અને બુલેટ પ્રૂફ ગાડી પણ ચાલી રહી હતી. દિનેશભાઈ નાવડીયા કિરણ પટેલની આ સિક્યુરિટીને જોઈને પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા પણ એમને વિચાર્યું હતું કે PMO દ્વારા એમને જમ્મુ કાશ્મીર ડેવલપ કરવાની જે જવાબદારી સોંપી છે બની શકે છે કે અમને આટલી મોટી સુરક્ષા આપવામાં આવી હશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp