રૂપિયાની નકલી નોટનાં કેસમાં પોલીસે કરી 8 લોકોની ધરપકડ, આખો રૂમ ખિચોખીચ નોટોથી ભરાઈ ગયો!
સંજયસિંહ રાઠોડ/સુરતઃ 29 સપ્ટેમ્બરે સુરત જિલ્લા પોલીસે કામરેજ વિસ્તારમાં એમ્બ્યુલન્સમાંથી શરૂઆતમાં રૂ. 25 કરોડની નકલી નોટો જપ્ત કરી લીધી હતી. આ દરમિયાન એમ્બ્યુલન્સ ડ્રાઇવરની પણ…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ/સુરતઃ 29 સપ્ટેમ્બરે સુરત જિલ્લા પોલીસે કામરેજ વિસ્તારમાં એમ્બ્યુલન્સમાંથી શરૂઆતમાં રૂ. 25 કરોડની નકલી નોટો જપ્ત કરી લીધી હતી. આ દરમિયાન એમ્બ્યુલન્સ ડ્રાઇવરની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે પોલીસે આ ઓપરેશન અહીંથી વધુ આગળ વધાર્યું અને વિવિધ કડીઓ જોડવાનું શરૂ કર્યું હતું. તેવામાં પોલીસની તપાસમાં નકલી નોટોનો આંકડો અત્યારે 337 કરોડ સુધી પહોંચી ગયો છે. આ સમગ્ર રેકેટમાં પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી છે. દિલ્હી, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાં આ નકલી નોટની સપ્લાય ગુરમીત નામનો શખસ કરતો હતો. જેના ઘરેથી પોલીસે કરોડો રૂપિયાની નકલી નોટો જપ્ત કરી છે.
કાર્યવાહી બાદ રૂપિયાના બંડલોથી રૂમ ખિચોખીચ ભરાઈ ગયો
સુરત જિલ્લા પોલીસે નકલી નોટ મુદ્દે તજવીજ હાથ ધરી દીધી છે. તેવામાં તપાસ અને ધરપકડના દોરની વચ્ચે સુરત જિલ્લા પોલીસનો એક આખો રૂમ આ રૂપિયાના નોટના બંડલોથી ભરાઈ ગયો છે. જેમાં બંડલો ભરેલી બેગ, બોક્સ રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ બેગ અને બોક્સમાં 500થી 2000 રૂપિયાની નોટો ભરેલી છે. અત્યારે વધુ તપાસ માટે પોલીસે આ નોટો સુરક્ષિત રાખી છે.
ADVERTISEMENT
ટ્રસ્ટની એમ્બુલન્સમાંથી મળી આવી નકલી ચલણી નોટો
હકીકતમાં, 29 સપ્ટેમ્બરના દિવસે કામરેજ પોલીસને દિકરી એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાંથી રૂ. 2,000 અને રૂ. 500ની કિંમતની રૂ. 25 કરોડ 80 લાખની નકલી ચલણી નોટ મળી આવી હતી. આ કેસમાં ટ્રસ્ટી અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર હિતેશ કોટડિયાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે સુરતના રહેવાસી દિનેશ કોસિયા અને આણંદમાં રહેતા વિપુલ પટેલની ધરપકડ કરી હતી, જેમની પૂછપરછ બાદ જામનગરમાંથી 52 કરોડ અને આણંદથી 12 કરોડની નકલી નોટો મળી આવી હતી.
