Team INDIA એશિયા કપથી ‘OUT’, શરૂઆતમાં ગરજ્યા પણ અંતે ન વરસતા હારનો સ્વાદ ચાખ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાર્થ વ્યાસ/અમદાવાદઃ ઈન્ડિયન ટીમ એશિયા કપ 2022થી બહાર થઈ ગઈ છે. બુધવારે શારજાહમાં રમાયેલી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ રસાકસી ભરી રહી હતી. જેમાં છેલ્લી ઓવરમાં 1 વિકેટ હાથમાં હતી અને અફઘાનિસ્તાન સામે જીતવા માટે પાકિસ્તાને 11 રન કરવાના હતા. તેવામાં પાકિસ્તાનની ટીમના નસીમ શાહે છેલ્લી ઓવરમાં બેક ટુ બેક 2 બોલમાં 2 છગ્ગા ફટકારીને પાકિસ્તાનને જીત અપાવી દીધી હતી. એટલું જ નહીં આની સાથે કરોડો ભારતીયોનું દીલ તૂટી ગયું હતું. કારણે હવે ભારત જેવી રીતે 2 મેચ હાર્યું હતું એને જોતા અફઘાનિસ્તાને આ મેચ જીતવી અત્યંત આવશ્યક હતી. તેવામાં હવે 11 સપ્ટેમ્બરે દુબઈમાં આયોજિત ફાઈનલ મેચમાં પાકિસ્તાનની મેચ શ્રીલંકા સામે રમાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. જોકે હજુ સુધી સુપર-4મા 2 મેચ બાકી છે પરંતુ બંને ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાવી લગભગ નક્કી છે.

ઈન્ડિયન ટીમ ઔપચારિક મેચ રમશે
ભારત હવે 8 સપ્ટેમ્બરે દુબઈમાં સુપર-4ની છેલ્લી મેચ અફઘાનિસ્તાન સામે રમશે. આ મેચ ભારત જીતી જશે તો પણ 2 પોઈન્ટ જ ભારતને મળવા જઈ રહ્યા છે. આવામાં જો ટેબલ પર નજર કરીએ તો પાકિસ્તાન અને શ્રીલંકાનું પલડુ ભારે છે અને તેને પછાડવું ભારત માટે અસંભવ છે. જેથી કરીને ઈન્ડિયન ટીમ એશિયા કપ 2022થી આઉટ થઈ ગઈ છે.

ADVERTISEMENT

ભારત હોટ ફેવરિટ છતા અણધારી રીતે ટૂર્નામેન્ટથી આઉટ
ઈન્ડિયન ટીમ આ ટૂર્નામેન્ટ જીતવા માટેની ફેવરિટ હતી. પરંતુ જેવી રીતે સુપર-4ની પહેલી 2 મેચ ભારત હારી ગયું, એને UAEમાં આયોજિત વર્લ્ડ કપ 2021ની કડવી યાદો ઉજાગર કરી લીધી હતી. તે સમયે પણ ભારતીય ટીમ બેક ટુ બેક મેચ હારી જતા ટૂર્નામેન્ટથી ફંગોળાઈ ગઈ હતી. એમ હવે એશિયા કપમાં સૌથી પહેલા પાકિસ્તાનને પછાડીને ભારત સારી લયમાં જોવા મળ્યું હતું. તેવામાં હવે સુપર-4માં સતત 2 મેચ હારી જતા ભારતીય ટીમ ફરી એકવાર અણધારી રૂપે ફેન્સને ઝાટકો આપી ટૂર્નામેન્ટમાંથી ફેંકાઈ ગઈ છે.

કેપ્ટન બદલાયા પરંતુ ભારતની હારનો સિલસિલો એવો ને એવો જ રહ્યો…
UAEના એ જ મેદાનો અને અલગ અલગ કેપ્ટન છતા ભારતનું નસીબ કહો કે પછી પ્રદર્શન એ ના બદલાયું. નોંધનીય છે કે ટી-20 વર્લ્ડ કપ 2021 દરમિયાન વિરાટ કોહલી ભારતનો કેપ્ટન હતો. ત્યારે ઈન્ડિયન ટીમ વર્લ્ડ કપ જીતવાની ફેવરિટ પણ હતી. જોકે વિરાટ કોહલીની કેપ્ટનશિપ સામે અઢળક સવાલો ઉઠવાની સાથે ટીમ બે મેચ હારી જતા ટૂર્નામેન્ટથી લગભગ બહાર થઈ ગઈ હતી. આનાથી ફેન્સને મોટો ઝાટકો લાગ્યો હતો અને સમયના ચક્રની સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને કોચ પણ બદલાઈ ગયા હતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

લગભગ એક વર્ષ કે તેથી ઓછા સમયમાં ભારતીય ટીમ ફરીથી એ વેન્યૂ પર એશિયા કપ 2022 રમવા ઉતરી હતી. આ સમયે ટીમની કમાન રોહિત શર્માના હાથમાં હતી. અહીં ફેન્સને લાગ્યું કે UAEમાં મોટી ટૂર્નામેન્ટની અંદર ભારતનું નસીબ કે પ્રદર્શન બદલાશે. પરંતુ એવું થયું નહીં અને અણધારી રીતે ટીમ ઈન્ડિયા સુપર-4માં સતત 2 મેચ હારી જતા એશિયા કપ 2022થી ફંગોળાઈ ગઈ છે. નોંધનીય છે કે વિરાટ અને રોહિતની જોડી આ બંને મોટી ટૂર્નામેન્ટમાં ભારતની સાથે હતી, પરંતુ જેવી રીતે ટીમ ઈન્ડિયા છેલ્લા ઘણા સમયથી ટ્રોફી જીતવાનું ભૂલી ગઈ છે એની આ ટેવ અથવા આદત હવે કોચ દ્રવિડ કેવી રીતે છોડાવશે એ જોવા જેવું રહેશે.

મિડલ ઓર્ડરના ફ્લોપ શોએ ચિંતા વધારી
સુપર-4માં છેલ્લી ઓવર સુધી ઈન્ડિયન ટીમ બંને મેચ લઈ ગઈ હતી. બેટિંગ ઓર્ડરમાં જોવા જઈએ તો પાકિસ્તાન અને શ્રીલંકા એમ બંને સામેની મેચમાં પાવર પ્લે તથા મિડલ ઓવર ભારત માટે સારા રહ્યા હતા. પરંતુ જેવી રીતે અંતિમ ઓવર્સમાં પાવર હિટિંગ કરવાની જરૂર હતી એ ન કરી શકતા ટીમને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. બંને મેચમાં મિડલ ઓર્ડર બેટર મોટાભાગે ફ્લોપ રહ્યા હતા. જ્યારે છેલ્લી ઓવરમાં એક હાર્ડ હિટરના અભાવે ભારત 10થી 15 રન ઓછા કરી શક્યું હતું. એની સીધી અસર બોલરો પણ દેખાઈ અને ટાર્ગેટ ડિફેન્ડ કરવા માટે ભારતના બોલર્સે પોતાનું બેસ્ટ આપ્યું પરંતુ રિઝલ્ટ જેવું ભારતને જોઈતું હતું એવું મળી શક્યું નહીં અને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

બોલિંગ ડિપાર્ટમેન્ટ નબળું, અંતિમ ઓવરમાં મેચ ગુમાવી
સુપર-4મા ભારતની બંને મેચ ખરાબ રહી એમ તો ન કહી શકાય. રોહિત શર્માએ પોતાની કેપ્ટનશિપથી ટાર્ગેટ ડિફેન્ડ કરવા માટે શાનદાર ગેમ પ્લાન બનાવ્યો હતો. જે સ્પષ્ટપણે દેખાઈ આવ્યું કે ભારત બંને મેચ છેલ્લી ઓવરમાં જ હાર્યું છે. અર્શદીપ અંતિમ ઓવરમાં પોતાની રણનીતિ પર કારગર રહ્યો પરંતુ ટીમ માટે ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં તે અસમર્થ રહ્યો. વળી મિડલ ઓવર્સ અને પાવર પ્લે દરમિયાન ભારતીય બોલિંગ ડિપાર્ટમેન્ટની ધાર બુઠ્ઠી નજરે પડતા એશિયા કપ 2022થી ભારતીય ટીમની અણધારી વિદાય થઈ ગઈ છે. હવે આગામી ટી-20 વર્લ્ડ કપને પણ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. શું ભારતીય ટીમ મેનેજમેન્ટ અને કોચ દ્રવિડ તથા કેપ્ટન રોહિત માટે આ એક વેક અપ કોલ હતો. નોંધનીય છે કે અત્યારે ભારતનો ટાર્ગેટ માત્ર વર્લ્ડ કપ જીતવાનો હોઈ શકે પરંતુ એશિયા કપ જેવી મોટી ટૂર્નામેન્ટ ગુમાવી દેવી એ ટીમ માટે ફટકા સમાન જરૂર રહેશે.

    follow whatsapp

    ADVERTISEMENT