Bharat Bandh 2024: આજે ભારત બંધ, શું ખુલ્લુ રહેશે અને શું બંધ રહેશે? જાણો શું છે ડિમાન્ડ
સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના નિર્ણય સામે દલિત-આદિવાસી સંગઠનોએ બુધવારે 14 કલાક માટે ભારત બંધનું આહ્વાન કર્યું છે.
ADVERTISEMENT
Bharat Bandh 2024: સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમીલેયર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના નિર્ણય સામે દલિત-આદિવાસી સંગઠનોએ બુધવારે 14 કલાક માટે ભારત બંધનું આહ્વાન કર્યું છે. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન નામના સંગઠને સુપ્રીમ કોર્ટના નિર્ણયને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ ગણાવ્યો છે અને કેન્દ્ર સરકારને તેને રદ કરવાની માંગ કરી છે.
સુપ્રીમ કોર્ટે શું આપ્યો છે નિર્ણય?
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ક્વોટાની અંદર ક્વોટા સંબંધિત કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 6-1ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે રાજ્યોને અનામત માટે ક્વોટાની અંદર ક્વોટા બનાવવાનો અધિકાર છે. એટલે કે રાજ્ય સરકારો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સબ કેટેગરીઓ બનાવી શકે છે, જેથી સૌથી વધુ જરૂરિયાતમંદોને અનામતમાં પ્રાથમિકતા મળી શકે. રાજ્યની વિધાનસભાઓ આ અંગે કાયદો બનાવી શકશે. આ સાથે સુપ્રીમ કોર્ટે તેના 2004ના જૂના નિર્ણયને રદ કરી દીધો છે. જોકે, કોર્ટેનું એવું પણ કહેવું હતું કે, તમામ કેટેગરીના આધાર ઉચિત હોવા જોઈએ. કોર્ટેનું કહેવું હતું કે આવું કરવું બંધારણની કલમ 341 વિરુદ્ધ નથી. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે SCમાં કોઈપણ એક જાતિને 100% ક્વોટા આપી શકાય નહીં. આ ઉપરાંત SCમાં સમાવિષ્ટ કોઈપણ જાતિનો ક્વોટા નક્કી કરતા પહેલા તેની હિસ્સેદારી વિશે નક્કર ડેટા હોવો જોઈએ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બનેલી બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો હતો.
કેમ થઈ રહ્યો છે વિરોધ?
આ નિર્ણય દેશભરમાં વિવાદનો વિષય બન્યો છે. વિરોધીઓનું માનવું છે કે આનાથી અનામત વ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયો છે. ઘણી સંસ્થાઓએ કહ્યું કે આ અનામત નીતિની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે આનાથી અનામતની પ્રવર્તમાન વ્યવસ્થા પર નેગેટિવ અસર પડશે અને સામાજિક ન્યાયની ધારણા નબળી પડશે. વિરોધી કરનારાઓનો તર્ક છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આ અનામત તેમની પ્રગતિ માટે નથી પરંતુ સામાજિક રીતે તેમની સાથે થયેલા જુલમ સામે ન્યાય અપાવવા માટે છે. તર્ક એવો પણ છે કે, અસ્પૃશ્યતાનો ભોગ બનેલી આ જ્ઞાતિઓને એક જૂથ તરીકે ગણવી જોઈએ. તેઓ આને અનામત ખતમ કરવાનું ષડયંત્ર ગણાવી રહ્યા છે.
ADVERTISEMENT
કેમ કરાયું છે ભારત બંધનું એલાન?
ભારત બંધનો મુખ્ય ઉદ્દેશ્ય સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારવાનો અને તેને પાછો ખેંચવાની માંગ કરવાનો અને સરકાર પર દબાણ લાવવાનો છે. સંગઠનોનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટે ક્વોટામાં ક્વોટા અંગેના નિર્ણયને પાછો ખેંચવો જોઈએ અથવા પુનર્વિચાર કરવો જોઈએ. NACDAORએ દલિતો, આદિવાસીઓ અને OBCને બુધવારે શાંતિપૂર્ણ આંદોલનમાં ભાગ લેવાની અપીલ કરી છે.
શું છે માંગ?
સંગઠનોએ સરકારી નોકરીઓમાં નિયુક્ત એસસી, એસટી અને ઓબીસી કર્મચારીઓના જાતિગત આંકડા જાહેર કરવા અને ભારતીય ન્યાયિક સેવા દ્વારા ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની નિમણૂક કરવાની માંગ કરી છે. NACDAORનું કહેવું છે કે સરકારી સેવાઓમાં SC/ST/OBC કર્મચારીઓના જાતિ આધારિત ડેટાને તાત્કાલિક જાહેર કરવામાં આવે, જેથી તેમનું સચોટ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થઈ શકે. સમાજના તમામ વર્ગોમાંથી ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની ભરતી કરવા માટે ભારતીય ન્યાયિક સેવા આયોગની પણ સ્થાપના કરવામાં આવે, જેથી હાયર જ્યુડિશિયરીમાં SC, ST અને OBC શ્રેણીઓનું 50 ટકા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય.
ADVERTISEMENT
આ સાથે સંગઠનનું કહેવું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોની સાથે-સાથે જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં તમામ બેકલોગ ખાલી જગ્યાઓ ભરવામાં આવે. સરકારી પ્રોત્સાહનો અથવા રોકાણોથી લાભ મેળવતી ખાનગી ક્ષેત્રની કંપનીઓએ તેમની કંપનીઓમાં સકારાત્મક કાર્યવાહીની નીતિઓ લાગુ કરવી જોઈએ. આરક્ષણને લઈને દલિત-આદિવાસી સંગઠનો SC, ST અને OBC માટે સંસદમાં નવો અધિનિયમ પસાર કરવાનું પણ આહ્વાન કરી રહ્યા છે, જેને બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરીને તેને સુરક્ષિત કરવામાં આવે. તેઓનો તર્ક છે કે આ જોગવાઈઓને ન્યાયિક હસ્તક્ષેપથી સુરક્ષા મળશે અને સામાજિક સંવાદિતાને પ્રોત્સાહન મળશે.
ADVERTISEMENT
ભારત બંધમાં કોનું-કોનું મળ્યું છે સમર્થન?
દલિત અને આદિવાસી સંગઠનો ઉપરાંત વિવિધ રાજ્યોના પ્રાદેશિક રાજકીય પક્ષો પણ ભારત બંધને સમર્થન આપી રહ્યા છે. તેમાં મુખ્યત્વે બહુજન સમાજ પાર્ટી, ભીમ આર્મી, આઝાદ સમાજ પાર્ટી (કાશીરામ), ભારત આદિવાસી પાર્ટી, બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ, LJP (R) અને અન્ય સંગઠનોના નામ સામેલ છે. કોંગ્રેસે પણ બંધને સમર્થન આપ્યું છે. આ સંગઠનોનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય અનામતના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને તેને પાછો ખેંચવો જોઈએ.
કઈ સેવાઓ પ્રભાવિત નહીં થાય?
ભારત બંધ દરમિયાન હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી જેવી આવશ્યક સેવાઓ સામાન્ય રીતે ચાલશે. સરકારી કચેરીઓ, પેટ્રોલ પંપ, શાળા-કોલેજ અને બેંકો પણ ખુલ્લી રહી શકશે. જાહેર પરિવહન અને રેલ સેવાઓ પણ ચાલુ રહેશે. જોકે બંધને લઈને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
પોલીસ વિભાગ એલર્ટ મોડમાં
ભારત બંધને લઈ ખાસ કરીને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં બંધની વ્યાપક અસર જોવા મળી શકે છે. રાજસ્થાનમાં જયપુર, દૌસા, ભરતપુર, ગંગાપુર સિટી, ડીગ સહિત પાંચ જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ઝુંઝુનુ અને સવાઈ માધોપુર જિલ્લાની શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT