ધારી-અમરેલી હાઈવે પર દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ 3ના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ ધારીથી અમરેલી બાજુ દર્દીઓને લઈ જતી ગાયત્રી ફાઉન્ડેશનની એક એમ્બ્યુલન્સ અને મુંબઈથી ધારી બાજુ આવી રહેલી અનુકુલ ટ્રાવેલ્સની બસ વચ્ચે આજે શનિવારે સવારે ૧૦:૦૦ કલાકની આસપાસ ધારીથી ત્રણ કિલોમીટર દુર ધડાકાભેર અકસ્માત થયો હતો. અકસ્માતમાં એમ્બ્યુલન્સ વાનના કચ્ચરઘાણ વળી ગયા હતા. આ ગોઝારા અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલક મહેશભાઈ પ્રજાપતિ અને ખીચા ગામના દર્દી એવા નિવૃત્ત આર્મીમેન વિશાલ ધીરજલાલ જોશીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ ઈજાગ્રસ્તોને અમરેલી રિફર કરવામાં આવેલા હતા.

મુસ્લિમ આગેવાનો પણ મદદ માટે તાત્કાલીક દોડી આવ્યા
સારવાર માટે ખસેડાયેલાઓ પૈકીના જીતુભાઇ રાજયગુરૂ નામના વધુ એક ઘાયલનું અમરેલી ખાતે મોત નિપજતા મોતનો કુલ આંકડો ત્રણનો થઈ ગયો છે, જ્યારે બે ઘાયલોની સારવાર અમરેલી ખાતે કરવામાં આવી રહી છે. ધારી-અમરેલી હાઈવે પર જોરદાર અકસ્માત થયાની વાતની ખબર પડતાની સાથે જ મોટીસંખ્યામાં લોકો તેમજ સેવાભાવી નવયુવાનો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ધારી શહેરની સામાજિક સેવાકીય સંસ્થા એવી ગાયત્રી ફાઉન્ડેશનના આગેવાન હિતેશભાઈ જોશી, ભરતભાઈ શેઠ અને મુસ્લિમ સમાજના પ્રમુખ મુનાવરખાન દુર્રાની તથા પરવેજભાઈ સુમરા પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઘાયલોના મદદ કાર્યમાં જોડાયા હતા.

ત્રણ આશાસ્પદ યુવાનોના જીવ ગયા
ધારી નજીક થયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ ત્રણ આશાસ્પદ યુવાનો ના મોતની જાણ થતાની સાથે હિતેશભાઈ જોશી, ભરતભાઈ શેઠ, મુનાવરખાન દુર્રાની, પરવેજભાઈ સુમરા, ભરતભાઈ મકવાણા, નરેશભાઈ મકવાણા, જીતુભાઇ જોશી તેમજ હિંદુ મુસ્લિમ સમાજના સેવાભાવી નવયુવાનો વગેરે તાત્કાલિક દોડી આવ્યા હતા અને મૃત્યુ પામેલા આ નવયુવાનોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

ADVERTISEMENT

માંડ માંડ એમ્બ્યૂલન્સ મળતા ઘાયલ વ્યક્તિને સ્ટ્રેચર પર રાખવો પડ્યો
જોકે અહીં ગોઝારા અકસ્માત સમયે ૧૦૮ની એક માત્ર એમ્બ્યુલન્સ સેવા મળી જ્યારે બીજા ઈજાગ્રસ્તોની સહાય કરવા માટે મારૂતિવાન લઈને જીજ્ઞેશભાઈ મહેતા નામનો સેવાભાવી યુવાન મદદરૂપ બન્યો હતો. જ્યારે એક ઘાયલને ગંભીર ઈજાઓ જણાતા અમરેલી ખાતે રિફર કરવાના સમયે ધારી સિવિલ હોસ્પિટલના ચોગાનમાં પડેલી બે એમ્બ્યુલન્સના ડ્રાઈવર ન હોવાથી ઘાયલ વ્યક્તિને દસ મિનિટ સુધી સિવિલ હોસ્પિટલના દરવાજે સ્ટ્રેચર ઉપર સુવડાવવાનો વારો આવ્યો હતો. દરમિયાનમાં ત્યાં હાજર ભરતભાઈ મકવાણા અને શાહબાજ ખાન દુર્રાનીએ આ અંગે ફરજ પરના ડોક્ટરને જાણ કરતા મહા મહેનતે એમ્બ્યુલન્સની વ્યવસ્થા થઈ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT