લઠ્ઠાકાંડ છતાં ભાજપના એક પણ દિગ્ગજ નેતા ન દેખાયા, કેમ માત્ર અલ્પેશ ઠાકોર જ બોલ્યા?
અમદાવાદ: બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડના પડઘા દેશભરમાં પડ્યા છે. ઝેરી દારૂ પીવાથી 40થી વધુ લોકોના મોત નિપજ્યા જ્યારે 100થી વધુ લોકોની તબિયત લથડતા અમદાવાદ, ભાવનગર…
ADVERTISEMENT
અમદાવાદ: બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડના પડઘા દેશભરમાં પડ્યા છે. ઝેરી દારૂ પીવાથી 40થી વધુ લોકોના મોત નિપજ્યા જ્યારે 100થી વધુ લોકોની તબિયત લથડતા અમદાવાદ, ભાવનગર તથા બોટાદની હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા હતા. આ ઘટના બાદ ભાજપ શાસિત ગુજરાત સરકારની ખૂબ ટિકા થઈ. સામાન્ય રીતે કોઈપણ મુદ્દા પર આગળ આવીને બોલતા સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહેતા ભાજપના દિગ્ગજ નેતાઓ આ ઘટનાને લઈને મૌન જોવા મળ્યા. જ્યારે અલ્પેશ ઠાકોર પાર્ટી લાઈનથી અલગ થઈને સામે આવ્યા અને આમા સામેલ ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓને ગુનેગાર સાબિત કરી ફાંસીની સજા આપવા માંગ કરી હતી. ઉપરાંત બરવાળામાં જઈને પીડિતોની પણ મુલાકાત લીધી.
સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહેતા ભાજપના નેતાઓ લઠ્ઠાકાંડ મુદ્દે મૌન
લઠ્ઠાકાંડથી ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધીના સરકારના દાવાની પોલ ખુલતા ભાજપના તમામ મોટા નેતાઓ સામે આવીને બોલતા જાણે ડરી રહ્યા હોય તે ચૂપ હતા. સોશિયલ મીડિયા પર સતત સક્રિય રહેતા આ નેતાઓ ત્યાં પણ ચૂપ હતા. સરકારની બદનામીથી બચાવવા સામે આવવાના બદલે તેઓ મૌન રહ્યા. એવામાં અલ્પેશ ઠાકોરે આ મુદ્દે ફેસબુક લાઈવ કરીને ઘટનાની નિંદા કરી સાથે જ જવાબદારોને ફાંસી આપવાની પણ માંગ કરી. અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેની શરૂઆત જ દારૂની બદી દૂર કરવાના ઈરાદા સાથે થઈ હતી. કદાચ અલ્પેશ ઠાકોરને આ જ શરમ નડી ગઈ? પોતાની ઈમેજ બચાવવા તેઓ લઠ્ઠાકાંડ મામલે સામે આવીને તેની નિંદા કરી હોઈ શકે. ત્યારે સવાલ એ થાય છે કે લઠ્ઠાકાંડમાં આટલા મોત થવા છતાં શા માટે ભાજપના કોઈ મોટા નેતા સામે ન આવ્યા અને માત્ર અલ્પેશ ઠાકોર એકલા જ બોલતા દેખાયા?
લઠ્ઠાકાંડમાં ભાજપે શા માટે અલ્પેશ ઠાકોરને આગળ કર્યા?
આ અંગે અલ્પેશ ઠાકોરે Gujarat Tak સાથે વાતચીત કરતા જણાવ્યું કે, “મારી શરૂઆત અને મારું રાજકારણ દારૂની આસપાસ વણાયેલું રહ્યું છે. દારૂ મુદ્દે કોઈપણ સમાજને થયેલું નુકસાન એ ગુજરાતને થયેલું નુકસાન છે. પાર્ટી દ્વારા મને દારૂ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. તે અનુસાર મેં મારી ફરજ નિભાવી છે અને રાજ્ય સરકાર દ્વારા તાબડતોબ તથા ઉદાહરણીય કાર્યવાહી પણ કરવામાં આવી છે.”
ADVERTISEMENT
કેવી રીતે થઈ અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દીની શરૂઆત?
અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દી પર નજર કરીએ તો વર્ષ 2015માં ક્ષત્રિય ઠાકોર સેના રચનાથી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો. અને ઠાકોર સમાજમાં દારૂની બદી દૂર કરવા તથા સમાજને વ્યસનમુક્ત અને શિક્ષિત કરવાના ઈરાદા સાથે તેઓ જાહેર જીવનમાં આવ્યા. આ બાદ તેઓ 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા હતા. પરંતુ બાદમાં તેમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા અને પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા પરંતુ પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈ સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે.
અલ્પેશના અભરખા અધૂરા રહ્યા
‘મારી ખુરસી મુખ્યમંત્રીની ઓફીસની બાજુમાં જ હશે અને હું લીલી પેન વાપરીશ.’ આ શબ્દો પક્ષ પલટો કર્યા બાદ અલ્પેશ ઠાકોરના છે. પરંતુ ચૂંટણીમાં ઉમેદવાર તો પક્ષ નક્કી કરે છે પણ તે ઉમેદવારોને વિધાનસભા સુધી પહોંચાડવાની જવાબદારી વિધાનસભા વિસ્તારની જનતાની હોય છે. રાધનપુરની જનતાએ એક વખત વિધાનસભા સુધી મોકલ્યા પરંતુ પક્ષ પલટો કરતા જનતાના મૂડમાં પણ પલટો આવ્યો અને અલ્પેશને રાધનપુર બેઠક પર હારનો સ્વાદ ચખાડ્યો અને અલ્પેશના લીલી પેન વાપરવાના અભરખા અધૂરા રહ્યા.
ADVERTISEMENT
ભાજપમાં જોડાયા બાદ વિવાદિત નિવેદન
અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા બાદ પછી પણ તેઓ સમાયંતરે અનેક નિવેદનો આપતા રહ્યા છે અને રાજકીય માહોલમાં ચર્ચાનો વિષય બન્યા છે. ભાજપમાં ચૂંટણી હાર્યા બાદ વર્ષ 2022ની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, “દોસ્તો, મર્યાં પહેલા ઇતિહાસ રચીને જવાનું છું. નબળો નથી થયો. મનથી વધુ મજબૂત છું, પણ સમયની રાહ જોઈ રહ્યું છું. સમય પહેલા કંઈ નહીં કરું. એકવાર પડ્યો છું. બીજીવાર પડ્યો છું. ત્રીજીવાર ન પડીશ, ન પડવા દઈશ. દોસ્તો, મારે તમને એટલું જ કહેવું છે. ભરોસો રાખજો. દિલમાં ઇમાનદારી એની એ જ છે. ખુમારી એની એ જ છે. એ લાલાસ પણ એની એ જ છે.”
ADVERTISEMENT
હું રાધાનપુરથી જ ચૂંટણી લડીશ
ગુજરાતમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે દરેક પક્ષના ઉમેદવારો પોતાના વિસ્તારમાં સક્રિય થઇ ચુક્યા છે. ભાજપ પક્ષ હંમેશા સપ્રાઈઝ આપે છે. ભાજપમાં ટિકીટ કોને મળશે અને કોને નહીં મળે તે કોઈ છાતી ઠોકીને કહી શક્તું નથી ત્યારે ભાજપના અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં કહ્યું હતું કે, 2022ની ચૂંટણીમાં હું રાધનપુરથી લડીશ અને મ્હેણું ભાંગીશ. હવે સવાલએ છે કે ભાજપ આ બેઠકમાં હારેલા ઘોડા પર ફરી દાવ રમશે? જો નહિ રમે તો અલ્પેશ ઠાકોરનો પક્ષપલટા બાદ રાજકીય સૂર્યાસ્ત થશે.
ADVERTISEMENT