રાજકોટની આ બેઠક છે ખુબ ખાસ, નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી, વજુભાઇ વાળા ચુક્યા છે ચૂંટણી
દિગ્વિજય પાઠક, વડોદરા: આ ચૂંટણીમાં અનેક રાજકીય સમીકરણો બદલાશે. મોટા નેતાઓને સાચવવા પડશે, યુવાનોને પ્રોત્સાહન આપવું પડશે અને જ્ઞાતિવાદી રાજકારણ પણ રમવું પડશે. આવી સ્થિતિમાં…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક, વડોદરા: આ ચૂંટણીમાં અનેક રાજકીય સમીકરણો બદલાશે. મોટા નેતાઓને સાચવવા પડશે, યુવાનોને પ્રોત્સાહન આપવું પડશે અને જ્ઞાતિવાદી રાજકારણ પણ રમવું પડશે. આવી સ્થિતિમાં સૌનું ધ્યાન રાજ્યની કોઈ હોટ સીટ પર રહેશે. આ હોટ સીટમાં રાજકોટ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રની રાજકીય રાજધાની ગણાતી રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકને અત્યાર સુધીની ગુજરાતની સૌથી વધુ VIP બેઠકો પૈકીની એક ગણી શકાય. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાલ આ બેઠક પરથી ધારાસભ્ય છે.
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી રાજકોટ જિલ્લાની કુલ 8 વિધાનસભાની બેઠક છે. રાજકોટ જિલ્લો ગુજરાતના રાજકારણમાં ખુબ જ મહત્વનો ગણવામાં આવે છે. રાજકોટ જિલ્લાની વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડનાર નેતા આગળ જતા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ બન્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક ગુજરાતના રાજકારણમાં ખુબજ ચર્ચામાં રહી છે. વર્ષ 2002માં નરેન્દ્ર મોદી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા આ બેઠક પર કુલ 7 વખત ચૂંટણી જીત્યા છે જયારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બેઠક પરથી 2 વખત ચૂંટણી જીતી ચુક્યા છે. ભાજપના આ ગઢ ગણાતી બેઠક પહેલા રાજકોટ -2 બેઠક ગણાતી હતી વર્ષ 2012થી આ બેઠકને રાજકોટ – પશ્ચિમ બેઠક તરીકે નામાંકન કરવામાં આવ્યું.
મતદારનું સમીકરણ
રાજકોટ પશ્ચિમ બેઠક પર કુલ 353947 મતદારો છે. આ બેઠક પર પાટીદારોના સૌથી વધુ 72,000 મતદારો છે. જેમાંથી 38 હજાર મતદારો કડવા પાટીદારો છે. પાટીદારો ઉપરાંત બ્રાહ્મણ મતદારો 44 હજાર, વણિક સમાજના 30 હજાર અને લોહાણા મતદારો 24 હજાર છે.
ADVERTISEMENT
2017નું સમીકરણ
રાજકોટ પશ્ચિમ બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામાં જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી મેદાને હતા અને તેમને ટક્કર આપવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ મેદાને ઉતર્યા હતા. આ બેઠક પર 353947 મતદારો છે જેમાં 179559 પુરુષ અને 174382 સ્ત્રી મતદારો જયારે 6 અન્ય મતદારો છે. વર્ષ 2017ના ચૂંટણી પરિણામની વાત કરવામાં આવે તો આ બેઠક પર 67.68 % મતદાન થયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર વિજય રૂપાણીને કુલ મતદાનના 60.67% એટલેકે 1,31,586 મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુને 35.89% મત મળ્યા હતા. આમ વિજય રૂપાણીએ આ બેઠક જીતી હતી. વિજય રૂપાણી ફરી મુખ્યમંત્રી બન્યા હતા.
આ કારણે બેઠક છે ચર્ચામાં
વર્ષ 2021માં મુખ્યમંત્રી પદ્દ પરથી વિજય રૂપાણીએ રાજીનામુ આપી દીધું હતું અને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. વિજય રૂપાણીની કેબિનેટના એક પણ મિનિસ્ટરને રિપીટ કરવામાં આવ્યા ન હતા આ ઉપરાંત વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો અણબનાવ ઘણી વખત સામે આવી ચુક્યો છે. ત્યારે આ બેઠક પર રૂપાણીને રિપીટ કરાશે કે નવો ચેહરો આવશે તે જોવાનું રહ્યું.
ADVERTISEMENT
શું છે રાજકીય સમીકરણ
આ બેઠક પર ઘણા ઉચ્ચ જાતિના મતદારો ભાજપની તરફેણમાં છે, તેથી આ બેઠક પર ભાજપની મજબૂત પકડ છે. રાજકોટ પશ્ચિમ તરીકે ઓળખાતી વિધાનસભા બેઠક-69માં ભાજપે આંતરિક સંતુલન જાળવવું પડશે. જોકે આ બેઠક ભાજપ માટે રાજ્યની સૌથી સુરક્ષિત બેઠકોમાંથી એક માનવામાં આવે છે. 2001માં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓ સૌથી સુરક્ષિત વિધાનસભા બેઠકની શોધમાં હતા. આ પછી તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને મોદી પહેલીવાર વિધાનસભામાં ચૂંટાયા. ઉલ્લેખનીય છે કે રાજકોટ પશ્ચિમ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ રહી છે. તેથી આગામી વિધાનસભામાં આ બેઠક જીતવા માટે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ મજબૂત ઉમેદવાર ઉભા રાખવા પડશે.
ADVERTISEMENT
આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે
- 1967 – સ્વતંત્ર પક્ષના ઉમેદવાર એમ.પી. જાડેજા વિજેતા થયા.
- 1972- કોંગ્રેસ પક્ષના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા વિજેતા થયા
- 1975- ભારતીય જન સંઘના ઉમેદવાર અરવિંદ મણિયાર વિજેતા થયા
- 1980- કોંગ્રેસ (આઈ ) ના ઉમેદવાર મણીભાઈ રાણપરા વિજેતા થયા
- 1985- ભાજપના ઉમેદવાર વજુભાઇ વાળા વિજેતા થયા.
- 1990- ભાજપના ઉમેદવાર વજુભાઇ વાળા વિજેતા થયા.
- 1995- ભાજપના ઉમેદવાર વજુભાઇ વાળા વિજેતા થયા.
- 1998- ભાજપના ઉમેદવાર વજુભાઇ વાળા વિજેતા થયા.
- 2002- ભાજપના ઉમેદવાર વજુભાઇ વાળા વિજેતા થયા.
- 2002 પેટા ચૂંટણી – ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિજેતા થયા.
- 2007- ભાજપના ઉમેદવાર વજુભાઇ વાળા વિજેતા થયા.
- 2012- ભાજપના ઉમેદવાર વજુભાઇ વાળા વિજેતા થયા.
- 2014- પેટા ચૂંટણી- ભાજપના ઉમેદવાર વિજય રૂપાણી વિજેતા થયા
- 2017- ભાજપના ઉમેદવાર વિજય રૂપાણી વિજેતા થયા
ADVERTISEMENT