અમદાવાદ: સુરતના 27 વર્ષના યુવકનું અકસ્માતમાં મોત થઈ જતા બ્રેઈનડેડ યુવકના પરિવારે તેના અંગદાનનો સરાહનીય નિર્ણય લીધો હતો. યુવકના અંગદાનથી 3 જેટલા દર્દીઓને નવજીવન મળ્યું હતું. જેમાં અમદાવાદમાં જ બે કિડની અને એક સ્વાદુપિન્ડનું ટ્રાન્સપ્લાન્ટ દર્દીઓમાં કરવામાં આવ્યું હતું.
27 વર્ષના યુવકનું અકસ્માતે મોત થયું હતું
મૂળ સુરતના 27 વર્ષીય સદામ પઠાણનો અકસ્માત થતા તેને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પરિવારના સભ્યોએ સદામનું અંગદાન કરવાનો સરાહનીય નિર્ણય લેતા ડોક્ટરને જણાવ્યું હતું. જે બાદ ડોક્ટર્સની તપાસ પછી સદામની બે કિડની અને સ્વાદુપિંડનું અંગદાન કરવામાં આવ્યું હતું. સદામના પરિવારે લીધેલા આ અંગદાનના નિર્ણયથી કુલ 3 દર્દીઓને નવજીવન મળ્યું હતું.
કિડની અને સ્વાદુપિંડનું દર્દીઓમાં કરાયું પ્રત્યારોપણ
જેમાં 2016માં કિડની સરખી કામ ન કરતા પીડાતા બાલુભાઈને મળી હતી. બાલુભાઈએ 2019માં કેડેવર ડોનર પ્રોગ્રામ માટે નોંધણી કરાવી હતી. તેઓ AMCમાં નોકરી કરે છે. તેમને કિડની આપવા માટે પત્ની તૈયાર હતા, પરંતુ તેમનો ડાયાબિટીસ ટેસ્ટ પોઝિટિવ આવતા ડોક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટ નકારી દીધું હતું. ત્યારે હવે સદામની કિડનીનું બાલુભાઈમાં પ્રત્યાર્પણ કરાતા તેમને આખરે નવું જીવન પ્રાપ્ત થયું છે.
આવી જ રીતે વડોદરામાં પણ 39 વર્ષના દિવ્યાંગ દર્દીમાં પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. તે 2012થી કિડનીની સમસ્યાથી પીડાતા હતા. જ્યારે અન્ય એક દર્દીમાં સ્વાદુપિંડનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.