આંકલાવની કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાથી કોંગ્રેસના જ ધારાસભ્ય દૂર રહેતા તર્ક વિતર્ક

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.નડિયાદઃ આંકલાવના આસોદર ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા અંતર્ગત મહિલા સંમેલન યોજાયું હતું. પરિવર્તન સંકલ્પ યાત્રામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના તમામ ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા પરંતુ પેટલાદ કોંગ્રેસના ધારાસભ્ય ઉપસ્થિત ન રહેતા અનેક તર્ક વિતર્ક અને ગણગણાટ શરૂ થયો હતો.

ભરતસિંહ ચાલુ ધારાસભ્યની બેઠક પર હક્ક જમાવશેનો ગણગણાટ
આણંદ જિલ્લો કોંગ્રેસનો ગઢ છે અને આ જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન પણ મજબૂત જોવા મળી રહ્યું છે. ત્યારે આજે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા આણંદના આંકલાવ આવી પહોંચી હતી અને આ યાત્રા અંતર્ગત મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાની તમામ વિધાનસભા બેઠકના ચૂંટાયેલા ધારાસભ્યો એટલેકે, કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, પૂનમ પરમાર, કાંતિ સોઢા પરમાર, રાજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા પરંતુ અગમ્ય કારણસર પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલની ગેરહાજરીને લઈને અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યુ છે. મહત્વનું છે કે, પેટલાદ વિધાનસભામાં કોંગ્રેસથી નિરંજન પટેલનો દબદબો જોવા મળ્યો છે. પરંતુ તાજેતરમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પેટલાદ વિધાનસભાથી ચૂંટણી લડવાની વાત સામે આવતા ક્યાંક નિરંજન પટેલ નારાજ થયા હોય તેમ લાગી રહ્યું છે. સભામાં ચર્ચાતી વાતો અનુસાર પૂર્વ સાંસદ ભરતસિંહ સોલંકી પેટલાદથી ચૂંટણી લડશે. એટલે જ આ અસંતોષને લઈને નિરંજન પટેલ આ કાર્યક્રમથી દૂર રહી નારાજગી વ્યક્ત કરતા હોય તેમ લાગી રહ્યું છે.

2 જ બેઠક પર ભાજપની થઈ શકી હતી જીત
મહત્વનું છે કે, આણંદ જિલ્લાની 7 બેઠક પૈકી 5 બેઠક કોંગ્રેસ પાસે છે. જ્યારે 2 બેઠક પર જ ભાજપ પોતાની જીત નોંધાવી શકી છે. પેટલાદની બેઠક પરથી ભરતસિંહનની ઉમેદવારીની ચર્ચા જો અંદર ખાને સાચી હોય અથવા નિરંજન પટેલ જાણતા હોય તો જ તેઓ આ રીતે ગેરહાજરી નોંધાવી પોતાની નારાજગી વ્યક્ત કરે તે સ્વાભાવિક રીતે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે પેટલાદ બેઠકને લઈને છૂપો રોષ સામે આવતા હવે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આણંદ જિલ્લામાં કોંગ્રેસ 5 બેઠક જાળવી રાખે છે કે નહીં તે જોવું રહ્યું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT