આમ આદમી પાર્ટીએ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી લડવાનું કર્યું એલાન, જનતાને આપ્યું મોટું વચન
દિલ્હી અને પંજાબમાં સત્તાધારી આમ આદમી પાર્ટી હવે જમ્મુ કાશ્મીરમાં પણ ઝંપલાવવા જઈ રહી છે. તેઓ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી લડશે. તેની માહિતી પાર્ટી નેતા ઈમરાન હુસૈને આપી છે.
ADVERTISEMENT
AAP Will Contest Jammu Kashmir Assembly Elections : જમ્મુ-કાશ્મીરમાં ગઈકાલ (20 ઓગસ્ટ)થી વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પ્રથમ તબક્કાના મતદાન માટે ગઈકાલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27મી ઓગસ્ટ નક્કી કરાઈ છે. 10 વર્ષની લાંબી રાહ બાદ અહીં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે થવાનું છે. જેમાં 24 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે. ત્યારે હવે જમ્મુ કાશ્મીર ચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ એલાન કર્યું છે કે, આપ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી લડશે.
AAP જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી લડશે
દિલ્હી અને પંજાબમાં સત્તાધારી આમ આદમી પાર્ટી હવે જમ્મુ કાશ્મીરમાં પણ ઝંપલાવવા જઈ રહી છે. તેઓ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી લડશે. તેની માહિતી પાર્ટી નેતા ઈમરાન હુસૈને આપી છે. તેમણે કહ્યું કે, 'આમ આદમી પાર્ટી જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી લડશે. જો અમે સરકાર બનાવીશું તો અમે લોકોને ફ્રી વીજળી અને વિશ્વ સ્તરીય સ્વાસ્થ્ય સુવિધાઓ આપીશું અને અહીં મોહલ્લા ક્લીનિક બનાવીશું. હું જમ્મુ કાશ્મીરના લોકોને આપ અને અરવિંદ કેજરીવાલને મોકો આપવાની અપીલ કરું છું.'
કાશ્મીર ખીણની 16 બેઠકો પર મતદાન
18 સપ્ટેમ્બરે યોજાનાર મતદાનના પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર મતદાન થવાનું છે. તેમાંથી 16 બેઠકો કાશ્મીર ખીણની છે, જ્યારે 8 બેઠકો જમ્મુ ક્ષેત્રની છે. પાર્ટીઓ એક-બે દિવસમાં તેમના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.
ADVERTISEMENT
370 હટાવ્યા બાદ યોજાઈ રહી છે ચૂંટણી
તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ અને કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીર એક દાયકામાં તેની પ્રથમ વિધાનસભા ચૂંટણી માટે તૈયાર છે. 90 બેઠકો માટે ત્રણ તબક્કાની વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. 2014 પછી આ પ્રથમ વખત હશે જ્યારે જમ્મુ અને કાશ્મીરના લોકો વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે.
2022માં મતવિસ્તારોની પુનઃવ્યાખ્યા પછી, જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા બેઠકોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે. જેમાં કાશ્મીર ખીણની 47 અને જમ્મુની 43 બેઠકોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
આ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે
- પંપોર
- ત્રાલ
- પુલવામા
- રાજપોરા
- જૈનાપોરા
- શોપિયાં
- ડી.એચ. પોરા
- કુલગામ
- દેવસર
- દુરુ
- કોકેરનાગ (ST)
- અનંતનાગ પશ્ચિમ
- અનંતનાગ
- શ્રીગુફવાડા
- બિજબેહરા
- શાંગાસ
- અનંતનાગ પૂર્વ
- પહલગામ
- ઈન્દરવાલ
- કિશ્તવાડ
- પેડ ડેર
- નાગસેની
- ભદ્રવાહ
- ડોડા
- ડોડા પશ્ચિમ
- રામબન
- બનિહાલ
10 વર્ષ પછી વિધાનસભાની ચૂંટણી
જમ્મુ-કાશ્મીરમાં 2014 પછી આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે. 2014માં રાજ્યની 87 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. ત્યારે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી 28 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. જ્યારે ભાજપને 25 બેઠકો મળી હતી. નેશનલ કોન્ફરન્સને 15 અને કોંગ્રેસને 12 સીટો મળી હતી. ચૂંટણી પરિણામોમાં કોઈ પણ પક્ષ બહુમત માટે જરૂરી 44 બેઠકોના જાદુઈ આંકડા સુધી પહોંચી શક્યો નથી. ચૂંટણી પરિણામોની જાહેરાત પછી, પ્રથમ અને બીજા સ્થાને રહેલા પક્ષો, પીડીપી અને ભાજપે ગઠબંધન કર્યું અને મુફ્તી મોહમ્મદ સઈદના નેતૃત્વમાં સરકારની રચના કરી હતી.
ADVERTISEMENT
આ લોકસભા ચૂંટણીનું પરિણામ હતું
લોકસભા ચૂંટણી દરમિયાન જમ્મુ-કાશ્મીરના લોકોએ મતદાન માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો અને રેકોર્ડ મતદાન કર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય ચૂંટણી દરમિયાન 58.46 ટકા મતદાન થયું હતું, જે છેલ્લા 35 વર્ષમાં સૌથી વધુ મતદાનનો રેકોર્ડ છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકસભાની પાંચ બેઠકો છે. નેશનલ કોન્ફરન્સ અને ભારતીય જનતા પાર્ટીએ બે-બે બેઠકો જીતી હતી, જ્યારે અપક્ષ એન્જિનિયર રાશિદે એક બેઠક જીતી હતી.
ADVERTISEMENT