જાણો કોણ છે રેવંત રેડ્ડી, જેમને તેલંગાણામાં કોંગ્રેસની જીતનો આપવામાં આવી રહ્યો છે શ્રેય, CMની રેસમાં સૌથી આગળ
મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢમાં મતગણતરી ચાલી રહી છે. વલણો મુજબ તેલંગાણામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. કર્ણાટક પછી તેલંગાણા દક્ષિણનું બીજું રાજ્ય…
ADVERTISEMENT
મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢમાં મતગણતરી ચાલી રહી છે. વલણો મુજબ તેલંગાણામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. કર્ણાટક પછી તેલંગાણા દક્ષિણનું બીજું રાજ્ય છે, જ્યાં કોંગ્રેસની સરકાર બનતી જોવા મળી રહી છે. ત્યારે હાલ સૌથી વધુ ચર્ચા એ ચાલી છે કે તેલંગાણામાં કોંગ્રેસના મુખ્યમંત્રી કોણ બનશે?
રેવંત રેડ્ડીનું નામ સૌથી ઉપર
તેલંગાણામાં મુખ્યમંત્રી ચહેરાની વાત કરીએ તો ઘણા એવા નેતાઓ છે જેમને દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જેમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડી, સાંસદ કેપ્ટન એન ઉત્તમકુમાર રેડ્ડી અને મલ્લુ ભટ્ટી વિક્રમાર્ક જેવા નામો સામેલ છે. આ સિવાય મોહમ્મદ અઝહરુદ્દીન પણ વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. જોકે, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રેવંત રેડ્ડીનું નામ સૌથી ઉપર માનવામાં આવી રહ્યું છે.
કે. ચંદ્રશેખર રાવની સામે લડી રહ્યા છે ચૂંટણી
તેલંગાણામાં જીતનો સૌથી વધારે શ્રેય રેવંત રેડ્ડીને મળી રહ્યો છે. આ જ કારણ છે કે રેવંત રેડ્ડી મુખ્યમંત્રી પદ માટે સૌથી વધુ ચર્ચામાં છે. રેવંત રેડ્ડી તેલંગાણા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે. રેવંત રેડ્ડી તેલંગાણામાં કોંગ્રેસના એ ત્રણ લોકસભાના સાસંદોમાં સામેલ છે, જેઓએ 2019માં જીત મેળવી હતી. આ ચૂંટણીમાં પણ રેવંત રેડ્ડી તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની સામે ગજવેલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ADVERTISEMENT
CM પદની રેસમાં રેવંત રેડ્ડી સૌથી આગળ
તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલા પણ જ્યારે રેવંત રેડ્ડી પાર્ટી કાર્યકર્તાઓની વચ્ચે પહોંચ્યા ત્યારે તેમના સમર્થનમાં ‘CM-CM’ના નારા લગાવવામાં આવ્યા હતા. તેલંગાણા વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન રેવંત રેડ્ડી કોંગ્રેસનો ચહેરો રહ્યા હતા. પ્રચાર દરમિયાન તેઓ હંમેશા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે જોવા મળતા હતા. તેલંગાણાની રચના 2013માં થઈ હતી. આ પછી આ ત્રીજી ચૂંટણી છે. કેસીઆર આ ચૂંટણીમાં સીએમ તરીકે હેટ્રિક ફટકારવામાં નિષ્ફળ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
કોણ છે રેવંત રેડ્ડી?
રેવંત રેડ્ડીએ રાજકારણની શરૂઆત એબીવીપીથી કરી હતી. બાદમાં તેઓ ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીમાં જોડાયા હતા. 2009માં તેઓ ટીડીપીની ટિકિટ પર આંધ્રના કોડાંગલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2014માં તેઓ તેલંગાણા વિધાનસભામાં ટીડીપીના ગૃહના નેતા તરીકે ચૂંટાયા હતા.
ADVERTISEMENT
રેવંત રેડ્ડી 2017માં કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, 2018માં તેઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. જોકે, કોંગ્રેસે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં મલ્કાજગીરીથી ટિકિટ આપી, જેમાં તેઓ જીતી ગયા. 2021માં કોંગ્રેસે તેમને મોટી જવાબદારી સોંપી અને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT