Sahara Group Founders Death: સહારા ઈન્ડિયા પરિવારના વડા સુબ્રત રોય સહારાનું મંગળવારે રાત્રે નિધન થયું છે. લાંબી માંદગી બાદ સહારાશ્રીએ મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. સુબ્રત રોયના નિધન બાદ સહારાના લાખો રોકાણકારોના મનમાં બસ એક જ સવાલ ઉઠી રહ્યો છે કે હવે તેમના પૈસાનું શું થશે? શું સહારામાં ફસાયેલા પૈસા તેઓને હવે પરત મળી શકશે? સુબ્રત રોયના નિધન બાદ શું તેમના પૈસા પણ ડૂબી જશે? રોકાણકારોના પૈસાનું શું થશે?
સરકારે લૉન્ચ કર્યું છે પોર્ટલ
સુબ્રત રોયના નિધન બાદ લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે હવે તેમના પૈસાનું શું થશે? હવે શું તેમને રોકાણ કરેલી રકમ રિફંડ મળશે? તમને જણાવી દઈએ કે, સુબ્રત રોય સહારાના નિધનથી રિફંડની પ્રક્રિયા પર કોઈ અસર નહીં પડે.એક રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સહારાના રોકાણકારોને તેમના પૈસા પરત અપાવવા માટે પોર્ટલ લૉન્ચ કર્યું છે, જેની મદદથી સહારાના રોકાણકારોને તેમની રોકાણ કરેલી રકમ પાછી આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા થોડા મહિના પહેલા જ સહારા રિફંડ પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું હતું. સહારાશ્રીના નિધનથી આ રિફંડ પ્રોસેસ પર કોઈ અસર નહીં થાય.
પોર્ટલ દ્વારા પરત મળશે પૈસા
સુપ્રીમ કોર્ટે વર્ષ 2012માં સહારા રોકાણકારોને રાહત આપતા તેમના પૈસા વ્યાજ સહિત પરત કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી લગભગ ત્રણ કરોડ રોકાણકારોને ફાયદો થશે. કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે સહારા રિફંડ પોર્ટલ https://mocrefund.crcs.gov.in/ લૉન્ચ કર્યું. આ પોર્ટલ દ્વારા સહારા રોકાણકારોને તેમના પૈસા પરત કરવામાં આવી રહ્યા છે.
કેવી રીતે મળશે સહારાનું રિફંડ?
સહારા ગ્રુપની 4 કોઓપરેટિવ સોસાયટીમાં સહારાના રોકાણકારોના પૈસા ફસાયેલા છે. રોકાણકારો સહાર રિફંડ પોર્ટલ દ્વારા અરજી કરીને પોતાનું રિફંડ પાછું મેળવી શકે છે. રિફંડ માટે રોકાણકારોએ માત્ર ઓનલાઈન જ ક્લેમ કરવો પડશે. જરૂરી દસ્તાવેજો અને રસીદો અપલોડ કરવાની રહેશે. વેરિફિકેશન બાદ રોકાણકારોને તેમનું રિફંડ મળશે. સરકાર રોકાણકારોને હપ્તામાં પૈસા પરત કરી રહી છે. ક્લેમની પ્રક્રિયા સંપૂર્ણપણે નિશુલ્ક છે. જો રોકાણકારને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેઓ ટોલ ફ્રી નંબરો (1800 103 6891 / 1800 103 6893) પર સંપર્ક કરી શકે છે.