હસમુખ પટેલ, સાબરકાંઠા: ધરોઈ જળાશય ઉપર ગુજરાત મત્સ્ય ઉદ્યોગના કમિશ્નર નીતિન સાગવાન ઉપર થયેલા હુમલાના પગલે સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જોકે વડાલી પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે તેમજ અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર ઉત્તર ગુજરાત ની જીવાદોરી સમાન ધરોઈ જરાશય યોજનામાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ ગેર રીતીઓ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત થઈ હતી. જેને પગલે ગુજરાત મત્સ્ય ઉદ્યોગના કમિશનર નીતિન સાગવાન ત્રણ દિવસ પહેલા ધરોઈ જરાશય યોજના ખાતે તપાસથી આવ્યા હતા. જ્યાં તેમના ઉપર ગેરરીતિ આચરનારાઓએ અચાનક હુમલો કરતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે સ્થાનિક કક્ષાએ ગેરરીતિ કરનારાઓનું ટોળું એકઠું થઈ ગયું હતું અને અચાનક આરોપીઓએ એક મત થઈ ગુજરાત મત્સ્ય ઉદ્યોગના કમિશનર સહિત ધરોઈ જરાશય યોજના ના જવાબદાર અધિકારીઓ ઉપર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયા હતા જેના પગલે તેમને ગાંધીનગર હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા જોકે આ મામલે વડાલી પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત માટેની તજવીજ હાથ ધરતા પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે.
આરોપી પણ હોસ્પિટલમાં થયા દાખલ
અન્ય પાંચ જેટલા આરોપીઓની સામે નામજોગ ગુનો નોંધી તેમની સામે તપાસ આદરી છે. કરોડો રૂપિયાનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે ત્યારે આરોપીઓ પણ હુમલો કર્યા બાદ ક્લાસ વન કેડરના અધિકારી ની ફરિયાદ પહેલા આરોપીઓ પણ ગાંધીનગર- અમદાવાદ હાઈવે પર આવેલી હોસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યા છે. ત્યારે નિતીન સાગવાન ઉપર હુમલો કરનારાઓ બાકીના આરોપીઓ હાલમાં ભૂગર્ભમાં ઊતરી ગયા છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા આગામી સમયમાં આ મામલે આરોપીઓની ઝડપી લેવા વધુ કમર કસવી પડે તો નવાઈ નહીં.
જાણો શું છે મામલો
ધરોઈ જળાશય ખાતે ફિશરીઝની સબસિડીને લઈ ઈન્સ્પેક્શન માટે ફિશરીઝ કમિશ્નર પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલીક અનિયમીતતાઓ ધ્યાને આવતા એ અંગે શંકાઓ ઉપજતા ફિશરીઝ મંડળીઓના સંચાલકોને પૂછપરછ કરી હતી અને પૂર્તતા કરવા જણાવ્યુ હતુ. આ દરમિયાન ઉશ્કેરાયેલા એક શખ્શે પગમાં બચકુ ભરી લીધુ હતુ અને બાદમાં ફોન ઝૂંટવીને હુમલો કર્યો હતો. આરોપી શખ્શોએ ઈન્સ્પેક્શન કરી રહેલા અધિકારી નિતીન સાંગવાનને જીવતા પાણીથી બહાર જવુ હોય તો માફીનામુ લખી આપવા માટે ધમકીઓ આપી હતી. આરોપીઓએ અધિકારીને ડેમના પાણીમાં નાંખી દેવાની ધમકીઓ આપી હતી. જીવતા બહાર જવુ હોય તો લખાણ લખાવી લીધુ હતુ કે, આ મામલે સમાધાન થઈ ગયેલ છે અને જેની પોલીસમાં ફરિયાદ કરીશ નહીં.સાંગવાનને બળજબરી પૂર્વક લખાણ લખાવીને તેની પર સહીઓ કરાવી લીધી હતી. આરોપી શખ્શોએ આ દરમિયાન વધુ 10 થી 12 અધિકારીઓને બોલાવીને પાણીમાં ધાકધમકીઓ આપીને લખાણ લખાવ્યુ હતુ.
વડાલી પોલીસે આ મામલે ગુનો નોંધી પાંચ જેટલા આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરી છે તેમજ ત્રણ આરોપીઓની હાલમાં અટકાયત કરી છે જોકે અન્ય આરોપીઓને ઝડપી લેવા પોલીસે અત્યારથી ચક્રો ગતિમાન કર્યાં છે
પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓની યાદી
- નિલેશભાઈ હરિભાઈ ગમાર
- દિલીપભાઈ ઉજ્માભાઈ પરમાર
- વિષ્ણુભાઈ રેશમાભાઈ ગમાર