PM મોદી પોતાના દરેક ભાષણમાં કેમ સતત 20થી 25 વર્ષના યુવાઓનો ખાસ ઉલ્લેખ કરી રહ્યા છે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. આ વચ્ચે તમામ રાજકીય પાર્ટીઓ જોરશોરથી ચૂંટણીના પ્રચારમાં લાગી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને જનસભાને સંબોધી રહ્યા છે. જોકે પોતાના સંબોધનમાં વડાપ્રધાન ઘણી વખત ખાસ કરીને યુવાઓનો ઉલ્લેખ ચોક્કસપણ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સવાલ થાય છે કે શા માટે વડાપ્રધાન પોતાના ભાષણમાં આજના યુવાનોને 20-25 વર્ષ પહેલાના ગુજરાતની વાત સતત યાદ કરાવી રહ્યા છે?

ગુજરાતમાં કેટલા યુવા મતદારો?
તાજેતરમાં જ ચૂંટણી પંચે 2022ની વિધાનસભા ચૂંટણી માટે આખરી મતદારયાદીની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યમાં 18 થી 19 વય જૂથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી હોવાનું સામે આવ્યું હતું. આ યુવા મતદારો પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 20 થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આમ કુલ 8.64 લાખ જેટલા યુવા મતદારો આ વખતે પહેલી વખત વોટ આપશે.

યુવાઓને 20 વર્ષ પહેલાનું ગુજરાત યાદ કરાવે છે PM
PM પોતાના ભાષણમાં ઘણીવાર કહી ચૂક્યા છે કે, 20-25 વર્ષ અગાઉ ગુજરાતમાં ગમે ત્યારે તોફાનો થતા, લાઈટની સમસ્યા હતી, પાણીની સમસ્યા હતી જે ભાજપની સરકાર આવ્યા બાદ દૂર થઈ. જોકે આજના યુવાઓએ 20 વર્ષ પહેલાના ગુજરાતની સમસ્યા અગાઉ જોઈ જ નથી. એવામાં તેઓ 20 વર્ષ પહેલાના ગુજરાત અને આજના ગુજરાતનું ચિત્ર બતાવી ભાજપની સરકાર આવ્યા બાદ થયેલા સુધારાઓ બતાવીને તેમને પોતાના તરફ આકર્ષવાનો પ્રયાસ કરતા હોય તેમ સ્પષ્ટ જણાય છે. ભાજપના પરંપરાગત જૂના મતદારો તો સાથે છે, પરંતુ આ નવા મતદારો જોડાઈ જાય તો ભાજપના આ વિજય રથને કોઈ અટકાવવો દરેક પાર્ટી માટે મુશ્કેલ થઈ શકે છે.

ADVERTISEMENT

યુવા મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
ભાજપે આ ચૂંટણીમાં 182 વિધાનસભા બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જે માટે આ યુવા મતદારો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.  8.64 લાખ મતદારોની સંખ્યા ખૂબ જ મોટી કહેવાય અને તે રાજ્યની ઘણી બેઠકો પર અસર કરી શકે છે. આ મતદારોના મત દરેક બેઠક પર ઉમેદવારો માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે અને ઉમેદવારના હાર અને જીતનું ભાવિ નક્કી કરી શકે છે. એવામાં ભાજપની નજર ખાસ કરીને આ યુવા મતદારો પર હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT