નવી દિલ્હી : કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યારથી જ ભયાનક ગરમી માટે તૈયાર રહેવા અને તે માટેની આનુષાંગિક તૈયારીઓ શરૂ કરવા માટેના નિર્દેશ આપ્યા છે. ગાબાએ કહ્યું કે, 2023 સામાન્ય કરતા વધુ ગરમ રહેવાની શક્યતા છે. જેને ધ્યાને રાખીને, સંબંધિત પડકારોનો સામનો કરવા માટે રાજ્યોએ તૈયાર રહેવું જોઇએ. તે માટે જરૂરિ તમામ સહાય કેન્દ્ર સરકાર પણ ઉપલબ્ધ કરાવશે. ગાબાએ આગામી ઉનાળાની તૈયારીઓની સમીક્ષા માટે એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં આ અંગે સુચનાઓ પણ આપી હતી.
2023 માં ગરમી નવા રેકોર્ડ બનાવશે જે દેશ માટે ચિંતાજનક
રાજીવ ગાબાએ કહ્યું કે, 2023 સામાન્ય કરતા વધુ ગરમ રહેવાની અપેક્ષા હોવાથી, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પડકારોને પહોંચી વળવા માટે પૂરતી રીતે તૈયાર રહેવાની જરૂર છે.આ ઉપરાંત નાગરિકોમાં પણ ઉનાળા અંગે જાગૃતિ આવે તે માટેના અભિયાનો ચલાવવા જોઇએ. નાગરિકો ઉનાળા દરમિયાન બિનજરૂરી બહાર ન નિકળે અને નિકળે તો ગરમી સામે પહોંચી વળવા માટે પુરતી તકેદારી રાખે તે માટેના ઉપાય કરવા જોઇએ. ગાબાએ જણાવ્યું કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબ્લ્યુ) અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) દ્વારા જારી કરવામાં આવેલી સલાહોને પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદિત કરીને પ્રકાશિત અને પ્રસારિત કરવી જોઇએ. નાગરિકો સુધી આ માહિતી પહોંચે તેની વ્યવસ્થા કરવી જોઇએ.
ઉનાળા પહેલાની તમામ આનુષાંગિક તૈયારીઓ કરવા અપીલ
કેબિનેટ સચિવે વધુમાં હેન્ડપંપોના સમારકામ, ફાયર ઓડિટ અને મોકડ્રીલ જેવી મૂળભૂત તૈયારીઓના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાજ્યોને ખાતરી આપી હતી કે, કેન્દ્રીય એજન્સીઓ જરૂરિયાત મુજબ અને સમયાંતરે તેમની સાથે સંકલન જાળવી રાખશે તથા જરૂરી સહાય માટે હંમેશા તત્પર રહેશે. પરંતુ આગામી ઉનાળાની ગંભીરતા જોતા તમામ રાજ્યો સતર્ક થાય તે ખુબ જ જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે આ વખતે ઉનાળો ખુબ જ આકરો રહેવાની અને સરેરાશ તમામ રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી ઉપર રહેવાનું અનુમાન જાહેર કર્યું છે.
હવામાન વિભાગ પણ વાતાવરણ અંગે ચિંતિત
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ પણ માર્ચથી મે 2023 સુધીનું તાપમાન કેટલું રહેશે તે અંગેની માહિતી આપી હતી. આઇએમડીના અનુસાર આ સમયગાળા દરમિયાન ઉત્તરપૂર્વ, પૂર્વ અને મધ્ય ભારતના મોટાભાગના ભાગો અને ઉત્તરપશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે. જો કે દક્ષિણ દ્વીપકલ્પ ભારત સિવાય દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાની સંભાવના છે. માત્ર દક્ષિણના વિસ્તારોમાં સામાન્યથી ઓછું તાપમાન રહેવાની શક્યતા છે. આઇએમડીએ વધુમાં માહિતી આપી હતી કે, માર્ચના છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારત-ગંગાના મેદાનો અને પૂર્વી ભારતના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતા 2-30 ડિગ્રી સેલ્સિયસ વધુ રહી શકે છે. ઉલ્લેખનીય છે કે, ઉનાળાને લઈને પીએમ મોદી પણ સમીક્ષા બેઠક કરી ચુક્યા છે. હવે કેબિનેટ સચિવે બેઠક કરીને રાજ્યોને ચેતવ્યાં છે અને તેના માટેની તૈયારીઓ કરવા માટે પણ અપીલ કરી છે.