KKR vs SRH: રિંકુ સિંહની તોફાની ઈનિંગ્સ એળે ગઈ, SRHએ રોમાંચક મેચમાં કોલકાતાને 23 રને હરાવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

કોલકાતા: સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2023માં બીજી જીત હાંસલ કરી છે. 14 એપ્રિલ (શુક્રવાર)ના રોજ રમાયેલી મેચમાં તેણે કોલકાતા નાઈટ રાઈડર્સને 23 રનથી હરાવ્યું હતું. સનરાઇઝર્સે કોલકાતાને જીતવા માટે 229 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ પૂરી 20 ઓવર રમવા છતાં તેઓ સાત વિકેટે 205 રન જ બનાવી શકી હતી. રિંકુ સિંહે 31 બોલમાં અણનમ 58 રન બનાવ્યા, જેમાં ચાર છગ્ગા અને ચોગ્ગાનો સમાવેશ થાય છે. જો કે આ વખતે તે પોતાની ટીમને જીતાડી શક્યો નહોતો.

229 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત ખરાબ રહી અને તેણે 0ના સ્કોર પર રહેમાનુલ્લાહ ગુરબાઝની વિકેટ ગુમાવી દીધી. ભુવનેશ્વર કુમારે ગુરબાઝને ઉમરાન મલિકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી વેંકટેશ અય્યર (10 રન) માર્કો જેન્સનના બોલ પર આઉટ થયો, જેના કારણે સ્કોર બે વિકેટે 20 રન થઈ ગયો. ત્યારપછી સુનીલ નારાયણ પણ આગલા બોલ પર પેવેલિયન ભેગો થયો હતો. 20 રનમાં ત્રણ વિકેટ પડ્યા બાદ કેપ્ટન નીતિશ રાણા અને એન. જગદીશન વચ્ચે 62 રનની તોફાની ભાગીદારી થઈ હતી.

આ દરમિયાન નીતિશ રાણાએ ઉમરાન મલિકની એક ઓવરમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને કુલ 28 રન બનાવ્યા હતા, જો કે રાણાને પણ તે ઓવરમાં જીવનદાન મળ્યું હતું. જગદીશનને સ્પિન બોલર મયંક માર્કંડેએ કેચ આઉટ કરાવ્યો હતો. જગદીશને 21 બોલમાં 36 રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. 96 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ નીતિશ રાણા અને રિંકુ સિંહ વચ્ચે 38 બોલમાં 69 રનની ભાગીદારી થઈ હતી.

ADVERTISEMENT

ટીમનો સ્કોર છ વિકેટે 165 રન હતો ત્યારે નીતિશ રાણાને ટી. નટરાજને 17મી ઓવરમાં આઉટ કર્યો હતો. નીતિશ રાણાએ 41 બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 75 રનની ઇનિંગ રમી હતી. અહીંથી રિંકુ સિંહ (અણનમ 58)એ તોફાની બેટિંગ કરીને કોલકાતાને જીત અપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. છેલ્લી ઓવરમાં કોલકાતાને જીતવા માટે 32 રનની જરૂર હતી, પરંતુ તે માત્ર આઠ રન જ બનાવી શકી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે ધમાકેદાર શરૂઆત કરી હતી. ઇંગ્લિશ ક્રિકેટર હેરી બ્રુક અને મયંક અગ્રવાલે 4.1 ઓવરમાં 46 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીમાં મોટાભાગના રન હેરી બ્રુકના બેટમાંથી આવ્યા હતા. આન્દ્રે રસેલે મયંકને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. મયંકે 13 બોલમાં માત્ર 9 રન બનાવ્યા હતા. રસેલે પાંચમી ઓવરમાં રાહુલ ત્રિપાઠીને પણ આઉટ કર્યો, જેના કારણે સનરાઇઝર્સે બે વિકેટે 57 રન બનાવ્યા.

ADVERTISEMENT

અહીંથી હેરી બ્રુક અને કેપ્ટન એડન માર્કરામે 72 રનની ભાગીદારી સાથે SRHની ઇનિંગ્સને પાટા પર લાવી દીધી હતી. માર્કરામે 26 બોલમાં 50 રન બનાવ્યા જેમાં પાંચ સિક્સર અને બે ફોરનો સમાવેશ થાય છે. બાદમાં અભિષેક શર્માએ માત્ર 17 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 32 રન બનાવ્યા હતા. અભિષેકના આઉટ થયા બાદ હેરી બ્રુકે (અણનમ 100) પોતાની સદી પૂરી કરી હતી. IPL 2023માં આ પહેલી સદી હતી. હેરી બ્રુકે 55 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી, જેમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. બ્રુકની આ તોફાની ઇનિંગ્સના કારણે સનરાઇઝર્સ ટીમે ચાર વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી આન્દ્રે રસેલે 22 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT