બિલ્કીસ બાનો કેસઃ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો નિર્ણય પલટ્યો, દોષિતોની મુક્તિનો નિર્ણય કરાયો રદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Bilkis Bano Case: બિલ્કીસ બાનો કેસના દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે. કોર્ટે અરજીને સુનાવણી માટે યાગ્ય માની છે. SCએ કહ્યું, મહિલાઓ સન્માનની હકદાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બને રાજ્યો (મહારાષ્ટ્ર-ગુજરાત)ની નીચલી કોર્ટ અને હાઈકોર્ટ નિર્ણયો લઈ ચૂકી છે. આવી સ્થિતિમાં આમાં કોઈપણ પ્રકારની દખલગીરીની જરૂર જણાતી નથી.

11 દોષિતોને કર્યા હતા જેલમુક્ત

ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલ્કીસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજાના તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલ્કીસ બાનો કેસના ગુનેગારોને જેલમાં જવું પડશે.

ADVERTISEMENT

11 દિવસ સુધી ચાલી હતી સુનાવણી

જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેંચ આ અંગે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. ખંડપીઠે ગયા વર્ષે 12 ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ કેસની કોર્ટમાં સતત 11 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારે દોષિતોની સજા માફી સંબંધિત ઓરિજનલ રેકોર્ડ રજૂ કર્યા હતા.

સજા માફીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો

ગુજરાત સરકારે દોષિતોની સજા માફ કરવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. સમય પહેલા દોષિતોની જેલ મુક્તિ પર સુપ્રીમ કોર્ટે સવાલો પણ ઉઠાવ્યા હતા. જો કે, કોર્ટે કહ્યું હતું કે તે સજા માફીની વિરુદ્ધ નથી, પરંતુ તે સ્પષ્ટ થવું જોઈએ કે દોષિતો કેવી રીતે માફી માટે પાત્ર બન્યા. સુનાવણી દરમિયાન એક દોષિત માટે હાજર રહેલા સિનિયર વકીલ સિદ્ધાર્થ લુથરાએ દલીલ કરી હતી કે સજાની માફીએ દોષિતે સમાજમાં ફરીથી જીવવાની આશાનું એક નવું કિરણ જોયું છે, અને તેને ઘણો પસ્તાવો પણ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

કોને કરાયા છે જેલ મુક્ત?

આ કેસમાં જે દોષિતોને જેલ મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં જસવંતભાઈ નાઈ, ગોવિંદભાઈ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વહોનિયા, પ્રદીપ મોરઢીયા, બકાભાઈ વહોનિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદાનાનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

કોણે કરી હતી અરજી?

આ દોષિતોની જેલ મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. બિલ્કીસ બાનો ઉપરાંત સીપીએમ નેતા સુભાષિની અલી, પત્રકાર રેવતી લૌલ અને પૂર્વ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પણ અરજી કરી હતી.

શું છે સમગ્ર મામલો?

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કોચને સળગાવી દેવામાં આવ્યો હતો. આ ટ્રેન દ્વારા કારસેવકો પરત ફરી રહ્યા હતા. જેમાં 59 કાર સેવકોના મોત થયા હતા. આ પછી તોફાનો ફાટી નીકળ્યા હતા. રમખાણોની આગથી બચવા માટે બિલ્કીસ બાનો પુત્રી અને પરિવાર સાથે ગામ છોડીને ચાલ્યા ગયા હતા.

બિલ્કીસ બાનો અને તેમનો પરિવાર જ્યાં છુપાયો હતો, ત્યાં 3 માર્ચ 2002ના રોજ 20-30 લોકોના ટાળાએ તલવાર અને લાકડીઓ સાથે હુમલો કર્યો હતો. જે બાદ ટોળાએ બિલ્કીસ બાનો પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. તે સમયે બિલ્કીસ બાનો ગર્ભવતી હતા. એટલું જ નહીં તેમના પરિવારના 7 સભ્યોની હત્યા પણ કરી દેવામાં આવી હતી. બાકીના 6 સભ્યો ત્યાંથી ભાગી ગયા હતા.

2008માં મળી હજી આજીવન કેદની સજા

આ ઘટના પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા હતા. આ કેસના આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી . આ કેસની ટ્રાયલ અમદાવાદમાં શરૂ થઈ હતી. બાદમાં બિલ્કિસ બાનોએ ચિંતા વ્યક્ત કરી હતી કે જો કેસ અહીં ચાલુ રહેશે તો સાક્ષીઓને ડરાવવામાં આવશે અને પુરાવા સાથે ચેડાં થઈ શકે છે. આ પછી સુપ્રીમ કોર્ટે કેસને અમદાવાદથી મુંબઈ ટ્રાન્સફર કર્યો હતો. 21 જાન્યુઆરી 2008ના રોજ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. સ્પેશિયલ કોર્ટે પુરાવાના અભાવે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે ટ્રાયલ દરમિયાન એક દોષિતનું મોત થયું હતું. બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ ગુનેગારોની સજાને યથાવત રાખી હતી. 2019માં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બિલ્કીસ બાનોને 50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત બિલ્કીસ બાનોને નોકરી અને મકાન આપવાનો આદેશ પણ આપ્યો હતો.

 

    follow whatsapp

    ADVERTISEMENT