સત્ર મામલે કોંગ્રેસના ભાજપ પર પ્રહાર, ટુંકી મુદ્દતનું સત્ર બોલાવીને સરકાર પ્રજાનો અવાજ દબાવે છે
અમદાવાદ: વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને સરકાર સામે અનેક આંદોલનો મોટી સમસ્યા બની ઊભા છે. આ બધા વચ્ચે ગુજરાતની 14 મી વિધાનસભાનું…
ADVERTISEMENT
અમદાવાદ: વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને સરકાર સામે અનેક આંદોલનો મોટી સમસ્યા બની ઊભા છે. આ બધા વચ્ચે ગુજરાતની 14 મી વિધાનસભાનું અંતિમ સત્ર ચોમાસું સત્ર ફક્ત બે દિવસનું યોજાવા જઇ રહ્યું છે ત્યારે આ સત્ર તોફાની બનવાના પૂરેપૂરા એંધાણ છે. વિપક્ષે આ માટે રણનીતિ ઘડી છે. કોંગ્રેસે આ સત્ર 10 દિવસ યોજવા માંગ કરી છે.
ચૂંટણી નજીક છે ત્યારે અનેક સમસ્યાઓ ને લઈ નેતાનગરી આંદોલન નગરી બની ચૂકી છે. અનેક આંદોલનકારીઓએ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે. ત્યારે આ મામલે સરકાર પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે કે, અનેક સળગતા પ્રશ્નો છે તેની ચર્ચા કરવી પણ જરૂરી બને છે. આવા સળગતા પ્રશ્નોની ચર્ચા માટે બે દિવસ ખૂબ જ અપૂરતા છે, જેથી વિધાનસભાનું સત્ર ઓછામાં ઓછું 10 દિવસ બોલાવવા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, ઉપનેતા શૈલેષભાઈ પરમાર તથા દંડક સી. જે. ચાવડાએ માંગણી કરી હતી.
ટૂંકું સત્ર બોલાવવા મામલે સરકાર પર પ્રહાર
ભારતના બંધારણની કલમ-174ની જોગવાઈ મુજબ વિધાનસભાનું સત્ર 6 મહિનાની અંદર મળવું જોઈએ તેવી જોગવાઈ કરવામાં આવેલ છે. છેલ્લે ગુજરાત વિધાનસભાનું સત્ર તા. 1-4-2022ના મળેલ હતું એટલે કે તા.1-10-2022 પહેલાં વિધાનસભાનું સત્ર બોલાવવું પડે તેવી બંધારણીય જોગવાઈ છે. રાજ્ય સરકારને બંધારણીય જોગવાઈની ખબર હોવા છતાં ધારાસભ્યો પ્રશ્નો પુછી ન શકે અને સળગતા લોકપ્રશ્નોની ચર્ચાઓ વિધાનસભા ગૃહમાં ન થાય તે માટે ભાજપ સરકારે ટુંકી મુદ્દતથી સત્ર બોલાવ્યું હોવા અંગેનો આક્ષેપ કર્યો હતો. વિધાનસભામાં પ્રશ્નો પુછવાનો સમય કામકાજના વધુમાં વધુ 28 દિવસ અને ઓછામાં ઓછા 21 દિવસનો છે તે ભાજપ સરકાર સારી રીતે જાણે છે એટલે વિધાનસભામાં પ્રશ્નોના જવાબો આપવા ન પડે તે માટે ટુંકી મુદ્દતથી સત્ર બોલાવીને ભાજપ સરકારે વિધાનસભામાં પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT
20 વર્ષથી સત્રના દિવસમાં ઘટાડો
વર્ષ 2016માં ગાંધીનગર વિધાનસભા ગૃહ ખાતે ભારતમાં લેજિસ્લેટિવ બોડીઝના પ્રિસાઇડિંગ ઓફિસર્સની 78મી કોન્ફરન્સમાં તત્કાલીન લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજની અધ્યક્ષતામાં ગૃહની બેઠકો દરમિયાન સભ્યોની હાજરી સુનિશ્ચિત કરવા, ચર્ચાની ગુણવત્તામાં સુધારો કરવા અને રાજ્ય વિધાનસભાઓમાં વર્ષમાં ઓછામાં ઓછા 60 દિવસ ગૃહની બેઠકો સુનિશ્ચિત કરવા માટેના પગલાં લેવા પર ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભાની બેઠકો વર્ષમાં ઓછામાં ઓછી 60 દિવસ મળવી જોઈએ તેવો ઉલ્લેખ લોકસભાના તત્કાલીન અધ્યક્ષએ તેઓના પ્રવચનમાં પણ કરેલ, પરંતુ ગુજરાત વિધાનસભાનું સત્ર છેલ્લા 20 વર્ષથી ભાજપના શાસનમાં વર્ષમાં માત્ર અડધા દિવસો એટલે કે 30 દિવસ માંડ મળે છે.
ભાજપના શાસનમાં સત્રના દિવસો ઘટયા
વર્ષ 2002 થી 2021 સુધી ભાજપના શાસનમાં વિધાનસભાની કુલ 608 બેઠકો મળેલ એટલે કે દર વર્ષે સરેરાશ 30.4 બેઠકો મળેલ છે. ભાજપ સરકાર વિધાનસભા કેટલા દિવસો બેઠક મળી તે દિવસોની ગણતરી કરવાના બદલે આંકડો મોટો બતાવવા માટે એક દિવસમાં બે બેઠકો મળે તો તેને બે દિવસોની ગણતરી કરીને બેઠકો બતાવવામાં આવે છે.વર્ષ 1980 થી 1990, 10 વર્ષના કોંગ્રેસના શાસનમાં 504 દિવસ વિધાનસભાની બેઠકો મળેલ એટલે કે વર્ષમાં સરેરાશ 50.4 દિવસ સત્ર મળેલ. વર્ષ 1972, 1973, 1982, 1987, 1989,1988માં અનુક્રમે 76 , 57 , 70, 55, 54, 52 અને 51 દિવસ વિધાનસભાનું સત્ર મળતું હતું. ધારાસભ્યો પોતાના વિસ્તારની સમસ્યાઓ, પ્રશ્નો વિષે રજુઆત કરીને સરકારનું ધ્યાન દોરી શકતા અને સરકારની નીતિઓ અને યોજનાઓ વિશે વિસ્તૃત ચર્ચાઓ થતી હતી. તેની સામે ભાજપ સરકારના શાસનમાં સત્રના દિવસોની સંખ્યામાં ઘટાડો થયો છે. કોંગ્રેસના 10 વર્ષના શાસનમાં 504 દિવસ જ્યારે ભાજપના 21 વર્ષના શાસનમાં 608 બેઠકો વિધાનસભાની મળેલ. કોંગ્રેસના શાસન કરતાં ભાજપના શાસનમાં અડધા દિવસો વિધાનસભાની બેઠકો મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT