T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે ટક્કર, વરસાદ વિલન બની શકે; જાણો ટીમનું ટોપ-4માં પહોંચવાનું ગણિત
સિડનીઃ T20 વર્લ્ડ કપ 2022માં ઈન્ડિયન ટીમ પોતાની બીજી મેચ આજે ગુરૂવારે નેધરલેન્ડ સામે રમશે. બંને ટીમો વચ્ચેની આ મેચ સિડનીના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર રમાશે.…
ADVERTISEMENT
સિડનીઃ T20 વર્લ્ડ કપ 2022માં ઈન્ડિયન ટીમ પોતાની બીજી મેચ આજે ગુરૂવારે નેધરલેન્ડ સામે રમશે. બંને ટીમો વચ્ચેની આ મેચ સિડનીના ઐતિહાસિક ગ્રાઉન્ડ પર રમાશે. પહેલી મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન દાખવી પાકિસ્તાનને 4 વિકેટથી પછાડી દીધું હતું. જેના પરિણામે અત્યારે ખેલાડીઓમાં અનેરો આત્મવિશ્વાસ જોવા મળી શકે છે. જ્યારે બીજી બાજુ નેધરલેન્ડની ટીમે સુપર-12માં પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કર્યો હતો.
વેધર રિપોર્ટ
વેધરઝોન વેબસાઈટ પ્રમાણે આગાહી કરવામાં આવી છે કે આજે સિડનીમાં 70 ટકા વરસાદ પડવાની સંભાવના છે. તેવામાં સવારે વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે બપોરે હળવોથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે. જોકે સાંજ પછી અહીં વરસાદ પડવાની સંભાવના વધી શકે છે. તેવામાં હવે જોવાજેવું રહેશે કે જો વરસાદ બાજી બગાડીને બેસી જશે તો શું થશે. તથા ભારતીય ટીમ માટે હજુ પોતાની વિનિંગ સ્ટ્રિક જાળવી રાખવી પણ ઘણી જરૂરી છે.
ADVERTISEMENT
જો આજની મેચ વરસાદમાં ધોવાઈ જશે તો બંને ટીમને 1-1 પોઈન્ટ મળશે. ઉલ્લેખનીય છે કે વરસાદ અત્યારે કોઈપણ પરિણામની કાયાપલટ કરવા માટે સક્ષમ છે. જેથી આજે મેચમાં કેવો માહોલ રહેશે એના પર પણ ફેન્સની નજર રહેશે.
ADVERTISEMENT
કે.એલ.રાહુલનું ફોર્મ ચિંતાનો વિષય
IPLમાં સ્ટાર રહેતા કે.એલ.રાહુલનું પ્રદર્શન છેલ્લા ઘણા સમયગાળાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ફિક્કુ પડી ગયું છે. પાકિસ્તાન સામેની મેચમાં પણ તે પોતાની લય મેળવી શક્યો નહોતો. તેવામાં જો આ વિસ્ફોટક બેટર ફરીથી પોતાની લયમાં આવી જાય તો ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સપનું સાકાર કરવામાં તે મોટું યોગદાન આપી શકે છે.
ADVERTISEMENT
ગ્રુપ-2માં ભારતની સ્ટેન્ડિંગ લગભગ નક્કી થશે
ભારતીય ટીમ 30 ઓક્ટોબરે દ.આફ્રિકા વિરૂદ્ધ મેચ રમવા જઈ રહી છે. એની પહેલા રાહુલ અને રોહિતે ફોર્મમાં આવવું અત્યંત આવશ્યક છે. તેવામાં જો આ બંને ફોર્મમાં આવી ગયા તો ભારતીય ટીમ માટે આ બૂસ્ટર ડોઝ સમાન રહેશે. બીજી બાજુ જોવા જઈએ તો આ મેચથી ભારત અને દ.આફ્રિકાની ગ્રુપમાં સ્ટેન્ડિંગ્સ લગભગ નક્કી થઈ જશે. કારણ કે પાકિસ્તાન અને દ.આફ્રિકા ટીમ સામે જો ભારત જીતી જાય તો અન્ય ટીમો આમની તુલનામાં નબળી ગણી શકાય. એને જોતા ભારતની ટોપ-4 સુધીની સફર લગભગ નક્કી જ થઈ એમ જોઈ શકશો.
હાર્દિક પંડ્યા સૂપર ફિટ
ઈન્ડિયન ટીમના બોલિંગ કોચ પારસ માંબ્રેએ કહ્યું કે હાર્દિક પંડ્યા વર્લ્ડ કપની બધી જ મેચ રમવા માગે છે. તેથી અમે તેને આરામ નહીં આપીએ. તેણે જેવી રીતે પાકિસ્તાન સામે પોતાનું ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું એ પણ ઘણું શાનદાર હતું. અત્યારે તે ફિટ છે અને બધી જ મેચ રમવા માગે છે.
શું ચહલને તક મળશે?
વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટ દરમિયાન કોઈપણ ટીમ પોતાની શરૂઆતી લાઈનઅપને બદલવાનું પસંદ કરશે નહીં. ભારતીય ટીમ પણ વિનિંગ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરી શકે છે. તેવામાં ભારત તરફથી લેગ સ્પિનર ચહલ પાકિસ્તાન સામે રમ્યો નહોતો. પરંતુ પ્રેક્ટિસ સેશનમાં તે ટોપ બેટર્સને મુશ્કેલીમાં મુકતો નજરે પડ્યો હતો. જોકે ફાસ્ટ બોલિંગ યૂનિટમાં કોઈ વધારે ફેરફાર થાય એમ લાગી રહ્યું નથી.
ADVERTISEMENT