T20માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કોણ કરશે? ગૌતમ ગંભીરે જણાવી દીધું તેને કેવો કેપ્ટન જોઈએ
હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ જેવા સિનિયર ખેલાડીઓ શ્રીલંકા પ્રવાસથી પરત ફરવાના છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ ભારતીય T20 ટીમના નવા કેપ્ટનને લઈને થશે.
ADVERTISEMENT
Team India New T20 Captain: ભારતીય ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ભારતના ટ્રોફી જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું. આ સાથે જ વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ પણ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. હવે ફેન્સના મનમાં સવાલ એ છે કે ભારતની T20 ટીમનો આગામી કેપ્ટન કોણ હશે? તાજેતરના ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો, જેના કારણે શુભમન ગિલે કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી.
T20માં કોણ બનશે નવો કેપ્ટન?
હવે હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ જેવા સિનિયર ખેલાડીઓ શ્રીલંકા પ્રવાસથી પરત ફરવાના છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ ભારતીય T20 ટીમના નવા કેપ્ટનને લઈને થશે. BCCI અને નવા મુખ્ય કોચ ગંભીર 2026 સુધીના આગામી T20 વર્લ્ડ કપ માટે કેપ્ટનની શોધમાં છે. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા T20 માટે કેપ્ટનશિપની રેસમાં સૌથી આગળ છે. જો રોહિત શર્મા શ્રીલંકા પ્રવાસમાંથી બહાર થવાનો નિર્ણય લે છે, તો વનડે શ્રેણી માટે પણ કેપ્ટનની શોધ કરવી પડશે. આ માટે કે.એલ રાહુલનું નામ સૌથી આગળ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે રોહિતની જગ્યાએ ટી-20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવનું નામ સૂચવ્યું છે. જો કે નોંધનીય છે કે ગંભીરે સૂર્યાનું નામ સીધું નથી લીધું, પરંતુ તેણે સ્પષ્ટ કર્યું કે તે એવા કેપ્ટનને પ્રાથમિકતા આપશે જેના માટે વર્કલોડ મેનેજમેન્ટ ચિંતાનો વિષય નથી.
ADVERTISEMENT
ગંભીરનો નામ લીધા વગર સૂર્યા તરફ ઈશારો?
BCCIના એક અધિકારીએ અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે, 'ગંભીરે સીધા સૂર્યાની તરફેણમાં વાત નથી કરી, પરંતુ તેણે સ્પષ્ટ કર્યું છે કે તે એવા કેપ્ટન સાથે કામ કરવા માંગે છે જેના વર્કલોડ મેનેજમેન્ટ તેના માટે અડચણ ન બને.' આ બાબતો સૂચવે છે કે ગંભીર કદાચ હાર્દિકને કેપ્ટન બનાવવાના પક્ષમાં નથી.
પસંદગી સમિતિમાં પણ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવો કે નહીં તે અંગે કોઈ સહમતિ નથી. હાર્દિક ટી20 વર્લ્ડ કપ 2024માં વિજેતા ટીમનો વાઇસ કેપ્ટન રહી ચૂક્યો છે. એવી પણ દલીલ કરવામાં આવી રહી છે કે IPLમાં ખરાબ પ્રદર્શન બાદ વર્લ્ડ કપમાં હાર્દિકનું વ્યક્તિગત પ્રદર્શન સારું રહ્યું હતું. જો કે, હાર્દિકની તરફેણમાં સૌથી નકારાત્મક પાસું તેની વારંવારની ઇજાઓ છે. ગયા વર્ષે ODI વર્લ્ડ કપ દરમિયાન હાર્દિક ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તે લગભગ 6 મહિના સુધી ક્રિકેટિંગ એક્શનથી દૂર રહ્યો. આ પહેલા પણ હાર્દિક ઈજા સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે.
ADVERTISEMENT
પ્રથમ T20 મેચ શ્રીલંકા સામે રમાશે
ભારતીય ટીમે શ્રીલંકા પ્રવાસ પર ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ રમવાની છે. ભારતીય ટીમ 27મી જુલાઈથી શ્રીલંકા પ્રવાસની શરૂઆત કરશે. શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમ 12 દિવસમાં મેચ રમશે. પહેલા ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે. પ્રથમ ટી20 27મીએ, બીજી ટી20 28મીએ અને છેલ્લી ટી20 મેચ 30મી જુલાઈએ રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાથી પલ્લેકલેમાં રમાશે.
ADVERTISEMENT
ત્યારપછી બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે શ્રેણી રમાશે. પ્રથમ વનડે મેચ 2જી ઓગસ્ટે રમાશે. ત્યાર બાદ બાકીની બે વનડે મેચો 4 અને 7 ઓગસ્ટે રમાશે. ત્રણેય ODI મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. 50-50 ઓવરની આ વન-ડે મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.
ભારત-શ્રીલંકા મેચનું ટાઈમટેબલ
- 27 જુલાઈ- 1લી T20, પલ્લેકલે
- 28 જુલાઈ - બીજી ટી20, પલ્લેકલે
- 30 જુલાઇ- ત્રીજી T20, પલ્લેકેલે
- 2 ઓગસ્ટ- 1લી ODI, કોલંબો
- 4 ઓગસ્ટ- બીજી વનડે, કોલંબો
- 7 ઓગસ્ટ- ત્રીજી ODI, કોલંબો
ADVERTISEMENT