Badminton Asia Team Championships : ભારતની દીકરીઓએ ઈતિહાસ રચ્યો, પહેલીવાર ગોલ્ડ
ભારતીય મહિલા ટીમે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ (BATC)માં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ મેચમાં ભારતે થાઈલેન્ડને 3-2થી હરાવ્યું હતું. ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી છે.
ADVERTISEMENT
Badminton Asia Team C'ships : ભારતીય મહિલા બેડમિન્ટન ટીમે ઇતિહાસ રચ્યો છે. બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ (BATC)માં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગોલ્ડ મેડલ જીત્યો છે. રવિવારે (18 ફેબ્રુઆરી) મલેશિયાના શાહઆલમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે થાઈલેન્ડને 3-2થી હરાવ્યું હતું.
ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત આ ટુર્નામેન્ટ જીતી છે. આ પહેલા તેણે એક પણ મેડલ જીત્યો ન હતો. પીવી સિંધુ, ગાયત્રી ગોપીચંદ-ટ્રીસા જોલી અને અનમોલ ખરાબે ફાઈનલ મેચ દરમિયાન પોતપોતાની મેચ જીતી હતી. ભારતે ટોચના ક્રમાંકિત ચીનને હરાવીને ગ્રુપ સ્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
ફાઈનલ મેચ દરમિયાન, પ્રથમ મેચ પીવી સિંધુ અને સુપાનિદા કેટેથોંગ વચ્ચે રમાઈ હતી. ઈજામાંથી સાજા થયા બાદ પોતાની પ્રથમ ટુર્નામેન્ટ રમી રહેલી પીવી સિંધુએ સુપાનિદા કેટેથોંગને 21-12, 21-12 થી હરાવીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. સિંધુ અને સુપનિદા વચ્ચેની મેચ 39 મિનિટ સુધી ચાલી હતી. ત્યારપછી ગાયત્રી ગોપીચંદ અને ટ્રીસા જોલીએ ડબલ્સ મેચમાં જોંગકોલ્ફામ કિતિથારાકુલ અને રવિન્દા પ્રજોંગજલને 21-16, 18-21, 21-16થી હરાવીને ભારતને 2-0થી આગળ કર્યું.
ADVERTISEMENT
જોકે અસ્મિતા ચલિહાને બુસાનન ઓંગબામરુંગફાન સામે 11-21, 14-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીજી ડબલ્સ મેચમાં શ્રુતિ-પ્રિયાની જોડીને હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે સ્કોર 2-2 થઈ ગયો. આ પછી 16 વર્ષના અનમોલ ખરબે નિર્ણાયક મુકાબલામાં પોર્નપિચા ચોકીવોંગ સામે 21-14, 21-9 થી જીત મેળવીને ભારતને ચેમ્પિયન બનાવ્યું. અનમોલની વર્લ્ડ રેન્કિંગ 472 છે, જ્યારે ચોકીવોંગ 45માં સ્થાને છે.
ADVERTISEMENT