કૌભાંડના માસ્ટર માઈન્ડને પોલીસે દબોચ્યો
પોલીસ દ્વારા ત્યારપછી અલગ-અલગ ટીમો બનાવીને અલગ-અલગ જગ્યાએ મોકલવામાં આવી હતી. આ દરમિયાન સમગ્ર કેસના માસ્ટર માઈન્ડ વિકાસ જૈન પાસેથી મુંબઈમાંથી 227 કરોડ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે ત્યારપછી એના સાથી દીનાનાથ યાદવ અને તેનો ડ્રાઈવર અનુષની ધરપકડ કરી હતી. જેમના 9 દિવસના રિમાન્ડમાં વધુ અનેક ખુલાસાઓ થયા છે. શુક્રવારે રાત્રે દિલ્હી ગયેલી ટીમે 17 કરોડ 75 લાખની નકલી નોટો જપ્ત કરી લીધી હતી. જેથી આ કેસમાં અત્યારસુધીમાં 337 કરોડથી વધુની નકલી નોટો ઝડપાઈ ચૂકી છે.
ADVERTISEMENT
સુરત ગ્રામ્ય એસપી હિતેશ જોયસરે જણાવ્યું કે..
સામાન્ય લોકો માટે આ નકલી નોટોને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે કે આ નોટ અસલી છે કે નકલી. તેમણે કહ્યું કે આ કેસમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વધુ એકની પૂછપરછ ચાલી રહી છે. આ ગેંગનું મુખ્ય કામ લોકો સાથે ચિટિંગ કરવાનું હતું, એક અંદાજ છે કે આ લોકો લાંબા સમયથી આવા કામ કરી રહ્યા હતા. કોઈને ચેરિટી આપવાના નામે તો કોઈને ઈન્વેસ્ટમેન્ટના નામે ચીટ કરતા હતા.અત્યારસુધી એવી માહિતી સામે આવી છે કે આરોપીઓ દ્વારા 11 લોકો સાથે બે કરોડ રૂપિયાથી વધુની રકમની ચિંટીંગ કરાઈ છે. પોલીસ અત્યારે તમામને પૂછપરછ માટે બોલાવશે. રાજકોટના રવિ પરસાણા નામના વેપારી સાથે મુંબઈના વિકાસ જૈન દ્વારા 1 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાંથી વીસ લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા છે.
આરોપીઓ આવી રીતે છેતરતા હતા..
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને બદલે આરોપી જે નકલી નોટ આપતા હતા તેમાં રિવર્સ બેન્ક ઓફ ઈન્ડિયા અને તેની નીચે નાના અક્ષરોમાં માત્ર સિનેમાના શૂટિંગ માટે લખેલું હતું. જેથી કરીને જો પોલીસ તેમને ક્યારેય પકડે તો તે બચી શકે. પોલીસે અપીલ કરી છે કે જે લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે તેઓએ શક્ય તેટલું આગળ આવવું જોઈએ અને તપાસમાં મદદ કરવી જોઈએ.
ADVERTISEMENT
સુરત પોલીસના હાથે ઝડપાયેલી નકલી નોટોનો આંકડો હવે 337 કરોડને આંબી ગયો છે, એસપી હિતેશ જોયસરે જણાવ્યું હતું કે દિલ્હીનો રહેવાસી ગુરમીત દિલ્હીથી મુંબઈના વિકાસ જૈનને પાર્સલમાં નકલી નોટો મોકલતો હતો અને નકલી નોટોનું તેનું કન્સાઈનમેન્ટ વિવિધ રાજ્યોમાં જતું હતું. આરબીઆઈ અનુસાર, નોટમાં 17 પેરામીટર છે, જેમાંથી 14 પેરામીટરની નકલ કરીને આ નવી નકલી નોટો છાપવામાં આવી છે.
એસપીએ કહ્યું કે તેમને મુંબઈ અને ગુજરાતના 11 લોકો છેતરપિંડીનો શિકાર હોવાની માહિતી મળી છે. વળી આરોપીઓ વીડિયો કોલ પર નકલી નોટને અસલી કહેતા હતા. એટલું જ નહીં તેમની પાસેથી નોટબંધી પહેલાની 67 કરોડની નોટો પણ મળી આવી છે. વળી આરોપીઓ દ્વારા જે નકલી નોટ આપવામાં આવી છે તેની પેપરની ગુણવત્તા પણ સારી છે.
ADVERTISEMENT