રામનગરી અયોધ્યાના ભવ્ય મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે જે શુભ મુહૂર્તની રાહ જોવાઈ રહી હતી, તેનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. આ દિવસની વિશ્વભરના રામભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક લોકો રામલલ્લાના બિરાજમાન થયા બાદ તેમના દર્શન કરવા માટે આતુર છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી ઝડપથી તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. મંદિરના ગર્ભગૃહમાં જ્યાં રામ લલ્લા બિરાજમાન થશે, તેની પૂજા કરવામાં આવી રહી છે.
પીએમ મોદી કરશે પ્રાણ પ્રતિષ્ઠા
દીપોત્સવ અને દિવાળીના દિવસે અહીં દીવા પ્રગટાવીને રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કોઈ અડચણ વગર સંપન્ન થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિજીત મુહૂર્ત મૃગષિરા નક્ષત્રમાં બપોરે 12:20 વાગ્યે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અન્ય ખાસ મહેમાનો હાજર રહશે.
રવિવારે યોજાઈ હતી બેઠક
આ સમારોહને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવા માટે રવિવારે અયોધ્યાના સાકેત નિલયમ ખાતે સંઘ પરિવારની બેઠક યોજાઈ હતી. જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં સમારોહના અભિયાનને ચાર તબક્કામાં વહેંચીને તૈયારીઓને આગળ ધપાવવાનો નિર્ણય લેવાયો છે. અંતિમ તબક્કો રામ લલ્લાના બિરાજમાન થયા બાદ શરૂ થશે. આ દરમિયાન રામનગરીની 14 કોસી પરિક્રમા 20મી નવેમ્બરે મોડી રાત્રે શરૂ થશે. જેમાં 20 લાખ ભક્તો ભાગ લે તેવી શક્યતા છે.
જિલ્લા અને તાલુકા સ્તરે બનાવાશે જૂથ
અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને પ્રથમ તબક્કાની રવિવારથી શરૂઆત થઈ ચૂકી છે, જે 20 ડિસેમ્બર સુધી ચાલશે. આ સમય દરમિયાન સમારોહની કાર્યયોજનાની રુપરેખા તૈયાર કરવામાં આવશે, જેનાથી આયોજન દરમિયાન કોઈપણ પ્રકારની કમી ન રહે અને તમામ કામ વધુ સારી રીતે પૂર્ણ થઈ શકે. આ માટે નાની-નાની સંચાલન સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જિલ્લા અને તાલુકા સ્તરે 10-10 લોકોનું જૂથ બનાવવા માટે સમજૂતી થઈ છે.
કાર સેવકોને કરાશે સામેલ
મળતી માહિતી મુજબ ટીમમાં મંદિર આંદોલનના કાર સેવકોને પણ સામેલ કરવામાં આવશે. ટીમ 250 સ્થળોએ સભાઓ યોજશે અને વધુને વધુ લોકોને કાર્યમાં સામેલ કરવા અપીલ કરશે. બીજો તબક્કો 1 જાન્યુઆરીથી શરૂ થશે.
22 જાન્યુઆરીએ યોજાશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
જેમાં લોકોને સમારોહના દિવસે દીપોત્સવ ઉજવવા અપીલ કરવામાં આવશે. 22 જાન્યુઆરીની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખને ત્રીજા તબક્કામાં રાખવામાં આવી છે. આ દિવસે સમગ્ર દેશમાં મોટા પાયે ઉત્સવનો માહોલ બનાવવા, ઘરો અને સ્થાનિક મંદિરોમાં ધાર્મિક વિધિઓ કરવામાં માટેનો માહોલ બનાવવામાં આવશે. ચોથા તબક્કામાં દેશભરના ભક્તોને રામલલ્લાના દર્શન કરાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ચોથો તબક્કો ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીથી શરૂ થશે અને 22 ફેબ્રુઆરી સુધી ચાલશે. ખાસ વાત એ છે કે આ અભિયાન પ્રાંતવાર ચલાવવામાં આવશે. 31મી જાન્યુઆરી અને 01મી ફેબ્રુઆરીએ અવધ પ્રાંતના કાર્યકર્તાઓને દર્શન કરાવવાની યોજના છે. ચોથા તબક્કાની પણ તૈયારીઓ ચાલી રહી છે.
14 કોસી પરિક્રમાં શરૂ થશે
આ દરમિયાન રામનગરીની 14 કોસી પરિક્રમા 20 નવેમ્બરે બપોરે 2:09 વાગ્યે શરૂ થશે. પરિક્રમા લગભગ 42 કિલોમીટરનું અંતર કાપશે. આ માટે રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ધૂળ ન ઉડેએ માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવ્યા છે. આ પરિક્રમા 21મી નવેમ્બરે રાત્રે 11:38 કલાકે પૂરી થશે.