Congressના તાલુકા પંચાયત પ્રમુખે ચોપડા પર ત્રણ વર્ષ ગાડી દોડાવી! માથુ ચકરાઈ જાય એવું કૌભાંડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

બનાસકાંઠા: પાલનપુર તાલુકા પંચાયતમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી કોંગ્રેસની સત્તા છે. તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કોંગ્રેસના સંગીતાબેન એમ. ડાકા સત્તા સ્થાને આવ્યા હતા. જોકે તેમની વિરુદ્ધમાં વિરોધ પક્ષના તાલુકા પંચાયત સભ્ય જયેશકુમાર ચૌધરીએ ગુજરાત પંચાયત ધારાની કલમ 71(1) હેઠળ જિલ્લા પંચાયતમાં અરજી કરી હતી. જેમાં આક્ષેપ હતો કે પ્રમુખે તેમના કાર્યકાળ દરમિયાન સરકારી વાહનનો નાણાકીય લાભ માટે દુરૂપયોગ કર્યો છે. એક જીપ જે બંધ હાલતમાં હતી તેની લોગબુક ખોટી બનાવી અને બીલો પણ ખોટા રજૂ કરી પ્રમુખે નાણાકીય ફાયદો મેળવ્યો. જોકે આ અરજીને જિલ્લા વિકાસ અધિકારીએ ગંભીરતાથી લઇ તેની ટ્રાયલ શરૂ કરી હતી અને આક્ષેપો સામે બચાવ પક્ષના પુરાવાઓનું પૃથ્થકરણ અને વિશ્લેષણ કર્યું હતું. જે બાદ તાલુકા પંચાયત પ્રમુખનું કૌભાંડ સામે આવતા તેમને સસ્પેન્ડ કરાયા છે.

થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનમાં મળ્યા કૌભાંડના પુરાવા
જિલ્લા વિકાસ અધિકારી ડો.સ્વપ્નિલ ખેરે આ કેસની ટ્રાયલમાં નિવેદનો અને મૌખિક પુરાવાઓ કરતાં દસ્તાવેજી પુરાવાઓનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં તેઓએ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનમાં હેડ મેકેનિકલનો તપાસ રિપોર્ટ મુખ્ય પુરાવા રૂપ જોવાયો હતો. જેમાં બચાવ પક્ષના અને કોંગ્રેસના પાલનપુર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન ડાકાનું બચાવનામું લોગબુક, ડીઝલ બિલ રસીદ અને હેડ મેકેનિકલના તપાસ રિપોર્ટથી વિપરીત હતું. જેમાં ગેરરીતિ થઇ હોવાના સમર્થનમાં અનેક પુરાવાઓ મળ્યા હતા.

કેવી રીતે ભ્રષ્ટાચાર આચર્યો?
તાલુકા પંચાયત પ્રમુખે મુસાફરી ભથ્થા ખર્ચ મર્યાદા 40,000 હોવા છતાં વર્ષ 2020-21માં કુલ 67211 ખર્ચ કર્યો હતો. જીપની અંદાજિત એવરેજ 11 પ્રતિ કિલોમીટરની જગ્યાએ માત્ર 6 થી 7 કિલોમીટર પ્રતિ લીટર બતાવેલી હતી. વીમા વગર વાહનનો ઉપયોગ કર્યો, તેમજ જીપની ટાંકીની ક્ષમતા 50 લીટર હોવા છતાં 60 થી 70 લીટર ડીઝલ ભરાવ્યું હોવાનું બતાવી ખોટો ખર્ચ કરી સરકારના ફંડનો દુરુપયોગ કર્યો હોવાના પુરાવો તપાસ દરમિયાન મળ્યો હતો.

ADVERTISEMENT

તાલુકા પંચાયત પ્રમુખે કર્યો લૂલો બચાવ
પ્રમુખે પોતાના બચાવમાં કહ્યું કે, વાહનના વીમાની જવાબદારી ટીડીઓની હતી. આ માર્શલ જીપનું મોડલ 2005નું હતું. જે હાઇવે પર વધુ એવરેજ જ્યારે સીટીમાં વારંવાર ગિયર બદલતા ઓછી એવરેજ આપતી હતી. લોગબુક યોગ્ય નિભાવાઈ છે, વાહન ઉપયોગમાં લેવાયું છે. આ અરજી દ્વેષભાવનાથી રાજકીય બદલા માટે કરાઈ છે. તેવો બચાવ ટ્રાયલ દરમિયાન પાલનપુર તાલુકા પ્રમુખે કર્યો હતો. ઉપરોક્ત તમામ વિગતો ધ્યાને લેતાં ગુજરાત પંચાયત ધારા 71(1) હેઠળ સંગીતાંબેન ડાકાને તેમના તાલુકા પંચાયત પાલનપુરના પ્રમુખ અને સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા.

    follow whatsapp

    ADVERTISEMENT