Krishna Janmabhoomi Case: મથુરા શાહી ઈદગાહનો નહીં થાય સર્વે, SCએ હાઈકોર્ટના આદેશ પર લગાવ્યો સ્ટે
Krishna Janmabhoomi Case: મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી…
ADVERTISEMENT
Krishna Janmabhoomi Case: મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં શાહી ઈદગાહના સર્વે માટે કોર્ટ કમિશનરની નિમણૂંક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે, અલ્હાબાદ હાઈકોર્ટે ગયા વર્ષે 14 ડિસેમ્બરે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બીજુમાં આવેલા શાહી ઈદગાહ પરિસરના સર્વેને મંજૂરી આપી હતી, જેની સામે મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેશે: SC
સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેશે, પરંતુ સર્વે કરાવવા માટે કોર્ટ કમિશનરની નિમણૂંક પર વચગાળાનો સ્ટે રહેશે.
હાઈકોર્ટે કઈ અરજી પર સંભળાવ્યો હતો ચુકાદો?
શાહી ઈદગાહમાં સર્વેની માંગ માટે ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન અને 7 અન્ય લોકોએ વકીલ હરિ શંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકી નંદનના માધ્યમથી અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ASI સર્વેની માંગણી કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને ત્યાં એવા ઘણા સંકેતો છે જે સાબિત કરે છે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું.
હાઈકોર્ટમાં કરાઈ હતી રજૂઆત
હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે, અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં એક કમળના આકારનો સ્તંભ છે જે હિન્દુ મંદિરોની વિશેષતા છે.
આ સિવાય અહીં ‘શેષનાગ’ની તસવીર પણ છે, જે હિન્દુ દેવતાઓમાંના એક છે. તેમણે જન્મની રાત્રે ભગવાન કૃષ્ણની રક્ષા કરી હતી. કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે મસ્જિદના સ્તંભોની નીચેના ભાગમાં હિન્દુ ધાર્મિક પ્રતીકો અને કોતરણીઓ છે. અરજદારે કોર્ટને વિનંતી કરી હતી કે અમુક નિર્ધારિત સમયગાળામાં શાહી ઇદગાહ મસ્જિદનું સર્વેક્ષણ કર્યા પછી તેનો રિપોર્ટ સબમિટ કરવા માટે ચોક્કસ સૂચનાઓ સાથે કમિશનની નિમણૂક કરવામાં આવે.
ADVERTISEMENT
ADVERTISEMENT