Surat News: ગ્રીષ્મા જેવી ઘટના થતા રહી ગઈ, ‘મારો ફોન કેમ નથી ઉપાડતી’ કહી યુવકે યુવતીના ગળે છરી ફેરવી

Yogesh Gajjar

• 05:21 AM • 08 Feb 2024

સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ મિત્ર સાથે જતી યુવતી પર છરીથી હુમલો કર્યો. ‘મારો ફોન કેમ નથી ઉપાડતી’ કહીને યુવકે હુમલો કરતા યુવતીની આંખ,…

Surat News

Surat News

follow google news
  • સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ મિત્ર સાથે જતી યુવતી પર છરીથી હુમલો કર્યો.
  • ‘મારો ફોન કેમ નથી ઉપાડતી’ કહીને યુવકે હુમલો કરતા યુવતીની આંખ, હાથ અને ચહેરા પર ઈજા.
  • સ્થાનિક લોકોએ યુવકને પકડી લેતા યુવતીનો જીવ જતા રહી ગયો.

Surat Crime News: સુરતમાં ફરી ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ. શહેરના કાપોદરા વિસ્તારમાં યુવકે યુવતીના છરીના ઘા માર્યા હતા. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ ‘મારો ફોન કેમ નથી ઉપાડતી’ કહીને હુમલો કર્યો હતો, જોકે સ્થાનિકોએ હિંમત કરીને યુવકને ઝડપી લીધો હતો અને બાદમાં પોલીસ સોંપી દીધો હતો. હુમલામાં યુવતીને આંખ, મોઢા અને હાથના ભાગમાં ઈજા પહોંચી હતી. આ મામલે યુવક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આરોપી યુવક અને યુવતી બંને સાથે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા.

આ પણ વાંચો

મિત્ર સાથે જતી યુવતી પર પાગલ પ્રેમીનો હુમલો

વિગતો મુજબ, સુરતના કાપોદરામાં 19 વર્ષની યુવતી પોતાના કોલેજના મિત્ર સાથે બપોરે બાઈક પર ઘરે આવી રહી હતી. આ દરમિયાન રીક્ષામાં રુતિક વસાવા નામનો યુવક આવ્યો હતો. તેણે પહેલા બાઈકને લાત મારીને યુવક અને યુવતીને નીચે પાડી દીધા અને બાદમાં છરી કાઢીને આરોપી રૂતિકે યુવતી પર હુમલો કરી દીધો હતો. ‘મારા ફોન કેમ ઉપાડતી નથી’ કહીને આરોપી યુવતીને છરી મારવા લાગ્યો. જોકે યુવતીએ બુમાબુમ કરતા નજીકના લોકો એકઠા થઈ ગયા હતા અને હુમલાખોર યુવકને ઝડપી લીધો હતો.

સ્થાનિક લોકોએ યુવતીને બચાવી લીધી

આ હુમલામાં યુવતીને આંખ, હાથ તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટોળાએ હુમલાખોર યુવકને પકડીને હાથમાંથી ચપ્પુ છીનવી લીધું હતું અને તેને માર મારીને પોલીસને જાણ કરી હતી. બાદમાં આરોપીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસમાં ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે લોકોની હિંમતના કારણે સુરતમાં વધુ એક ‘ગ્રીષ્મા’નો જીવ જતા બચી ગયો હતો.

આરોપી યુવકને પોલીસે કર્યો જેલ હવાલે

આરોપી યુવક હીરાના કારખાનામાં મજૂરી કામ કરે છે અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરાયો હતો. યુવક યુવતીના પ્રેમમાં એક તરફી પાગલ હતો. યુવતીના પિતાએ જણાવ્યું કે, લોકોની હિંમતના કારણે મારી દીકરીનો જીવ બચી ગયો. યુવક તેને મારી નાખવાનો હતો. આ યુવક મારી દીકરીને ઘણા સમયથી પરેશાન કરતો હતો પરંતુ તેણે ઘરમાં આ વાત નહોતી કરી. બંને સ્કૂલમાં ભણતા હતા ત્યારથી એકબીજાને ઓળખતા હતા.

    follow whatsapp