છેલ્લી ઘડીની તૈયારી? આગામી 5 દિવસમાં PM મોદી, કેજરીવાલ, ઓવૈસી, ગહલોત સભાઓ ગજવશે, જાણો તેમના શિડ્યૂલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી સમયમાં ચૂંટણીને લઈને રાષ્ટ્રીય નેતાઓની પડાપડી છે, જનતાને રિઝવવા વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે, આગામી પાંચ દિવસોમાં ગુજરાતની ધરતી પર તમામ મુખ્ય રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ વિવિધ સભાઓને ગજવવાના છે. આ પાંચ દિવસોમાં નરેન્દ્ર મોદી, કેજરીવાલ, ઓવૈસી અને અશોક ગહેલોત પણ ગુજરાતના પ્રવાસે છે. તો આવો જોઈએ આ તારીખોમાં કોણ કોણ શું કરવાનું છે

કેજરીવાલ અને અશોક ગહેલોત એક જ તારીખોમાં ગુજરાતમાં
સૌથી પહેલા મુલાકાતી પર નજર કરીએ તો, આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક અને દિલ્હીના મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલ આગામી 28, 29 અને 30 ઓક્ટોબરે વધુ એક વખત ગુજરાત પ્રવાસે આવવાના છે. ઉલ્લેખનીય છે કે આ દિવસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત પણ ગુજરાતના પ્રવાસે છે એટલે કે એક જ દિવસોમાં તેઓ સામ સામે જાણે હોય તેવું જોવા મળશે.

મોદી અને ઓવેસી ગુજરાતમાં
આગામી 30, 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને તેઓ આ દરમિયાન વિવિધ ખાત મુહૂર્ત, લોકાર્પણના કાર્યક્રમો ઉપરાંત સભાઓને સંબોધવાના છે. આ દિવસો ભાજપ માટે એટલે મહત્વના છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો પણ એક અલગ જાદુ છે, જેટલા સિક્કા ગુજરાતના સ્થાનિક નેતાઓના નથી પડતા તેના કરતાં વધુ ફક્ત નરેન્દ્ર મોદીના નામ પર પડી જતા જોવા મળે છે. ઉપરાંત મોદીના જ પ્રવાસ વખતે 30, 31 ઓક્ટોબર દરમિયાન એઆઈએમઆઈએમ (All India Majlis-e-Ittehadul Muslimeen)ના કદાવર નેતા અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાત પ્રવાસમાં છે. મતલબ કે આપણે અહીં જોયું કે આ પાંચ દિવસોમાં ગુજરાતી મતદારોને રિઝવવા ગુજરાતના રાજકારણની ચારેય મુખ્ય રાજકીય પાર્ટીઓના કદાવર નેતાઓનો ગુજરાતમાં જમાવડો થવાનો છે.

ADVERTISEMENT

અશોક ગહેલોતનો શું છે કાર્યક્રમ
અશોક ગહેલોતના પ્રવાસની વાત કરીએ તો તેઓ 28, 29 અને 30 ઓક્ટોબરે ગુજરાતના પ્રવાસે છે. તેઓ આ દરમિયાન તેઓ પણ વડોદરા એરપોર્ટ પર આવશે અને ત્યાંથી ગરબાડા જવાના છે. ત્યાં તેઓ જાહેર સભા સંબોધવાના છે. આ ઉપરાંત તેઓ ઝાલોદના ફતેપુરામાં પણ જનમેદની સંબોધવાના છે. જે પછી તેઓ વડોદરાથી સુરત જવા રાવાના થવાના છે. આંતરિક તમામ પ્રવાસો તેઓ હેલિકોપ્ટર મારફતે કરશે. તે પછી બીજા દિવસે 29મીએ તેઓ સુરત પહોંચીને નવસારીમાં જનમેદનીને સંબોધવાના છે તે પછી તેઓ સુરતથી નાથદ્વારા જવાના છે. જ્યાં તેઓ શિવ પ્રતિમા (વિશ્વાસ સ્વરૂપમ) કાર્યક્રમમાં ભાગ લેશે જે પછી તેઓ અમદાવાદ આવવાના છે અને અહીં અમદાવાદમાં રાત્રી રોકાણ કર્યા પછી તેઓ બીજા દિવસે 30મીએ બનાસકાંઠામાં જાહેર જનતાને સંબોધવાના છે. આવી જ એક સભા તેઓ તેના પછી સાબરકાંઠામાં કરવાના છે અને ત્યાંથી અરવલ્લી ભિલોડા ખાતે પણ જનમેદનીને સંબોધવાના છે. આબુ રોડ પર આ પછી તેઓ રાત્રી રોકાણ કરશે અને તેના પછી 31 ઓક્ટોબરે તેઓ ત્યાંથી બનાસકાંઠામાં ભારત જોડો યાત્રામાં જોડાશે. જ્યાંથી પાછા તેઓ બપોરના સમયે જયપુર પહોંચશે.

ઓવૈસી જીગ્નેશ મેવાણીના વડગામમાં ગજવશે સભાઓ
ગુજરાતમાં ઓવૈસી જીગ્નેશ મેવાણીના વડગામમાં મોટી સભાઓ કરવાના છે. આ ઉપરાંત અમદાવાદના બાપુનગરમાં પણ તેઓ સભા કરવાના છે. 29મી ઓક્ટોબરે ઓવેસીની નજર કેટલીક ખાસ બેઠકો પર છે તેમાં વડગામની બેઠક કે જ્યાં દલિતો અને મુસ્લિમોના વોટની સંખ્યા મોટી છે અને માટે તે મતદારો ઓવૈસીના માટે ઘણા કામમાં આવે તેવા છે. આ તરફ જીગ્નેશ મેવાણી જે અહીંના ધારાસભ્ય છે તેમને આ મતદારોએ અગાઉ ચૂંટીને અહીંના ધારાસભ્યનું પદ સોંપ્યું હતું. જોકે હવે ઓવૈસીની એન્ટ્રી પછી આ મતદારોમાં વિભાજન થશે તેવા ગણિત રાજકીય પંડીતો લગાવી રહ્યા છે.

ADVERTISEMENT

અરવિંદ કેજરીવાલનું જાણો શું છે શિડ્યૂલ
અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસમાં છ જનસભાઓને સંબોધવાના છે. તા 28મીના તેમના શિડ્યૂલમાં છે મોરવા હડફ અને કાંકરેજ જ્યાં તેઓ મોટી સંખ્યામાં જનમેદનીને સંબોધશે. તેમાં તેઓ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ખાનપુર ગામ, સંતરામપુર, મોરવા હડફમાં સભા સંબોધવાના છે. જે પછી તેઓ આ જ દિવસે બપોરે કાંકરેજના ઋણી રોડ ખાતે ભગવંત માન સાથે સભા સંબોધન કરવાના છે. આ પછી તેઓ 29મીએ ડેડિયાપાડાની જનસભામાં ભાગ લેવાના છે અને તેના પછી 30મીએ તેઓ ગારિયાધાર અને ધોરાજીમાં આવનારી મોટી જનમેદનીને સંબોધવાના છે. ઉલ્લેખનીય છે કે આ વખતે તેઓ ‘બસ, હવે તો પરિવર્તન જોઈએ’ અને ‘એક મોકો કેજરીવાલને’ આ મુદ્દાને લઈને લોકોને આમ આદમી પાર્ટી કેવી રીતે સારી સરકાર આપશે અને ભાજપ તથા કોંગ્રેસે અગાઉ કરેલા શાસનમાં તેમની સાથે શું અન્યાય થયો છે તે ગણાવશે.

ADVERTISEMENT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ અહીં વિવિધ કાર્યક્રમો કરવાના છે જેમાં તેઓ 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ગુજરાતમાં છે. આ અંગે તેમના શિડ્યૂલ પર નજર કરીએ તો તેઓ 30મી ઓક્ટોબરે દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર આવવાના છે. જ્યાં લેપ્રસી ગ્રાઉન્ડ વડોદરા ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે જેમાં તેઓ આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનમાં ખાત મુહૂર્ત કરશે. જ્યાંથી હેલિકોપ્ટર દ્વારા તેઓ કેવડિયા જશે અને સર્કિટ હાઉસ કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે. આ પછી તે ઓ બીજા દિવસે એટલે કે 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જશે જ્યાં પુષ્પાંજલિ કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે કારણ કે આ દિવસે સરદાર પટેલ જન્મ જયંતિ છે. આ પછી તેઓ રાષ્ટ્રીય એક્તા દિવસ પરેડ સાથે જોડાશે અને તે ત્યાં બાય રોડ પરેડ ગ્રાઉન્ડ સુધી પહોંચશે. આ પછી એક્તાનગર હેલિપેડ પર તેઓ આવશે અને પછી હેલિકોપ્ટર દ્વારા ફરી વડોદરા એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવવા રવાના થશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા થરાદ હેલિપેડ પર પહોંચશે. જ્યાં તેઓ લગભગ સાંજના સમયે પહોંચશે અને અહીં બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના ખાત મુહૂર્તના કાર્યક્રમમાં ભાગ લેશે. આ દિવસે તેઓનું વધુ વ્યસ્ત શિડ્યૂલ છે તેથી તેઓ આ ખાત મુહૂર્તના કાર્યક્રમો પછી ત્યાંથી ફરી અમદાવાદ એરપોર્ટ આવશે અને પછી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. તેમના ત્રીજા દિવસના કાર્યક્રમ પર હળવી નજર કરીએ તો તેઓ રાજભવનથી સચિવાલય હેલિપેડ ગાંધિનગર ખાતે સવારના સમયે પહોંચશે જ્યાંથી તેઓ હેલિકોપ્ટરમાં રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલી માનગઢ હિલ ખાતે જવા રવાના થશે. ત્યાં તેઓનો કાર્યક્રમ પુરો થયાથી તેઓ જાંબુઘોડા ગુજરાત આવવા રવાના થશે. જ્યાં જાંબુઘોડામાં તેઓ ખાત મુહૂર્ત ઉપરાંત કેટલાક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના છે. લગભગ સાંજ સુધી કાર્યક્રમને આટોપ્યા પછી તેઓ ફરી જાંબુઘોડા હેલિપેડ પરથી હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર પહોંચશે અને ત્યાંથી રોડ માર્ગે રાજભવન પહોંચી ત્યાં થોડો સમય વિતાવ્યા પછી મહાત્મા મંદિર પર પહોંચશે. અહીં તેઓ ભાજપના 182 વિધાનસભા બેઠકના કાર્યકરો સાથે દિવાળી મિલનના વર્ચ્યૂઅલ સંબોધન કાર્યક્રમમાં હાજરી આપશે અને કાર્યકરો સાથે કેટલીક ચૂંટણીને લગતી કામગીરી અંગે વાત કરશે. ત્યાંથી તેઓ ફરી પાછા અમદાવાદ એરપોર્ટ પર જવા રવાના થશે અને રાત્રીના સમયે તેઓ અમદાવાદ એરપોર્ટથી પરત દિલ્હી જશે.

    follow whatsapp

    ADVERTISEMENT