Haldwani Violence: 6 લોકોના મોત, કર્ફ્યૂ, ઈન્ટરનેટ બંધ; મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • હિંસાની આગમાં સળગી રહ્યું છે હલ્દવાની શહેર
  • મદરેસા પર બુલડોઝર ફેરવાતા લોકો ભડક્યા
  • શુક્રવાર સવાર સુધીમાં 6 લોકોના મૃત્યુઃ રિપોર્ટ
Haldwani Violence Latest Update: ઉત્તરાખંડનું હલ્દવાની શહેર હિંસાની આગમાં સળગી રહ્યું છે, કારણ કે મદરેસા પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા લોકો ભડકી ઉઠ્યા છે. આ વિવાદે ગુરુવારે હિંષક રૂપ ધારણ કરી લીધું હતું. આ પછી બનભૂલપુરા વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં શુક્રવાર સવાર સુધીમાં 6 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે, પરંતુ શહેરી વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી નથી.

મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક

બનભૂલપુરામાં તણાવના માહોલને જોતા પોલીસ ફોર્સ અને ITBP તૈનાત કરવામાં આવ્યા છે. કલમ 144 લાગુ છે. કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે, જેમાં મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સાથે હલ્દવાનીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. મુખ્યમંત્રીએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.

હલ્દવાનીમાં લોકડાઉન જેવી સ્થિતિ

હાલ હલ્દવાનીમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. શહેર અને આસપાસના વિસ્તારોની શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. લોકોને માત્ર ઈમરજન્સીની સ્થિતિમાં જ બહાર જવા દેવામાં આવશે. મુખ્યમંત્રીએ પોતે મોરચો સંભાળતા પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓને શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના આપી છે. મુખ્યમંત્રીનું કહેવું છે કે હિંસા ભડકાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા સાથે કોઈને ખિલવાડ કરવા દેવામાં આવશે નહીં.

કેમ ફાટી નીકળી હિંસા?

તમને જણાવી દઈએ કે, હલ્દવાનીના બનભૂલપુરા વિસ્તારમાં એવા સમયે હિંસા ફાટી નીકળી હતી જ્યારે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં બનેલા મદરેસાને ગેરકાયદેસર જાહેર કરી તેની ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. નમાઝ પઢવા માટે બનાવવામાં આવી રહેલી ઈમારતને પણ તોડી પાડવામાં આવી હતી. આ જોઈને આ વિસ્તારના લોકો રોષે ભરાયા હતા અને મહાનગરપાલિકાની ટીમ પર હુમલો કર્યો હતો. બનભૂલપુરા પોલીસ સ્ટેશનને ઘેરી લેવામાં આવ્યું હતું અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસના વાહનો સળગાવ્યા હતા.

100 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત

બદમાશોએ ટ્રાન્સફોર્મરમાં આગ લગાડી હતી, જેના કારણે વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પોલીસે બદમાશોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. આ દરમિયાન કરવામાં આવેલા પથ્થરમારામાં લગભગ 100 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનામાં 300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. આ દરમિયાન ગોળીબાર પણ થયો હતો.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT