PM મોદીની ચૂંટણી સભા માટે જામકંડોરણામાં જ કેમ પસંદ કરાયું? આવું છે કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

જામકંડોરણા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાટીદારોના ગઢ જામકંડોરણામાં જનસભાને સંબોધન કરવાના છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને જામકંડોરણામાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે, બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનની જન સભામાં 1.50 લાખ જેટલા લોકો આવે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે ચૂંટણી પ્રચાર માટે PM મોદીએ જામકંડોરણા જ કેમ પસંદ કર્યું અને રાજકીય રીતે આ બેઠકનું શું મહત્વ છે તેના પર એક નજર કરીએ…

જામકંડોરણામાં શું છે જાતિવાદી સમીકરણો
જામકંડોરણા બેઠક પર વર્ષોથી રાદડીયા પરિવારનો જ દબદબો રહ્યો છે. જેતપુર-જામકંડોરણા વિધાનસભા બેઠકને રાદડીયા પરિવારનો ગઢ માનવામાં આવે છે. વિઠ્ઠલ રાદડીયા બાદ જયેશ રાદડીયાનો જેતપુર બેઠક પર દબદબો છે. આ બેઠક પર જાતિવાદી સમીકરણોની વાત કરીએ તો જેતપુરમાં લેઉઆ, કડવા પટેલ, ક્ષત્રિય, કોળી, આહીર, બ્રાહ્મણ, માલધારી, ખાંટ, દલિત અને લઘુમતિ સમાજનું પ્રભુત્વ છે. જેતપુર અને જામકંડોરણામાં લેઉઆ પટેલનું પ્રભુત્વ સૌથી વધુ છે.

લેઉઆ પટેલ સમાજનો સૌથી વધુ દબદબો
આ વિસ્તારમાં 100 ટકામાંથી 7 ટકા કોળી, 45 ટકા લેઉઆ પટેલ, 13 ટકા દલિત, 7 લઘુમતિ, 5 ટકા કડવા પટેલ, 5 ટકા ક્ષત્રિય અને 18 ટકા મતદારો અન્ય છે. ગુજરાતમાં પાટીદાર સમાજની વસ્તી 15 ટકા છે. એકલો લેઉઆ પટેલ સમાજ સૌરાષ્ટ્ર, સુરત અને મધ્ય ગુજરાતમાં 50 બેઠકો પર કુલ સીધી રીતે અસર કરી શકે છે. ત્યારે લેઉઆ પટેલ પાટીદાર સમાજના એપીસેન્ટર જામકંડોરણામાં સભા કરીને ભાજપે એક તીરે અનેક નિસાન સાધ્યા છે.

ADVERTISEMENT

લેઉઆ પાટીદારો ભાજપથી આકર્ષાશે?
ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની સૌથી વધુ અસર થઈ હતી. તેમાં પણ ગ્રામિણ વિસ્તારમાં લેઉઆ પાટીદાર સમાજના મતો ભાજપ વિરુદ્ધ જોવા મળ્યા હતા. ત્યારે આ વખતે આ મતનો લાભ ભાજપને મળે અને લેઉઆ પાટીદાર સમાજ ભાજપથી આકર્ષાય તે માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. એટલા માટે જામકંડોરણાની આ સભા ખૂબ જ મહત્વની છે. ભાજપે આ વખતે 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે, આ માટે લેઉઆ પટેલ સમાજની નારાજગી દૂર કરવી ખૂબ જ જરૂરી છે. ત્યારે ભાજપે તેમના સ્ટાર પ્રચારક PM મોદીની સભા અહીં કરીને લેઉઆ પટેલ સમાજ સાથે અન્ય સમાજને પણ ભાજપ પ્રત્યે આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT