9 તિજોરી ભરીને રૂપિયા, ગણતા-ગણતા અધિકારીઓને ચક્કર આવ્યા; કોંગ્રેસ સાંસદના ઠેકાણાઓ પર ITને કુબેરનો ખજાનો મળ્યો
ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ સાથે જોડાયેલા ઠેકાણાઓ પર ઈન્કમટેક્સના દરોડામાં મોટી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. સાંસદના રાંચી, લોહરદગા અને ઓડિશા ખાતે…
ADVERTISEMENT
ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ સાથે જોડાયેલા ઠેકાણાઓ પર ઈન્કમટેક્સના દરોડામાં મોટી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. સાંસદના રાંચી, લોહરદગા અને ઓડિશા ખાતે આવેલા ઠેકાણાઓ પર એક સાથે પાડવામાં આવેલા દરોડામાં એટલી બધી રોકડ રકમ મળી આવી છે કે બેંક સુધી લઈ જવા માટે ટ્રક મંગાવવી પડી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોકડ રકમ ગણવા માટે મશીન પર પણ એટલો બધો લોડ પડ્યો કે મશીને કામ કરવાનું બંધ કરી દીધું. ન્યૂઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, 150 કરોડ રોકડ રકમની ગણતરી થઈ ચૂકી છે અને લગભગ અડધી રોકડની ગણતરી બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કુલ રોકડ 300 કરોડ રૂપિયાની આસપાસ છે.
બોલાંગીરમાંથી રિકવર કરવામાં આવી રકમ
આવકવેરા વિભાગના સૂત્રોનું કહેવું છે કે આ રકમ ઓડિશાના બોલાંગીરમાંથી રિકવર કરવામાં આવી છે, જ્યાં ધીરજ સાહુ અને તેમના પરિવારની દારૂ (લિકર)ની કંપની આવેલી છે. બલદેવ સાહુ એન્ડ ગ્રુપ ઓફ કંપનીઝ સાહુ પરિવારની છે. કંપનીનો ઓડિશામાં લગભગ 40 વર્ષ જૂનો લિકર મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ છે. ધીરજ સાહુના પિતા બલદેવ સાહુના નામ પરથી આ ગ્રુપનું નામ રાખવામાં આવ્યું છે. ધીરજ સાહુ ઉપરાંત તેમના પરિવારના અન્ય સભ્યો પણ તેમાં સામેલ છે. જોકે, 2018માં ધીરજ સાહુએ તેમના ચૂંટણી એફિડેવિટમાં તેમની સંપત્તિ માત્ર 34 કરોડ રૂપિયા જ જણાવી હતી.
બુધવારે પાડવામાં આવ્યા હતા દરોડા
બુધવારે આવકવેરા વિભાગ (ઈન્કમટેક્સ)ની ટીમે બૌધ ડિસ્ટિલરીઝ પ્રાઈવેટ લિમિટેડ અને તેની સાથે સંકળાયેલ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. બલદેવ સાહુ એન્ડ ગ્રુપ ઓફ કંપનીઝ એ બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડની એક પાર્ટનરશિપ ફર્મ છે. આ ગ્રુપના ઘણા બિઝનેસ છે, જેમાં ક્વાલિટી બોટલર્સ પ્રાઈવેટ લિમિટેડ (IMFL બોટલિંગ), કિશોર પ્રસાદ વિજય પ્રસાદ બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડ (જે IMFL કંપનીનું સેલ્સ અને માર્કેટિંગનું કામ કરે છે.), બલદેવ સાહુ ઈન્ફ્રા પ્રાઈવેટ લિમિટેડ વગેરેનો સમાવેશ થાય છે. આ બાબતે રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો મોબાઈલ બંધ આવ્યો હતો.
ADVERTISEMENT
9 તિજોરીઓમાં ભરેલી હતી નોટો
સૂત્રોના જણાવ્યા અનુસાર, બલદેવ સાહુ એન્ડ ગ્રુપ ઓફ કંપનીઝની ઓફિસોમાં 9 તિજોરીઓ નોટોથી ભરેલી મળી આવી. રોકડને બેંક લઈ જવા માટે 157 બેગ લાવવામાં આવી. જ્યારે બેગ ઓછી પડી ત્યારે બોરીઓમાં પણ રોકડ ભરવામાં આવી હતી. ત્યારબાદ આ રોકડ રકમને ટ્રકમાં ભરીને બેંકમાં લઈ જવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રોકડ રકમને ગણવા માટે એક મશીન પણ ખરાબ થઈ ગઈ હતી.
કોણ છે ધીરજ પ્રસાદ સાહુ?
ઉદ્યોગપતિ બલદેવ સાહુના પુત્ર ધીરજ પ્રસાદ સાહુનો જન્મ 23 નવેમ્બર 1959ના રોજ લોહરદગા ખાતે થયો હતો. રાંચીથી લોકસભાના સાંસદ રહેલા સ્વર્ગસ્થ શિવ પ્રસાદ સાહુના ભાઈ ધીરજ સાહુ સતત ત્રણ વખતથી રાજ્યસભાના સાંસદ રહ્યા છે. પહેલીવાર તેઓ જૂન 2009ની પેટાચૂંટણીમાં રાજ્યસભાના સાંસદ બન્યા હતા. આ પછી તેઓ જુલાઈ 2010માં બીજી વખત અને 2018માં ત્રીજી વખત રાજ્યસભા પહોંચ્યા હતા. તેઓ સંસદની ઘણી સમિતિઓના સભ્ય રહી ચૂક્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT