સાળંગપુર સાંબેલાધાર વરસાદ, કચ્છમાં વીજળી પડતા યુવકનું મોત, આજે ક્યાં છે માવઠાની આગાહી?
અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલી નવી સિસ્ટમની અસરે રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં શનિવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર તથા કચ્છ…
ADVERTISEMENT
અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલી નવી સિસ્ટમની અસરે રાજ્યમાં ઘણા જિલ્લાઓમાં શનિવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર તથા કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસાદથી પાકને નુકસાનીની ચિંતામાં ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો હતો. અમરેલી અને બોટાદમાં રીસતર ચોમાસા જેવો માહોલ જામ્યો હતો અને ધોધમાર વરસાદથી શેરીઓ પાણી-પાણી થઈ ગઈ હતી. જ્યારે કચ્છમાં વીજળી પડતા એક યુવકનું મોત નિપજ્યું છે. તો અમદાવાદમાં પણ મોડી રાત્રે વરસાદી ઝાપટું પડ્યું હતું.
બોટાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ
બોટાદમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાળંગપુરમાં રાત્રે સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. આ સાથે ભાવનગરમાં ઉમરાળા, વલભીપુર, પાલીતાણા તથા જેસરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. તો સુરેન્દ્રનગરમાં પાટડી, વઢવાણ તથા સુરેન્દ્રનગર શહેરમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા.
કચ્છના રાપરમાં વીજળી પડતા યુવકનું મોત
અમદાવાદમાં પણ પૂર્વના વિસ્તારોમાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાત્રે 9 વાગ્યા બાદ વીજળીના કડાકા થયા હતા. તથા વસ્ત્રાલ વિસ્તારમાં કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા હતા. તો કચ્છના રાપર તાલુકાના જાટાવાડા ગામ નજીક ખેતરેથી ઘરે જવાની તૈયારી કરતા 26 વર્ષના યુવક પર વીજળી પડી હતી. જેથી તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. યુવકને દોઢ વર્ષની દીકરી છે. જેણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
ADVERTISEMENT
અમરેલીમાં રસ્તા પર નદીઓ વહી
આગાહી પ્રમાણે અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું હતું. જેના કારણે અહીં છૂટો છવાયો વરસાદ પણ જોવા મળ્યો હતો. અમરેલીના ધારી પંથકના કેટલાક ગામોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. ધારીમાં સરસીયા ગામે વરસાદના છાંટા પડ્યા હતા. ઉપરાંત ધારીના સુખપુર અને કાંગસામાં તથા ગોવિંદપુર સહિતના ઘણા ગામોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. ધારી પંઠકમાં કેટલાક ગ્રામ્ય વિસ્તોરમાં છાંટા પડતા કેસર કેરીના ગઢ ગણાતા ધારી પંછકમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ ચણા, ઘઉં અને ધાણા પણ તૈયાર થઈ ચુક્યા છે ત્યારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે નુકસાનની ભૂતિ સેવાઈ રહી છે. આ સાથે જ સાવરકુંડલા, ખાંભા અને રાજુલા પંથકમાં પણ વરસાદી વાતાવરણથી વાદળો ઘેરાયા હતા. એટલું જ નહીં પણ સાવરકુંડલા શહેરમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા. ઉપરાંત પીઠવડી, જીંજુડા, સેંજળના પાટીયે વરસાદી ઝાપટું પડ્યું હતું.
ડાંગમાં વરસાદી ઝાપટું
ડાંગ જિલ્લામાં આહવા ખાતે ભરાયેલા ડાંગ દરબારના રંગમાં ભંગ પડ્યો હતા. માવઠાની આગાહી પ્રમાણે અહીં શનિવારે અચાનક વાતાવરણ પલટાયા પછી ધૂંઆધાર વરસાદ પડવા લાગ્યો હતો. આહવા ખાતેથી ગ્રામ્ય વિસ્તારોમાંથી અહીં ખરીદી કરવા માટે આવેલા લોકો હતાશ થયા હતા. સાથે જ નાની મોટી દુકાનો માંડીને રેકડીઓ વાળા વેપારીઓ અને લારી વાળાઓને પણ આ કારણે નુકસાન થયું હતું.
ADVERTISEMENT
આજે પણ વરસાદની આગાહી
હવામાન વિભાગે હાલમાં કરેલી આગાહી પ્રમાણે આગામી 4 અને 5મી માર્ચે કચ્છમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત જુનાગઢમાં ગાજવિજ સાથે પણ વરસાદ પડી શકે છે. દક્ષિણમાં દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ બલદાયેલા વાતાવરણ પાછળનું કારણ આપતા કહ્યું છે કે રાજસ્થાન પર સર્ક્યૂલેશનની અસરને કારણે આ વિસ્તારોમાં વરસાદ થવાનું અનુમાન છે. આ ઉપરાંત હવામાન વિભાગે આ ઉનાળો અત્યંત ગરમ રહેશે તેવી પણ વકી દર્શાવી છે. કેટલાક વિસ્તારોમાં તો રેકોર્ડ્સ તૂટે તેવી ગરમી પણ પડે તેવું માનવામાં આવી રહ્યું છે. લગભગ માર્ચના શરૂઆતના દિવસોમાં જ 40 ડિગ્રી તાપમાન પહોંચી જાય તેવી સંભાવનાઓ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT