હત્યાથી લઈને દુષ્કર્મ સુધીના ગુનાની કલમો બદલાઈ, આજથી 3 નવા કાયદાઓ લાગુ; તમારે જાણવું જરૂરી
New Criminal Laws: દેશભરમાં આજે રાતે 12 વાગ્યાથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. જેમાં ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS), ભારતીય ન્યાયિક સંહિતા (BNS) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA)નો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
New Criminal Laws: દેશભરમાં આજે રાતે 12 વાગ્યાથી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. જેમાં ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS), ભારતીય ન્યાયિક સંહિતા (BNS) અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA)નો સમાવેશ થાય છે. આ નવા કાયદાઓમાં કેટલીક કલમો હટાવીને કેટલીક નવી કલમો ઉમેરવામાં આવી છે. કાયદામાં નવી કલમોનો સમાવેશ થયા બાદ પોલીસ, વકીલો અને કોર્ટની સાથે સામાન્ય લોકોની કામગીરીમાં પણ ઘણો બદલાવ આવશે. હવે મહિલાઓને લગતા મોટાભાગના ગુનાઓમાં પહેલા કરતા વધુ સજા મળશે. ઈલેક્ટ્રોનિક માહિતી દ્વારા પણ FIR નોંધી શકાશે. કોમ્યુનિટી સેવા જેવી જોગવાઈઓ પણ લાગુ થશે. 20 પોઈન્ટમાં સમજો ત્રણ નવા કાયદામાં શું ખાસ છે...
1. 1 જુલાઈ પહેલા નોંધાયેલા કેસ પર નવા કાયદાની કોઈ અસર થશે નહીં. એટલે કે, જે કેસ 1 જુલાઈ, 2024 પહેલા નોંધાયેલા છે, તેની તપાસથી લઈને ટ્રાયલ સુધી જૂના કાયદાઓનો ભાગ હશે.
2. 1 જુલાઈથી નવા કાયદા હેઠળ FIR નોંધવામાં આવી છે અને તે મુજબ તપાસથી લઈને ટ્રાયલ પૂર્ણ થશે.
ADVERTISEMENT
3. ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS) માં કુલ 531 કલમો છે. તેની 177 જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો છે. જ્યારે 14 કલમોને હટાવી દેવામાં આવી છે. 9 નવી કલમો અને 39 પેટા કલમો ઉમેરવામાં આવ્યા છે. અગાઉ CrPCમાં 484 કલમો હતી.
4. ભારતીય ન્યાયિક સંહિતા (BNS)માં કુલ 357 કલમો છે. અત્યાર સુધી IPCમાં 511 કલમો હતી.
ADVERTISEMENT
5. એવી જ રીતે ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA)માં કુલ 170 કલમો છે. નવા કાયદામાં 6 કલમો દૂર કરવામાં આવી છે. 2 નવી કલમો અને 6 પેટા કલમો ઉમેરવામાં આવ્યા છે. પહેલા ઈન્ડિયન એવિડેન્સ એક્ટમાં કુલ 167 કલમો હતી.
ADVERTISEMENT
6. નવા કાયદામાં ઓડિયો-વીડિયો એટલે કે ઈલેક્ટ્રોનિક પુરાવા પર ભાર આપવા આવ્યો છે. ફોરેન્સિક તપાસને મહત્વ આપવામાં આવ્યું છે.
7. કોઈપણ નાગરિક ગુના મામલે ગમે ત્યાં ઝીરો FIR નોંધાવી શકશે. આ કેસને તપાસ માટે સંબંધિત પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવશે. જો ઝીરો એફઆઈઆર એવા ગુના સાથે સંબંધિત છે, જેમાં ત્રણથી સાત વર્ષની સજાની જોગવાઈ છે તો ફોરેન્સિક ટીમ દ્વારા પુરાવાની તપાસ કરાવવી પડશે.
8. હવે ઈ-માહિતી દ્વારા પણ FIR નોંધાવી શકાશે. હત્યા, લૂંટ કે દુષ્કર્મ જેવી ગંભીર કલમોમાં પણ E-FIR દાખલ થઈ શકશે. તમે વોઈસ રેકોર્ડિંગ દ્વારા પણ પોલીસને માહિતી આપી શકો છો. E-FIRના કિસ્સામાં ફરિયાદીએ ત્રણ દિવસમાં પોલીસ સ્ટેશન પહોંચવું પડશે અને FIRની નકલ પર સહી કરવી પડશે.
9. ફરિયાદીને FIR અને નિવેદન સંબંધિત દસ્તાવેજો આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ફરિયાદી ઈચ્છે તો પોલીસ દ્વારા આરોપીની કરવામાં આવેલી પૂછપરછના મુદ્દા પણ જાણી શકે છે.
10. FIR ના 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવી જરૂરી રહેશે. ચાર્જશીટ દાખલ થયાના 60 દિવસની કોર્ટે આરોપો નક્કી કરવા પડશે.
11. કોર્ટે કેસની સુનાવણી પૂર્ણ થયાના 30 દિવસમાં ચુકાદો આપવાનો રહેશે. ચુકાદો આપ્યા બાદ તેની નકલ 7 દિવસમાં આપવાની રહેશે.
12. પોલીસે અટકાયત કરાયેલ વ્યક્તિ વિશે તેના પરિવારને લેખિતમાં જાણ કરવાની રહેશે. ઓફલાઈન અને ઓનલાઈન પણ માહિતી આપવાની રહેશે.
13. મહિલાઓ-બાળકો વિરુદ્ધ થતાં અપરાધોને BNSમાં કુલ 36 કલમોમાં જોગવાઈ કરવામાં આવી છે. દુષ્કર્મનો કેસ કલમ 63 હેઠળ નોંધવામાં આવશે. કલમ 64માં ગુનેગાર માટે મહત્તમ આજીવન કેદ અને ઓછામાં ઓછી 10 વર્ષની જેલની જોગવાઈ છે.
14. કલમ 65 હેઠળ 16 વર્ષથી ઓછી ઉંમરની પીડિતા પર દુષ્કર્મ કરવા બદલ 20 વર્ષની સખત કેદ, આજીવન કેદ અને દંડની જોગવાઈ છે. સામૂહિક દુષ્કર્મમાં પીડિતા જો પુખ્ત હોય તો ગુનેગારને આજીવન કેદની સજાની જોગવાઈ છે.
15. 12 વર્ષથી નાની વયની પીડિતા પર દુષ્કર્મ આચરનાર ગુનેગારને ઓછામાં ઓછી 20 વર્ષની સજા, આજીવન કેદ અથવા મૃત્યુ દંડની જોગવાઈ છે. લગ્નના બહાને શારીરિક સંબંધ બાંધવાના ગુનાને દુષ્કર્મ કરતા અલગ ગુનો ગણવામાં આવ્યો છે. એટલે કે તેને દુષ્કર્મની પરિભાષામાં નથી રાખવામાં આવ્યો.
16. પીડિતને તેના કેસ સાથે સંબંધિત દરેક અપડેટની જાણકારી દરેક સ્તરે તેના મોબાઈલ નંબર પર SMS દ્વારા આપવામાં આવશે. અપડેટ્સ આપવાની સમય મર્યાદા 90 દિવસ નિર્ધારિત કરવામાં આવી છે.
17. રાજ્ય સરકારો હવે રાજકીય કેસ (પાર્ટીના કાર્યકરોના ધરણા પ્રદર્શન અને આંદોલન) સંબંધિત કેસોને એકપક્ષીય રીતે બંધ કરી શકશે નહીં. ધરણ-પ્રદર્શન, વિરોધમાં જો ફરિયાદી સામાન્ય નાગરિક છે તો તેની મંજૂરી લેવી પડશે.
18. સાક્ષીઓના રક્ષણ માટે પણ જોગવાઈ છે. તમામ ઈલેક્ટ્રોનિક પુરાવાઓ પણ પેપર રેકોર્ડની જેમ કોર્ટમાં માન્ય રહેશે.
19. મોબ લિંચિંગ પણ ગુનાના દાયરામાં આવે છે. શરીર પર ઈજા પહોંચાડતા ગુનાઓને કલમ 100-146 હેઠળ આવરી લેવામાં આવ્યા છે. હત્યાના કિસ્સામાં કલમ 103 હેઠળ કેસ નોંધવામાં આવશે. કલમ 111માં સંગઠિત અપરાધ માટે સજાની જોગવાઈ છે. સેક્શન 113માં ટેરર એક્ટનું વર્ણન કરવામાં આવ્યું છે. મોબ લિંચિંગના કેસમાં 7 વર્ષની કેદ અથવા આજીવન કેદ અથવા ફાંસીની જોગવાઈ છે.
20. ચૂંટણીલક્ષી ગુનાઓને કલમ 169-177 હેઠળ રાખવામાં આવ્યા છે. સંપત્તિને નુકસાન, ચોરી અને લૂંટ વગેરે જેવી બાબતો કલમ 303-334 સુધી રાખવામાં આવી છે. કલમ 356માં માનહાનિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કલમ 79માં દહેજ મામલે હત્યા અને કલમ 84માં દહેજ ઉત્પીડનનો ઉલ્લેખ છે.
ADVERTISEMENT