આ રીતે ભણશે ગુજરાત? 5 ધોરણ વચ્ચે 1 ઓરડો, 4 વર્ષથી મંદિર-મેદાનમાં બેસીને ભણે છે બાળકો

ADVERTISEMENT

gujarattak
social share
google news

શક્તિસિંહ રાજપૂત/દાંતા: ગુજરાતમાં વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં સરકારી શાળાઓ આવેલી છે. ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા સર્વ શિક્ષા અભિયાનની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ આ જાહેરાતો દાંતા તાલુકામાં ખોટી સાબિત થઈ રહી છે. દાંતા તાલુકામાં 200 જેટલાં નાના નાના ગામોમાં સરકાર દ્વારા સરકારી શાળાઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે છેલ્લાં 1 મહિનામાં 4 સરકારી શાળામાં વિવાદ બહાર આવ્યો છે. જેમા દાંતા તાલુકાના જસવંતપુરા (મંડાલી)પ્રાથમિક શાળાના બાળકો છેલ્લા 4 વર્ષથી ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. બેટી બચાઓ,બેટી પઢાઓ, સૌ ભણે સૌ આગળ વધે, ખેલશે ગુજરાત.. જીતશે ગુજરાત,પણ… કેવી રીતે?

દાંતામાં 1 મહિનામાં ચાર સરકારી સ્કૂલો વિવાદમાં
દાંતા તાલુકામાં છેલ્લા 1 માસમાં વગદા ક્યારી, જોધસર, ધામણવા અને જશવંતપુરા (મંડાલી) શાળાઓ વિવિઘ પ્રશ્નોના લીધે વિવાદમાં આવી છે. જશવંતપુરા (મંડાલી) શાળામાં દયનીય સ્થિતિ એવી છે કે શાળામાં માત્ર 1 જ ઓરડો આવેલો છે જેમાં 1 થી 5 ધોરણના 67 બાળકો અભ્યાસ કરે છે. ત્યારે શાળાના 3 શિક્ષકો દ્વારા અલગ અલગ જગ્યાએ બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. શાળાની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે શાળામાં એક જ ઓરડો હોવાથી આ ઓરડામાં શાળાના શિક્ષકો પણ બેસે છે અને ધોરણ 1 અને ધોરણ 2 ના બાળકો પણ અભ્યાસ કરવા બેસે છે. શાળાની સામે આવેલા મંદિરમાં ખુલ્લા ચોકમાં ધોરણ 3 અને ધોરણ 4 ના બાળકો અભ્યાસ કરે છે ધોરણ 5 ના બાળકો શાળાથી થોડી દૂર આવેલા લોકોના ઘરે બેસીને અભ્યાસ કરી રહ્યા છે.

ADVERTISEMENT

માત્ર સરકારી કાગળ પર થાય છે સરકારી કાર્યક્રમો
ગુજરાત સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને સર્વશિક્ષા અભિયાન જેવા કાર્યક્રમો કરી શિક્ષણનું સ્તર વધારવા અને સુધારવા કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જયારે દાંતા તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં શિક્ષણ હોય કે કોઈ અન્ય બાબત હોય ફકત અને ફકત કાગળોમાં જ કામકાજ થતું હોય અને શાળાના ઉપરી અધિકારીઓ આવી પહાડો વચ્ચે આવેલી શાળાની મુલાકાતે જતા હોતા નથી તેવું લાગી રહ્યું છે.

ADVERTISEMENT

4 વર્ષથી બાળકોને ભણવા માટે ક્લાસ નથી
શાળાના શિક્ષકોએ જણાવ્યું કે, અમે છેલ્લા 4 વર્ષથી શાળાનાં બાળકોને ક્યારેક રૂમની બહાર, મંદિરમાં અને લોકોના ઘરે ભણાવીએ છીએ. અમારી શાળામાં 2 ઓરડા ખંડેર બનતા અમે તેમને તોડાવી દીધા હતા પરંતુ હજુ સુધી નવા ઓરડા બનાવવાની કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.શિક્ષણ જગતને શર્મશાર કરતો અને નાના ભૂલકાઓ સાથે મજાક સમાન કિસ્સો આવી શાળાઓમાં જોવા મળ્યો છે.

ADVERTISEMENT

ભણવા માટે ગામના લોકો ઘરમાં આશરો આપે
દાંતાના જસવંતપુરા (મંડાલી )ગામે શાળાના ઓરડા છેલ્લા 4 વર્ષ કરતા પણ વધુ સમયથી નથી, બાળકો ગામના મંદિરમાં તેમજ બાજુના ઘરોમાં બેસીને અભ્યાસ કરવા મજબુર છે. ગરીબ અને લાચાર બાળકોને આવી રીતે કેવું શિક્ષણ મળશે કે જ્યાં બેસવા માટે તો મંદિર અને આજુબાજુના ઘરોના લોકોએ આશરો આપ્યો પણ ફકત બેસવા પૂરતું સીમિત છે. ઠંડીનો સમય હોય, ભારે ગરમી હોય કે વરસાદ હોય આવી રીતે આ બાળકો ક્યાં સુધી અભ્યાસ કરશે? શિક્ષણ વિભાગમાં આ સ્કૂલની કોઈને ખબર નઈ હોય કે કેમ?? કે પછી ઉચ્ચ સ્તરે રજૂઆત ના થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી નહીં થતી હોય? જો દાંતા તાલુકાનું શિક્ષણ બાબતે આવુ જ વલણ રહ્યું તો આવનાર સમયમાં પણ તાલુકાનું પછાતપણું કાયમ રહેશે એ નક્કી છે. છેલ્લા 1 મહિનામાં 4 સરકારી શાળામાં કોઈને કોઈ રૂપમાં વિવાદ બહાર આવ્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ આ શાળાની રૂબરૂ મુલાકાત લે તો સત્ય બહાર આવે.

    follow whatsapp

    ADVERTISEMENT