Asian Games 2023: ભારતની દીકરીઓએ ચીનમાં ઈતિહાસ રચ્યો, ફાઈનલમાં શ્રીલંકાને હરાવી ગોલ્ડ જીત્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Asian Games 2023: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 25 સપ્ટેમ્બર (સોમવાર) ના રોજ, પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ગ્રાઉન્ડ, હાંગઝોઉ ખાતે રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને 19 રને હરાવ્યું. આ મેચમાં 117 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ આઠ વિકેટે 97 રન જ બનાવી શકી હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી હતી, તેથી તેણે પહેલા જ પ્રયાસમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

લક્ષ્યનો પીછો કરતી વખતે શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી અને 14 રનમાં જ ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ ત્રણ વિકેટ ઝડપી બોલર તિતાસ સાધુએ લીધી હતી. ત્રણ વિકેટ પડ્યા બાદ હસિની પરેરાએ કેટલાક આક્રમક શોટ લગાવીને શ્રીલંકાને 50 રનના સ્કોર સુધી પહોંચાડ્યું હતું. રાજેશ્વરી ગાયકવાડે પરેરાની તોફાની ઇનિંગ્સનો અંત આણ્યો હતો. પરેરાએ 22 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા.

ADVERTISEMENT

પરેરાના આઉટ થયા બાદ નીલાક્ષી ડી સિલ્વા અને ઓશાદી રણસિંઘે 28 રનની ભાગીદારી કરીને ઈનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. ડી સિલ્વાને પૂજા વસ્ત્રાકરે બોલ્ડ કરી હતી. પરેરા બાદ દીપ્તિ શર્માએ પણ ઓશાદીને આઉટ કરી, જેના પછી ભારતનું કામ આસાન થઈ ગયું. ભારત તરફથી તિતાસ સાધુએ છ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. રાજેશ્વરી ગાયકવાડે બે જ્યારે દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય અને પૂજા વસ્ત્રાકરને એક-એક વિકેટ મળી હતી. હાર છતાં શ્રીલંકાની ટીમ સિલ્વર જીતવામાં સફળ રહી હતી. બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવીને આ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો.

સ્મૃતિ-જેમિમાએ બેટથી કમાલ કરી બતાવી

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેને પ્રથમ ફટકો ચોથી ઓવરમાં જ લાગ્યો, જ્યારે શેફાલી વર્મા (9) સ્પિન બોલર સુગંધિકા કુમારી દ્વારા સ્ટમ્પ થઈ ગઈ. આ પછી સ્મૃતિ મંધાના અને જેમિમાહ રોડ્રિગ્સે સાથે મળીને ઇનિંગ્સને સંભાળી હતી. જેમિમા અને સ્મૃતિ વચ્ચે બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી થઈ હતી.

ADVERTISEMENT

ઇનોકા રણવીરાએ મંધાનાને આઉટ કરીને આ ભાગીદારીનો અંત લાવ્યો હતો. જ્યારે મંધાના આઉટ થઈ ત્યારે ભારતનો સ્કોર 90 રનની નજીક હતો અને 15 ઓવર પણ પૂરી થઈ ન હતી. આવી સ્થિતિમાં ભારત મોટો સ્કોર બનાવવામાં સફળ રહેશે તેવી આશા હતી, પરંતુ તે શક્ય બન્યું નહીં. શ્રીલંકાના બોલરોએ સતત વિકેટો લીધી, જેના કારણે ભારત સાત વિકેટે 116 રન જ બનાવી શક્યું.

ADVERTISEMENT

ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 46 અને જેમિમા રોડ્રિગ્સે 42 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી સ્પિન બોલર ઈનોકા રણવીરા અને સુગંધિકા કુમારીએ બે-બે વિકેટ લીધી હતી. ઉદેશિકા પ્રોબોધનીએ પણ બે સફળતા હાંસલ કરી.

    follow whatsapp

    ADVERTISEMENT