સુરતમાં વ્યક્તિએ ખાવાની વસ્તુની લાલચ આપી 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો, મકાઈ વેચતી મહિલાએ લાજ બચાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરતઃ એક સામાન્ય નાગરિક જ્યારે જાગૃત હોય ત્યારે સમાજમાં કેવા સકારાત્મક પરિણામો આવી શકે છે એનું વધુ એક ઉદાહરણ ગુજરાતના સુરતથી સામે આવ્યું છે. અહીં ડુમસ બીચ પર ભેળ અને મકાઈ વેચતી એક મહિલાએ 11 વર્ષીય કુમળી બાળકીની લાજ લૂંટાવતા બચાવી લીધી છે. નોંધનીય છે કે એક 35 વર્ષીય શખસે ખાવા-પીવાની વસ્તુ અપાવી 11 વર્ષીય બાળકી સાથે શારિરીદ ચેડા કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે આ સમગ્ર ઘટનાક્રમ મકાઈ-ભેળ વેચતી મહિલાએ જોઈ લીધા પછી જોવાજેવી થઈ હતી…જાણો વિગતવાર માહિતી

ડુમસ બીચ પર 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ
સુરત શહેરમાં ડુમસ બીચ પર લોકો હરવા-ફરવા માટે આવતા રહે છે. તેવામાં અહીં સ્થાનિકો જ ખાવા-પીવાની વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. આ દરમિયાન સોમવારે સવારે અંદાજે 35 વર્ષીય શખસ નાની બાળકીને લઈને ડુમસ બીચ પહોંચ્યો હતો. આ નાની બાળકીની ઉંમર લગભગ 11 વર્ષ આસપાસ જ હશે. તેવામાં બાઈક પર આવેલા આ શખસે સૌથી પહેલા બાળકીને ખાવા-પીવાને વસ્તુઓ અપાવી હતી. ત્યારપછી તેને ઝાડીઝાંખરાવાળા વિસ્તારમાં લઈ ગયો હતો.

મહિલાએ બાળકીની લાજ બચાવી
આસપાસના વિસ્તારમાં ભેળ અને મકાઈ વેચતી એક મહિલાની નજર આ શખસ પર પડી હતી. ત્યારે 35 વર્ષીય શખસ દુષ્કર્મના ઈરાદે 11 વર્ષીય બાળકી સાથે શારિરીક ચેડા કરતો નજરે પડ્યો હતો. ઝાડીઝાખરામાં માસુમ બાળકી સાથે જે થઈ રહ્યું હતું એ જોઈને બે ઘડી તો મહિલાના હોશ ઉડી ગયા હતા. ત્યારપછી તેણે તત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી ઘટનાસ્થળે બોલાવી લીધી હતી.

ADVERTISEMENT

પોલીસ તપાસમાં ચોંકવનારી વિગતો સામે આવી
પોલીસ ઈન્સ્પેક્ટર અંકિત સોમૈયા અને ડીસીપી સાગર દ્વારા 35 વર્ષીય શખસની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે આ શખસનું દીપક ચાવલા છે અને તે સુરત શહેરના ઉધના વિસ્તારના દિવેશ્વર એપાર્ટમેન્ટમાં વસવાટ કરે છે. તે એક હોટેલમાં નોકરી કરી રહ્યો છે. સોમવારે સવારે જ્યારે 11 વર્ષીય બાળકી શાળાએ જઈ રહી હતી ત્યારે દીપકે તેને બાઈક પર ફરવા લઈ જવા અને હોટલમાં ખાવા-પીવાની લાલચ આપી હતી. માસુમ બાળકી તેની લાલચમાં આવી ગઈ અને તેની સાથે જતી રહી હતી. દીપક તેની પર દુષ્કર્મ આચરવા માગતો હોવાનો પણ ખુલાસો થયો હતો.

ADVERTISEMENT

આરોપી સામે પોલીસે કડક પગલાં ભર્યા
પોલીસે ત્યારપછી બાળકીના માતા-પિતાને બોલાવ્યા અને દીપક દ્વારા તેમની દીકરીને ખાવા-પીવાની લાલચે દુષ્કર્મ કરવાના ઈરાદાથી લઈ ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે અત્યારે દીપક સામે પોસ્કો, અપહરણ અને છેડતીની કલમ લગાવી કેસ દાખલ કરી ધરપકડ કરી લીધી છે.

ADVERTISEMENT

ડુમસ બીચ પર અને દરિયામાં માછીમારી કરવા જતા માછીમારોને સુરત પોલીસ દ્વારા પોલીસ મિત્રનો દરજ્જો આપવામાં આવ્યો છે. પોલીસ વર્ષમાં અને છ મહિનામાં એકવાર તેમની સાથે વાતચીત પણ કરે છે જેથી કરીને પોલીસને બીચ અને દરિયામાં શંકાસ્પદ વસ્તુઓ વિશે માહિતી મળી શકે. આ પોલીસ મિત્રોમાંથી એક રસીલા બેન પટેલ પણ છે, જેમણે સમયસર દીપક ચાવલાએ નાની બાળકી સાથે કરેલા અશ્લીલ કૃત્ય અંગે પોલીસને જાણ કરી હતી, જેથી કરીને રસીલા બેન પટેલ દ્વારા એક નાની બાળકીની લાજ લૂંટાતા બચી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે સુરતના ડુમસ દરિયા કિનારે કે આ વિસ્તારની ઝાડીઓમાં ભૂતકાળમાં બળાત્કાર અને હત્યા જેવી જુદી જુદી ઘટનાઓ બની ચુકી છે. જેથી અહીંની પોલીસ અને લોકો દરેક મામલે પહેલા કરતા વધુ સજાગ છે. મકાઈ-ભેળ વેચતી સામાન્ય નાગરિક રસીલા બેન પટેલ પરથી લોકોની સતર્કતાનો અંદાજ લગાવી શકાય છે. આજે તેની તકેદારીના કારણે એક નિર્દોષની લાજ લૂટાંતા બચી ગઈ છે.

    follow whatsapp

    ADVERTISEMENT